02 December, 2024 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુસાફરોની ફાઇલ તસવીર
આવતી છઠ્ઠી તારીખે દેશભરમાં ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી થવાની છે ત્યારે મોટા પ્રમાણમાં તેઓના અનુયાયીઓ મુંબઈ આવી શકે છે. આ જ કારણોસર આવનાર લોકોની ભીડને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય (Platform Ticket Ban) લેવાયો છે. એટલે જ કે સેન્ટ્રલ રેલવેએ કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રતિબંધ 2થી 9 ડિસેમ્બર સુધી અમલમાં હશે એવી માહિતી સામે આવી છે.
આગામી છઠ્ઠી તારીખે ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી તેમના અનેક અનુયાયીઓ દાદર સ્થિત ચૈત્યભૂમિ ખાતે આવતાં હોય છે. આ સમયે બહુ જ ભીડ ન થઈ જાય અને કોઈ અડચણ ન આવે તે બાબતને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે બંધ (Platform Ticket Ban) લાવવાનો નિર્ણય લીધો છે. મોટેભાગે 6 ડિસેમ્બરે મુખ્ય રેલવે સ્ટેશનો પર ભારે ભીડ રહેતી હોય છે.
કોને કોને મુક્તિ આપવામાં આવી છે? કોને કોને તકલીફ નહીં પડે?
Platform Ticket Ban: જ્યારે આ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે અન્ય સામાન્ય નાગરિકો માટે મુસાફરી કરવી સરળ અને ચિંતામુક્ત થઈ જશે તેમાં કોઈ બેમત નથી. આ સાથે જ જે ઑઁ સિનિયર સિટીઝન્સ છે તેઓને અને મેડિકલ ઇમરજન્સી હોય એવાં લોકોને આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કયા કયા સ્ટેશનો પર આ નિર્ણય લેવાયો?
તમને જણાવી દઈએ કે ડૉ બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે રેલવે ટ્રેનો અને સ્થાનકો પર ભીડ ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર સેન્ટ્રલ રેલ્વે પ્રશાસને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, થાણે અને કલ્યાણ તેમ જ નાગપુર વિભાગના નાગપુર અને વર્ધા, પુણે તેમ જ સોલાપુર સહિત જલગાંવ જીલ્લાના ભુસાવળ, જલગાંવ, ચાલીસગાંવ, પચોરા જેવાં રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટો પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ભુસાવળ રેલવે બોર્ડ દ્વારા તો એવી માહિતી આપવામાં આવી છે કે રેલવે પ્રશાસને મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે આ નિર્ણય લીધો છે. 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ રહેશે.
સેન્ટ્રલ રેલવેના આ મહત્વપૂર્ણ નિર્ણય (Platform Ticket Ban) બાદ મુસાફરોને આ સમયગાળા દરમિયાન કોઈપણ તકલીફ ન પડે તે હેતુસર અગાઉથી જ પ્લાન કરવા જણાવાયુ છે. આ સાથે જ તમામ મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે સૌએ આ નિર્ણય મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવું અને કોઈ તકલીફ ન પડે એ હેતુસર રેલવે અધિકારીઓને સહકાર આપવો. સેન્ટ્રલ રેલ્વેએ ખાતરી આપી છે કે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.