18 February, 2023 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના પ્રવાસીઓ મુંબઈના ટ્રાફિકથી પરેશાન થઈને બેસ્ટની બસથી પ્રવાસ કરવાનું પસંદ કરે છે
મુંબઈ ઃ મુંબઈના પ્રવાસીઓ મુંબઈના ટ્રાફિકથી પરેશાન થઈને બેસ્ટની બસથી પ્રવાસ કરવાનું પસંદ કરે છે. એથી બેસ્ટ પણ વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓને આપતી હોય છે. બેસ્ટની બસમાં મુસાફરી કરતી વખતે કેટલાક લોકો પોતાનો સામાન ભૂલી જતા હોય છે તો કેટલાક લોકો તેમનો મોબાઇલ પણ ભૂલી જાય છે. જોકે રેલવે અને બસમાં મોબાઇલ ભૂલી ગયેલા પ્રવાસીઓ પોતાનો મોબાઇલ મળશે એવી આશા પણ રાખતા હોતા નથી. આવી પરિસ્થિતિમાં બસમાં મોબાઇલ ભૂલી ગયેલા પ્રવાસીઓને બેસ્ટ પ્રશાસન દ્વારા રાહત આપતો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બેસ્ટ દ્વારા એના વિવિધ રૂટો પર દોડતી બસમાંથી મળેલા મોબાઇલને એના માલિકને ફરીથી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વિશે બેસ્ટ તંત્ર દ્વારા માહિતી મળી હતી કે ‘જાન્યુઆરી ૨૦૨૩માં બેસ્ટની બસમાં ભૂલી ગયેલા અને બેસ્ટ પાસે જમા થયેલા મોબાઇલની યાદી ગુમ થયેલી વસ્તુઓના વિભાગમાં બેસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ૩૦ ડિસેમ્બર ૨૦૨૨થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન બેસ્ટની બસમાંથી લગભગ ૪૦ મોબાઇલ ફોન મળ્યા હતા. પ્રવાસીઓએ ૧૫ માર્ચ પહેલાં આ મોબાઇલ પર દાવો કરવાનો રહેશે. બસમાંથી મોટા ભાગના મળી આવેલા મોબાઇલ ઍન્ડ્રૉઇડ ફોન છે અને લગભગ ત્રણ આઇ-ફોન છે.