સર્વિસ રોડ સિમેન્ટ-કૉન્ક્રીટનો બને ત્યાં સુધી એને ખાડા વગરનો તો કરો

11 December, 2023 08:05 AM IST  |  Mumbai | Rohit Parikh

મીરા-ભાઈંદર, કાશીમીરા ફ્લાયઓવર પાસેના કથળી ગયેલા સર્વિસ રોડને સુધારવાની વાહનચાલકો કરી રહ્યા છે માગણી

કાશીમીરા ફ્લાયઓવર પાસેથી ભાઈંદર તરફ જતા સર્વિસ રોડના અમુક ભાગમાં ખાડા ખોદીને જમીનમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન, ઇલેક્ટ્રિક વાયરો, ઇન્ટરનેટના કેબલો જેવી એજન્સી દ્વારા તેમની લાઇનોને એકસરખી અને સમાંતર/સ્થળાંતર કરવાનું ચાલી રહેલું કામ.

મુંબઈ : ચોમાસા પછી મીરા, ભાઈંદર, કાશીમીરા ફ્લાયઓવરની બંને બાજુના સર્વિસ રોડની હાલત ભયંકર કથળી ગઈ છે. આ રોડ કાદવકીચડથી ભરપૂર બની ગયો હોવાથી ગમે ત્યારે ટૂ-વ્હીલર માટે જીવલેણ બની શકે છે. આમ છતાં સંબંધિત વિભાગો આજ સુધી આ મુદ્દાને ગંભીરતાથી લેતા નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા કહે છે કે આ રોડના રિપેરિંગની જવાબદારી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની છે અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ કહે છે કે આ રોડની જાળવણીની જવાબદારી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીની છે, અમારી નથી. જોકે ગઈ કાલે મેટ્રો રેલનું બાંધકામ સંભાળી રહેલી એજન્સીએ કહ્યું હતું કે ‍મહારાષ્ટ્ર સરકારના આદેશ પ્રમાણે અમે આ રોડને સિમેન્ટ-કૉન્ક્રીટનો બનાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો કહે છે કે એજન્સીએ અત્યારે સર્વિસ રોડના અમુક ભાગમાં નૂતનીકરણની શરૂઆત કરી છે, પણ આજેય સર્વિસ રોડનો મોટો ભાગ ખાડાવાળો અને જોખમી છે જેને સંબંધિત એજન્સીએ નૂતનીકરણ થાય નહીં ત્યાં સુધી સમથળ બનાવવાની ત્વરિત જરૂર છે. જોકે એના પર કોઈ જ ધ્યાન આપતું નથી.

આ બાબતમાં ઑક્ટોબર મહિનામાં અને બે દિવસ પહેલાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે એમ જણાવતાં મીરા રોડથી થાણે-કલ્યાણ રેગ્યુલર બાઇક પર ટ્રાવેલિંગ કરી રહેલા પીનલ વશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશીમીરા ફ્લાયઓવર પાસે ઘણા સમયથી મેટ્રો રેલનું બાંધકામ ચાલી રહ્યું છે, જેને કારણે આસપાસના સર્વિસ રોડની હાલત બિસમાર બની ગઈ છે. આમ છતાં એના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. એને પરિણામે આ રોડ હવે કાદવ-કીચડવાળો બની ગયો છે જે ટૂ-વ્હીલર માટે અત્યંત જોખમી છે. આ માટે ઘણા સમયથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં આના પર દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરને આ પહેલાં ફરિયાદ કર્યા પછી આ રોડનું ટેમ્પરરી રિપેરિંગ કરવામાં આવ્યું હતું. જોકે ચોમાસા પછી તો રોડ સાથ જ કથળી ગયો છે. કાશીમીરા ફ્લાયઓવર પાસે હાઇવે પર આવેલી અજિત પૅલેસ હોટેલથી મીરા-ભાઈંદર મેઇન રોડ (ગોલ્ડ નેસ્ટ સર્કલ) સુધી રોડ કાદવકીચડવાળો અને ખાડાવાળો બની ગયો છે. કમિશનરને બીજી વાર ફરિયાદ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે આ રોડની જાળવણી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. આથી તમે ત્યાં ફરિયાદ કરો. રોડની કથળેલી હાલતને લીધે ટ્રાફિક-જૅમની સમસ્યા પણ રહે છે.’

આ રોડની જાળવણીની જવાબદારી અમારી નથી એમ જણાવતાં મીરા-ભાઈંદરના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ દીપક ખાંભિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રોડ પર મેટ્રો રેલનું બાંધકામ ચાલી રહ્યું છે. આથી આ રોડના જાળવણીની જવાબદારી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીની છે, અમારી નથી.’ 
આ બધાં બહાનાં વચ્ચે મેટ્રો રેલનું બાંધકામ સંભાળી રહેલી એજન્સીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્ર સરકારના આદેશ પ્રમાણે આ મહિનાથી સિમેન્ટ-કૉન્ક્રીટનો રોડ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે આ જગ્યા પર સિમેન્ટ-કૉન્ક્રીટનો રોડ એ પહેલાં જમીનમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન, ઇલેક્ટ્રિક વાયરો, ઇન્ટરનેટના કેબલો જેવી એજન્સીઓ તેમની લાઇનોને એકસરખી અને સમાંતર/સ્થળાંતર કરી રહી છે. ત્યાર પછી રોડના નૂતનીકરણની શરૂઆત કરવામાં આવશે, જેને બે મહિનાથી વધુ સમય લાગી જશે.’

mira road bhayander mumbai news maharashtra news