22 May, 2023 08:37 AM IST | Mumbai | Priti Khuman Thakur
પ્રતીકાત્મક તસવીર
૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી ૩૦ સપ્ટેમ્બર બાદ બાય-બાય કરી રહી છે ત્યારે આ નોટ વટાવવા માટે અનેક ખેલ શરૂ થઈ ગયા છે. આરબીઆઇ દ્વારા આ નોટ પર ૩૦ સપ્ટેમ્બર બાદ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરાત કરતી વખતે એ પણ સ્પષ્ટ કરાયું હતું કે ૩૦ સપ્ટેમ્બર સુધી ૨,૦૦૦ રૂપિયાની નોટ વાપરી કરી શકાય છે, પરંતુ લોકો તો એવી રીતે વર્તવા લાગ્યા છે કે જાણે આ નોટ ગેરકાયદે અને બ્લૅક મની છે. આવી પરિસ્થિતિ વચ્ચે અનેક મુંબઈગરાઓને તો અત્યારથી જ ‘૨,૦૦૦ રૂપિયા, નો પ્લીઝ’ સાંભળવા મળી રહ્યું છે.
શૉપિંગમાં લેવાની ના પાડી
સુરતથી ધાર્મિક પ્રસંગ માટે મુંબઈ ખરીદી કરવા આવેલા દીપક પાઠકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરમાં મોટો પ્રસંગ હોવાથી પહેલેથી તૈયારીઓ કરી રાખવા પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. આ જાહેરાત થઈ એ પહેલાં અમે સુરતથી મુંબઈ આવી ગયા હતા અને ખરીદીનો પ્લાન બનાવી રાખ્યો હતો. અમારી પાસે પાંચસોની અને બે હજાર રૂપિયાની એમ બન્ને નોટો હતી. અમુક વસ્તુ સુરતથી અને અમુક વસ્તુ મુંબઈથી લેવાની હોવાથી મુંબઈથી બે વસ્તુ લઈ લીધી હતી, પરંતુ બીજી વસ્તુ લેવા સાઉથ મુંબઈ ગયા તો કપડાંની બેથી ત્રણ દુકાનવાળાઓએ પાંચસોની નોટ લીધી, પણ બે હજારની નોટ લેવાની ના પાડી દીધી હતી. આ નોટ સરકારે બ્લૅક મની થોડી જાહેર કરી છે કે આ રીતે લેવાની સીધી ના પાડી દે છે?’
કામવાળી બાઈએ પણ હાથ ઉપર કર્યા
મહાલક્ષ્મીમાં રહેતી એક ગૃહિણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ઑફિસ જવાનો સમય સવારનો છે અને ઘરે પાછા આવતાં મોડું થતું હોવાથી બૅન્કમાં જવાનો સમય નથી. હાલમાં રજા લઈને પણ બૅન્કમાં જવાય એવું નથી, કારણ કે પ્રોજેક્ટ્સનાં ખૂબ કામ બાકી છે જે કરવા મહત્ત્વનાં છે. એટલે મેં મારા ઘરે વર્ષોથી કામ કરતાં બહેનને કહ્યું કે તમને ઍડ્વાન્સ પેમેન્ટ આપું છું. તો તરત તેણે બે હજારની નોટ હોય તો મને નથી જોઈતા એમ સીધું કહી દીધું હતું. અમે બૅન્કમાં આપીશું તો અમારા ઘરે પોલીસ આવી જશે તો એવું કહેવા લાગતાં મને એમ થઈ ગયું કે આ તો ગુનાહિત પ્રવૃત્તિ જેવું બની ગયું હોય એવું લાગે છે.’
બિલ પાછળ કેટલી નોટ છે એ લખીને પાકું બિલ
અમુક જ્વેલર્સે નોટોનો ફ્લો ખોટી રીતે ન થાય એટલા માટે અનોખો માર્ગ શોધ્યો છે. આ વિશે વિરારના વિપુલ જ્વેલર્સના વિપુલ સોનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘માર્કેટમાં મનફાવે એમ બે હજાર રૂપિયાની નોટના નિકાલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય એવું લાગે છે. અમને પણ મુંબઈમાંથી ફોન આવે છે એટલે અમે સિસ્ટમૅટિક પ્રક્રિયા કરી રહ્યા છીએ. કોઈ ગ્રાહક વસ્તુ ખરીદવા આવ્યો હોય અને ૨,૦૦૦ હજાર રૂપિયાની નોટ આપે તો લેવામાં આવે છે, પરંતુ પાકું બિલ બનાવી તેમનું કેવાયસી લઈને બિલની પાછળ કેટલી નોટ બે હજારની આપી છે એ લખીને જ બિલ આપીએ છીએ.’
વેપારી અસોસિએશનો શું કહે છે?
બૉમ્બે ગ્રેન રીટેલ ટ્રેડર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ કહ્યું હતું ‘ઘણા સમયથી અમારી પાસે ૨,૦૦૦ રૂપિયા લઈને કોઈ ખરીદી કરવા આવતું નહોતું, પણ શનિવારે એક જ દિવસમાં અમારી પાસે બે હજારની નોટ લઈને આઠ જણ ખરીદી કરવા આવ્યા હતા. અમે ૨,૦૦૦ની નોટ સામે માલ આપીએ છીએ, પણ ૨,૦૦૦ના છૂટા કોઈ માગે તો આપતા નથી.’
લોઅર પરેલ વેપારી અસોસિએશનના પ્રેસિડન્ટ નીલેશ સાવલાએ કહ્યું હતું કે મારી પાંચ દુકાન છે, પણ એક પણ દુકાનમાં છેલ્લા પંદર દિવસમાં કોઈ ૨,૦૦૦ રૂપિયાની નોટ લઈને ખરીદી કરવા આવ્યું નથી.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર જૈને કહ્યું હતું કે ‘મુંબઈમાં લોકો બે હજારની નોટ વટાવવા દાગીના કે સોનાના સિક્કાની ખરીદી કરી રહ્યા છે એ વાત અફવા છે. કદાચ એવો સમય સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવે તો કહેવાય નહીં.’