રાજકીય પક્ષોના વિભાજન અને વિલીનીકરણની જોગવાઈ બદલો

29 August, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણી બાદ કેટલાક પક્ષો બીજા પક્ષમાં વિલીન થઈ જાય છે કે પક્ષપલટો કરે છે જેનાથી મતદારોનો દ્રોહ થતો હોવાનો દાવો કરીને એક સમાજસેવી સંસ્થાએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી

ફાઇલ તસવીર

રાજકીય પક્ષોનું વિભાજન થવું કે બીજા પક્ષમાં વિલીનીકરણ થવાની આપણા બંધારણની જોગવાઈને બદલવાની માગણી કરતી જનહિતની એક અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી બાદ રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે બંધારણના નિયમનો ફાયદો લઈને મતદારો સાથે દ્રોહ કરે છે.

મીડિયા અને માર્કેટિંગ પ્રોફેશનલની સાથે વનશક્તિ બિન સરકારી સંસ્થાના સ્થાપક મીનાક્ષી મેનને બૉમ્બે હાઈ કોર્ટમાં આવી અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે બંધારણની કલમનો દુરુપયોગ કરીને રાજકીય પક્ષો બીજા પક્ષમાં વિલીન થઈને મતદારો સાથે વિશ્વાસઘાત કરે છે. આમ કરવું ગેરકાયદે છે અને એ બંધારણના મૂળ માળખાને નુકસાન પહોંચાડે છે.

ભારતના બંધારણના દસમા શેડ્યુલના ચોથા ફકરામાં રાજકીય પક્ષોને વિભાજન કરવા કે બીજા પક્ષમાં વિલીન થવા સામે કોઈ રોકટોક નથી. આથી આપણું બંધારણ મતદારોનો વિશ્વાસઘાત કરતી રાજકીય સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. એટલું જ નહીં, આખે આખી ચૂંટણી પ્રક્રિયા પર અસર પહોંચે છે અને ટૅક્સ ભરતા ભારતીયોના હજારો કરોડ રૂપિયા વેફડાતા હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે.

મીનાક્ષી મેનન વતી ઍડ્વોકેટ અહમદ અબદી અને એકનાથ ધોકાલેએ સોમવારે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ખંડપીઠ સમક્ષ જનહિતની અરજી દાખલ કરી હતી.

મીનાક્ષી મેનને અરજીમાં નોંધ્યું છે કે જૂન ૨૦૨૨માં મહારાષ્ટ્રની રાજકીય કટોકટી વખતે અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અનેક વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેથી જુદા થયા હતા, જેને પગલે તત્કાલીન મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી હતી. આવી જ રીતે એનસીપીમાં પણ અજિત પવાર મોટા ભાગના વિધાનસભ્યો સાથે શરદ પવારથી જુદા થયા છે અને પોતે જ પક્ષના સર્વેસર્વા હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યાં સુધી પક્ષના ભાગલા કે મર્જર સંબંધી નિકાલ ન આવે ત્યાં સુધી આવા વિધાનસભ્યોને વિધાનસભામાં બેસવા ન દેવા જોઈએ. 

bombay high court uddhav thackeray ajit pawar sharad pawar eknath shinde maharashtra political crisis political news maharashtra news mumbai mumbai news