રેલવેલાઇનનું વિસ્તરણ કરવા માટે ૧૧૩ વૃક્ષો કાપવાની મળી મંજૂરી

15 February, 2024 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમ અનુસાર મહાનગરપાલિકા પ્રશાસનને ૧.૭૪ કરોડ રૂપિયાની આવક થઈ

રેલવેલાઇનનો વિસ્તાર કરવાના હેતુસર વૃક્ષો કાપવા માટે અંતે પ્રશાસકીય મંજૂરી મળી હતી.

રેલવેલાઇનનો વિસ્તાર કરવાના હેતુસર મુંબઈ રેલવે ડેવલપમેન્ટ ઑથોરિટીને મૂળ સહિત ૧૧૩ વૃક્ષોને હટાવવાની પરવાનગી મીરા-ભાઈંદર મહાનગરપા​લિકા દ્વારા અંતે મળી ગઈ છે. આ પરવાનગીના બદલામાં મહાનગરપાલિકાની તિજોરીમાં એક કરોડ ૭૪ લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. આ પરવાનગી માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને વૃક્ષો કાપવાનો ‌વિષય આવતાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા નારાજગી દાખવવામાં આવી રહી હતી.  

મુંબઈ રેલવે ડેવલપમેન્ટ ઑથોરિટીએ બોરીવલી અને વિરાર વચ્ચે પાંચમો અને છઠ્ઠો ટ્રૅક બનાવવાનું કામ હાથ ધર્યું છે. આ માટે જમીન ટ્રાન્સફર, અતિક્રમણની કાર્યવાહી અને અસ્તિત્વમાં રહેલાં વૃક્ષોને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એ અનુસાર દહિસરથી મીરા રોડ સ્ટેશન સુધી લગભગ ૧૧૩ વૃક્ષોને અસર થશે એવું સર્વેક્ષણ દ્વારા સામે આવ્યું હતું. એથી મુંબઈ રેલવે ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનને એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેથી આ વૃક્ષોને એમના મૂળ સહિત દૂર કરવાની મંજૂરી મળી શકે. આ અંગે મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગે વૃક્ષોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને ૧૦ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ જાહેર નોટિસ બહાર પાડી હતી. એના પર છેલ્લા દિવસ સુધી કોઈ સૂચન કે વાંધો નોંધવામાં આવ્યો નહોતો એટલે આ વૃક્ષોની નિયમ અનુસાર કિંમત નક્કી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશનને વળતર તરીકે એક કરોડ ૭૪ લાખ ૩૩ હજાર ૯૦૦ રૂ‌પિયા મુંબઈ રેલવે ઑથોરિટીને ભરવા વિશે જાણ કરવામાં આવી હતી તેમ જ એના પર ઑથોરિટીએ પણ સંમતિ આપી હતી. એથી મ્યુનિસિપલ કમિશનર સંજય કાટકરે આ વૃક્ષોને એમના મૂળ સાથે દૂર કરવા માટે પ્રશાસકીય ઠરાવ કરીને માન્યતા આપી છે.

પાણીની ટાંકી બનાવવા ૪૦ વૃક્ષો પર કુહાડી
મીરા રોડ અને ભાઈંદરને પાલઘરના સૂર્યા ડૅમમાંથી ૨૧૮ લાખ લિટર પાણીપુરવઠો પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. વહીવટી તંત્રે આ પાણીનો સંગ્રહ કરવા પાણીની ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરી છે. એમાં મીરા રોડ ખાતે આલા હજરત મેદાન પાસે મળ નિઃસારણ કેન્દ્રના પ્લૉટની પસંદગી કરવામાં આવી છે. જોકે આ કામ શરૂ કરવા માટે એ જગ્યાએ ૪૦ વૃક્ષો વચ્ચે આવી રહ્યાં છે. એથી મ્યુનિસિપલ કૉર્પોરેશને આ વૃક્ષો દૂર કરવા માટે આઠમી ડિસેમ્બરે જાહેર નોટિસ બહાર પાડી હતી. આ અંગે બે લોકોએ વાંધો નોંધાવ્યો હતો. ત્યાર બાદ આ અંગે સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એનું સમાધાન કરવામાં આવ્યું છે. કમિશનર સંજય કાટકરે ૪૦માંથી ૩૭ વૃક્ષો મૂળ સ‌હિત કાપવાના અને ત્રણ વૃક્ષનું પુન:રોપણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

mumbai news mumbai mira road bhayander mumbai railways mumbai local train