23 August, 2024 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર
રેલવેના ધાંધિયાથી કંટાળેલા પ્રવાસીઓ કહે છે કે AC ટ્રેનો અને રંગબેરંગી સ્ટેશનો અમને નથી જોઈતાં; સુરક્ષિત પ્રવાસ કરવા એક્સ્ટ્રા ટ્રૅક હોય, વધુ ટ્રેન-સર્વિસ હોય, સમયસર ટ્રેનો દોડે, ફેરિયાઓ વગરના ખુલ્લા એન્ટ્રી-એક્ઝિટ હોય, પ્લૅટફૉર્મ પર છાપરાં અને સુરક્ષા માટે પોલીસ હોય એ અમારી માગણી છે
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો રોજ મોડી પડે છે અને પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડે છે. ખાસ કરીને સેન્ટ્રલ રેલવેમાં તો હાલત બહુ જ ખરાબ છે એટલે મુંબઈના સૌથી મોટા અને જૂના રેલવે પૅસેન્જર અસોસિએશન મુંબઈ પ્રવાસી સંઘના નેજા હેઠળ અન્ય પૅસેન્જર અસોસિએશનોએ ગઈ કાલે રેલવેનું આ બાબતે ધ્યાન દોરવા સફેદ કપડાં પહેરીને અને બ્લૅક પટ્ટી લગાડીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું .
મુંબઈ પ્રવાસી સંઘના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈગરા રોજ લોકલમાં પ્રવાસ કરતી વખતે મરણ જેવી યાતના ભોગવી રહ્યા છે. તેમનામાં ગુસ્સો ભભૂકી રહ્યો છે એ ગમે ત્યારે બહાર આવી શકે છે અને તેઓ ટ્રૅક પર ઊતરી શકે છે. એવું ન થાય એ માટે અમે આ આંદોલન કરીને રેલવેનું ધ્યાન દોરી રહ્યા છીએ. મૂળ તો બહારગામની લાંબા અંતરની ટ્રેનોના ભોગે લોકલ ટ્રેનો મોડી પડે છે જેને કારણે ટ્રેનોમાં ગિરદી થાય છે અને લોકોએ હેરાન થવું પડે છે. કેટલાક લોકોએ તો જીવ પણ ગુમાવવો પડે છે. બીજું, અમે લાંબા સમયથી કલવા-ઐરોલી પ્રોજેક્ટ માટે કહી રહ્યા છીએ, પણ પૉલિટિકલ કારણસર એ પ્રોજેક્ટ અટકાવી રાખવામાં આવ્યો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની આ હાલત છે. મુંબઈગરાને AC ટ્રેનો અને રંગબેરંગી સ્ટેશનો નથી જોઈતાં. સુરક્ષિત પ્રવાસ કરવા માટે એક્સ્ટ્રા ટ્રૅક અને વધુ ટ્રેન-સર્વિસ હોય, સમયસર ટ્રેનો દોડે, સમયસર રેલવે એના પ્રોજેક્ટ પૂરા કરે, મેટ્રો જેવા ખુલ્લા ફેરિયાઓ વગરના એન્ટ્રી-એક્ઝિટ હોય, પ્લૅટફૉર્મ પર છાપરાં અને સુરક્ષા માટે પોલીસ તહેનાત કરવામાં આવે એ જરૂરી છે.’
મુંબઈ પ્રવાસી સંઘના પ્રેસિડન્ટ મધુ કોટિયને કહ્યું હતું કે ‘અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ અને લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે. અમે ૨૫,૦૦૦ બ્લૅક રિબન વહેંચી છે અને લોકોને બાંધી છે. પ્રવાસીઓ પણ તેમને પડતી હાલાકીથી ત્રાસી ગયા છે. લોકશાહી પદ્ધતિથી અતિ મહત્ત્વના એવા મુદ્દે કરાયેલા આ આંદોલનની હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું પ્રતિક્રિયા આપે છે એના પર આંદોલનની હવે પછીની દિશા નક્કી થશે. જો હજી પણ સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે અને લોકશાહી પદ્ધતિથી કરેલા આ આંદોલનને ગણકારશે નહીં તો પ્રવાસીઓમાં એવો સંદેશ જશે કે જો સરકાર સુધી વાત પહોંચાડવી હોય તો બદલાપુર જેવું કલાકો સુધી રેલરોકો આંદોલન કરવું પડશે અને તો જ સરકાર હલશે.’
પ્રવાસીઓનું પ્રોટેસ્ટને સમર્થન
આ પ્રોટેસ્ટની અસર સેન્ટ્રલ રેલવેમાં મોટા ભાગે થાણે અને એ પછીનાં કળવા અને દિવા સ્ટેશનો પર વધુ જોવા મળી હતી, જ્યારે વેસ્ટર્નમાં બોરીવલી અને એની આગળનાં દહાણુ સુધીનાં સ્ટેશનો પર જોવા મળી હતી એમ સિદ્ધેશ દેસાઈએ જણાવ્યું હતું. લોકો વાઇટ શર્ટ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા અને અમે પણ તેમને કાળી રિબન પ્રોવાઇડ કરતા હતા એમ જણાવીને સિદ્ધેશ દેસાઈએ કહ્યું હતું કે મોટા ભાગના મુંબઈગરાઓનું કહેવું છે કે તેમણે રોજેરોજ ટ્રેનના પ્રવાસમાં હાલાકી ભોગવવી પડે છે અને રેલવે મુંબઈગરાને ગણતરીમાં જ નથી લેતી.