શું રેલવે હજી કોરોનાકાળમાં જ છે?

20 February, 2024 07:21 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કો​વિડ વખતે લાંબા અંતરની અનેક ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેનના નામ હેઠળ દોડાવવામાં આવી હતી, પરંતુ એ ગયો એને ત્રણ વર્ષ થવા છતાં પૅસેન્જર ટ્રેનના પ્રવાસીઓએ મેલ-એક્સપ્રેસનાં ભાડાં ચૂકવવા પડતાં હોવાથી પ્રવાસીઓ અને રેલવે અસોસિએશને દર્શાવી નારાજગી

બાંદરાથી વાપી પૅસેન્જર ટ્રેનમાં પહેલાં ૩૫ રૂપિયામાં જઈ શકાતું. હવે એના માટે ૭૦ રૂપિયા ખર્ચવા પડે છે.

કોરોના દરમ્યાન પહેલી વખત રેલવેસેવા પ્રભાવિત થઈ હતી. ત્યારે લોકલ સેવાનો મર્યાદિત ઉપયોગ કરાયો હતો. કોરોનાકાળ વખતે લાંબા અંતરની અનેક લોકલ ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવામાં આવતી હતી. જોકે ત્યાર બાદ હજી સુધી પૅસેન્જર ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડાવવામાં આવી રહી છે અને પૅસેન્જર ટ્રેનોનું ભાડું મેલ-એક્સપ્રેસ ટ્રેનના ભાડા પ્રમાણે લેવામાં આવી રહ્યું છે. પૅસેન્જર ટ્રેનોમાં સૌથી વધુ પ્રવાસ દરરોજ લાંબા અંતરથી કામે આવતા-જતા અને મધ્યમવર્ગીય, શ્રમિક વગેરે લોકો કરતા હોય છે. આવા દરરોજ કમાઈને પેટ ભરતા પ્રવાસીઓ માટે દરરોજનું મેલ-એક્સપ્રેસ જેટલું ભાડું ચૂકવવું આર્થિક રીતે મુશ્કેલ બને છે. એથી આ પૅસેન્જરો દ્વારા ટ્રેનોના સમયને પહેલાંની જેમ કરવામાં આવે એવી માગણી કરાઈ રહી છે. આ ઉપરાંત ટ્વીટ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં રેલવેની મેલ-એક્સપ્રેસની ગાઇડલાઇન્સ પ્રમાણે ભાડું વસૂલ કરવામાં આવ્યું હોવાનો જવાબ અપાતો હોવાથી રેલવે અસોસિએશન દ્વારા નારાજગી દાખવવામાં આ‍વી રહી છે. આ ટ્રેનોની ટિ​​કિટનાં ભાડાં પહેલાં પ્રમાણે કરવાની માગણી પ્રવાસીઓ દ્વારા કરાઈ છે.

રેલવેએ પ્રવાસીઓની લૂંટ બંધ કરવી જોઈએ એવી નારાજગી વ્યક્ત કરતાં રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅસેન્જર ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને મેલ-એક્સપ્રેસની ટ્રેનની ટિ​કિટ આપવામાં આવે છે. મેં પોતે બાંદરા ટર્મિનસ-વાપી પૅસેન્જર ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. એના પ્રવાસીઓ પાસેથી મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટિકિટનું ભાડું વસૂલ કરવામાં આવે છે. એટલે કે ૩૫ રૂપિયામાં મળતી ટિકિટના ૭૦ રૂપિયા વસૂલાય છે. પૅસેન્જર ટ્રેનોની કોઈ ગતિ વધી નથી કે નથી એમાં કોઈ વિશેષ સેવા અપાતી. આ ટ્રેનોમાં દરરોજ કમાઈને ખાતા પ્રવાસીઓ, શ્રમિકો અને ગરીબ પ્રવાસીઓ વધુ પ્રવાસ કરે છે.’

સુભાષ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ‘કોરોનાકાળ વખતે સ્પેશ્યલ ટ્રેનના નામ હેઠળ ભાડામાં વધારો કરાયો હતો, પરંતુ હવે એને ફરી કોરોના પહેલાંના સમય વખતનાં લાગુ કરેલાં જ ભાડાં કરવાં જોઈએ. આ માટે અમે રેલવે સાથે સતત પત્રવ્યવહાર કરીશું. રેલવે પ્રશાસનને આ વિશે ટ્વીટ કરતાં કહેવાય છે કે ગાઇડલાઇન્સ પ્રમાણે ભાડું વસૂલાય છે. જોકે પ્રવાસીઓને એ પોસાય એમ ન હોવાથી ફરી પહેલાં જેવાં ભાડાં કરવાં અનિવાર્ય છે.’

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવા સંસ્થાના સભ્ય મહેશ પાટીલે કહ્યું હતું કે ‘કોરોના પહેલાંનાં પૅસેન્જર ટ્રેનોનાં ભાડાં કરવામાં આવી રહ્યાં નથી એટલે આ ટ્રેનોમાં દરરોજ પ્રવાસ કરનારા અને જરૂરિયાતમંદ પ્રવાસીઓએ વધુ ભાડું ચૂકવવું પડે છે. કોરોનાકાળ પહેલાંનું ભાડું ફરી કેમ લેવાઈ રહ્યું નથી? કોરોના વખતે સિનિયર સિટિઝનોનું કન્શેસન રદ કરાયું હતું એ હજી પણ શરૂ કરાયું નથી. આ બધું જોતાં એવું લાગે છે કે રેલવે સેવા આપવા કરતાં પ્રવાસીઓ પાસેથી રેવન્યુ જનરેટ કરવામાં વધુ રસ ધરાવે છે.’

વાપીથી અનેક વખત બીકેસી આવતા રોનક રાઠોડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારે વાપી, સુરત વગેરે સ્થળેથી કામકાજ માટે અઠવાડિયામાં અનેક વખત આ‍વવું પડે છે. મધ્યમ વર્ગના શ્રમિક પ્રવાસીઓેને પહેલાં આ ટ્રેનમાં પ્રવાસ કરવું પરવડતું હતું, પરંતુ હવે ભાડું બમણું થતાં બધાને મુશ્કેલી પડી રહી છે.’

mumbai news mumbai mumbai local train mumbai trains mumbai travel