25 May, 2023 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા સ્ટેશન પર એસી લોકલને પ્રવાસીઓએ ઊભી રખાવી હતી.
મુંબઈ : વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલના કોચમાં પ્રવાસીઓની ભીડ વધુ હોય તો ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે તો અનેક વખત ચાલુ ટ્રેનમાં થોડી-થોડી વારમાં એસી બંધ થઈ જવાની પણ ફરિયાદ આવતી હોય છે. જોકે ગઈ કાલે સવારે વિરારથી ૭.૫૬ વાગ્યે રવાના થયેલી અને ચર્ચગેટથી જતી એસી ટ્રેનમાં સવારે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેનના બે કોચમાં કૂલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.
આ સમસ્યાની જાણ પહેલાં ભાઈંદર સ્ટેશન પર કરવામાં આવી હતી, જેના કારણે સવારના સમયે પ્રવાસીઓને વિલંબ અને અગવડ થઈ હતી. જોકે જ્યારે ટ્રેન ચર્ચગેટ પહોંચી ત્યારે વેસ્ટર્ન રેલવેના ટેક્નિકલ સ્ટાફે ઝડપી પ્રતિક્રિયા આપીને સફળતાપૂર્વક સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું. જોકે ગઈ કાલે આ એસી લોકલ ટ્રેનના બે કોચમાં એસીની સમસ્યા થતાં બન્ને કોચમાં અસરગ્રસ્ત પ્રવાસીઓ દ્વારા થયેલી ધમાલને કારણે ભાઈંદર, મીરા રોડ, દહિસર, બોરીવલી અને બાંદરા સ્ટેશન પર ટ્રેનનો સ્ટૉપેજનો સમય લંબાઈ ગયો હતો. એમાં બાંદરા સ્ટેશન પર લગભગ સાતેક મિનિટ સુધી ધમાલ થઈ હતી. જોકે પીક-અવર્સમાં ગરમીમાં એસી લોકલના દરવાજા બંધ હોય ત્યારે એસી ચાલતું ન હોય તો લોકોએ ભારે સમસ્યા અને ગૂંગળામણનો સામનો કરવો પડતો હોવાનું પ્રવાસીઓનું કહેવું છે.
ગઈ કાલે બોરીવલી જલદી પહોંચવું હોવાથી વહેલી સવારની ટ્રેન પકડી હતી એમ જણાવીને મીનાક્ષી સાગઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરમીનું પ્રમાણ બહુ હતું અને એમાં ભીડના સમયે એસી લોકલ પૅક હતી. આવી પરિસ્થિતિમાં એસી બંધ રહે તો કેવા હાલ થાય એ સમજી શકાય એમ છે. ગઈ કાલે સવારની આ ટ્રેનના બે કોચમાં એસીની સમસ્યાએ પ્રવાસીઓના હાલ બેહાલ થતાં તેઓ વિફર્યા હતા. જરૂરી સુવિધાઓની જાળવણી અને સમયસર સમારકામ પર રેલવેએ વધુ ધ્યાન આપવાની જરૂર છે.’
અન્ય એક રેલવે પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘ઠંડકના અભાવને કારણે વિફરેલા પ્રવાસીઓએ બાંદરા સ્ટેશન પર ચેઇન ખેંચી હતી. એને પરિણામે સ્ટેશન પર લગભગ સાત મિનિટ સુધી ટ્રેન રોકી રાખવામાં આવી હતી એટલે સ્ટેશન પર થોડી વાર ધમાલ જોવા મળી હતી. લોકો વધુ પૈસા ખર્ચીને એસી લોકલમાં પ્રવાસ કરે છે, પરંતુ એસી જ બરાબર ચાલતું ન હોય તો વધુ પૈસા ચૂકવવાનો શું અર્થ?’
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા નીતિન ડેવિડે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે વિરાર ૯૪૦૧૬ એસી ટ્રેનના બે કોચમાં એસી કામ કરતું ન હોવાની સમસ્યા સર્જાઈ હતી. એને કારણે ટ્રેન ભાઈંદર, મીરા રોડ, દહિસર, બોરીવલી અને બાંદરા સ્ટેશન પર વધારાના સમય માટે રોકાઈ હતી. જોકે આ મુદ્દો ટ્રેન એસ્કોર્ટિંગ સ્ટાફે તપાસ કરીને ઉકેલી લીધો હતો.’