મહારાષ્ટ્રમાં ૧૯ એપ્રિલના પહેલા તબક્કાનું પિક્ચર ક્લિયર

31 March, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ બેઠક, ૯૭ ઉમેદવાર ૯૫,૫૪,૬૬૭ મતદાર

રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓએ ગઈ કાલે પત્રકારોને ચૂંટણી સંબંધી માહિતી આપી હતી.

૧૯ એપ્રિલે થનારી લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં રાજ્યની નાગપુર, રામટેક, ચંદ્રપુર, ભંડારા-ગોંદિયા અને ગડચિરોલી-ચિમૂર બેઠકમાં ઉમેદવારી પાછી ખેંચવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. આ બેઠકો માટે કુલ ૧૮૧ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ૮૪ ઉમેદવારોએ તેમનાં નામ પાછાં ખેંચતાં હવે અહીં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ સહિત ૯૭ ઉમેદવારોનું ભા​વિ ૯૫,૫૪,૬૬૭ મતદારો નક્કી કરશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ. ચોકલિંગમે ગઈ કાલે પત્રકારોને માહિતી આપતી વખતે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની પાંચ બેઠકના ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે. રામટેકમાં સૌથી વધુ ૨૮ તો ગડચિરોલી-ચિમૂરમાં સૌથી ઓછા ૧૦ ઉમેદવાર માટે ૧૯ એપ્રિલે ૧૦,૬૫૨ મતદારકેન્દ્રોમાં મતદાન કરવામાં આવશે.

ચૂંટણીનું જાણવા જેવું
 આચારસંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં રાજ્યમાંથી ૩૪૨.૨૯ કરોડ રૂપિયાની કૅશ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. 
 રાજ્યમાં કુલ ૭૭,૧૪૮ લોકોને ગનનાં લાઇસન્સ આપવામાં આવ્યાં છે. એમાંથી અત્યાર સુધી ૨૭,૭૪૫ લોકોનાં શસ્ત્રો જમા કરવામાં આવ્યાં છે તો લાઇસન્સ વિનાનાં ૫૫૭ અને શસ્ત્રો જમા ન કરાવનારા ૧૯૦ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 ચૂંટણી દરમ્યાન ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ પર નજર રાખવા માટે રાજ્યભરમાં ૧૬૫૬ ફ્લાઇંગ સ્ક્વૉડ ટીમ (FST) અને ૨૦૯૬ સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ની સ્થાપના કરવામાં આવી છે. 
 ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પછી અત્યાર સુધી રાજ્યભરમાં ૨૭,૬૮૫ લોકો સામે ​પ્રિવેન્ટિવ ઍક્શન લેવામાં આવી છે.

mumbai news mumbai nagpur maharashtra news maharashtra