12 October, 2022 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પનવેલમાં રહેતા ૨૩ વર્ષના યુવાને પોતાના પરિવારજનોને પરેશાન કરવા માટે પોતાનું કિડનૅપિંગ થયું હોવાનું કહીને તેમની પાસેથી ૫૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જોકે પરિવારમાં બધા સાધારણ સ્થિતિના હોવાથી તેમણે તરત પોલીસ-ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરીને ૨૩ વર્ષના યુવાનને શોધી કાઢ્યો હતો. એની સાથે જ તેણે ખંડણી માગી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પનવેલના મીનાક્ષીનગરમાં રહેતા એલ. પૂજારી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તેમણે કરેલી ફરિયાદ અનુસાર ચોથી ઑક્ટોબરે સાંજે તેઓ ૨૩ વર્ષના ભત્રીજા રમેશ (નામ બદલ્યું છે)ને કમ્પ્યુટર ક્લાસમાંથી લેવા ગયા હતા. ત્યારે રમેશ ક્લાસમાં આવ્યો ન હોવાની તેમને જાણ થઈ હતી. રમેશ ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ હોવાથી તેમણે આસપાસના વિસ્તારમાં તેની શોધ કરી હતી. એક દિવસ સુધી શોધ કરવા છતાં રમેશની કોઈ ભાળ લાગી નહોતી. અંતે તેમણે ૬ ઑક્ટોબરે પનવેલ પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. એ દરમ્યાન ઘાટકોપરમાં રહેતી રમેશની બહેનને એક વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો જેમાં તે કિડનૅપ થયો હોવાની માહિતી હતી અને ૫૦ કરોડ રૂપિયા માગ્યા હતા. પોલીસને જાણ કરવા પર તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતાં તેમણે તરત જ કિડનૅપિંગ અને ખંડણીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
પનવેલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ મહાડિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી પોતે રિક્ષા-ડ્રાઇવર છે. તેની પાસેથી ૫૦ કરોડ રૂપિયા કેવી રીતે નીકળે? એટલે અમને પહેલેથી જ આ ફરિયાદમાં દાળમાં કાળું લાગ્યું હતું. એ પછી અમે ગુમ થયેલા યુવકની તમામ માહિતી કાઢી હતી. ત્યારે અમને જાણ થઈ હતી કે તેણે આ પહેલાં પણ આવી હરકતો કરી છે. એ પછી અમે તેના ફોનનું લોકેશન કાઢ્યું ત્યારે તે તામિલનાડુમાં હોવાનું અમને જણાયું હતું. એ પછી અમે વધુ તપાસ કરી હતી જેમાં ગુમ થયેલા યુવકે પોતાના પરિવારને પરેશાન કરવા માટે આ નાટક કર્યું હોવાનું સામે આવ્યું હતું.’