ધરપકડથી બચવા નાસી રહેલાં પ્રિન્સિપાલ અને બે ટીચર્સને શોધવા પોલીસની દોડાદોડી

07 February, 2024 07:36 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે થયેલા કુકર્મને લઈને તેમની સામે ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-ઈસ્ટમાં આવેલી લિટલ કૅપ્ટન પ્રી-સ્કૂલની ચાર વર્ષની બાળકી પર સ્કૂલના વૉચમૅન-કમ-પ્યુને કરેલા સેક્સ્યુઅલ અસૉલ્ટના કેસમાં સ્કૂલનાં પ્રિ​ન્સિપાલ અને અન્ય ટીચરોને એ બાબતની જાણ હોવા છતાં પોલીસને અથવા બાળકીના વાલીઓને જાણ ન કરી અને આ વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાથી વાલીઓમાં ભયંકર રોષ ફેલાયો હતો અને સોમવારે સ્કૂલ સામે સવારે ૧૦થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી જોરદાર વિરોધ-પ્રદર્શન કરીને તેમની પણ ધરપકડ કરવા માગ કરવામાં આવી હતી. આ બાબતની સીએમ સામે રજૂઆત કરતાં આખરે સમતાનગર પોલીસે સ્કૂલનાં પ્રિન્સિપાલ પ્રીતિ સેંગાર અને સ્કૂલના બે શિક્ષકો સામે ગુનો નોંધીને તેમની શોધ ચાલુ કરી છે. આ બાબતે વધુ માહિતી આપતાં સમતાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ રાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકીના વાલીઓએ ફરિયાદ કરી ત્યારે પ્રિન્સિપાલ કે અન્ય શિક્ષકો સામે ફરિયાદ કરી નહોતી, માત્ર એ કૃત્ય કરનારા આરોપી સામે જ ફરિયાદ કરી હતી. એથી એ ફરિયાદના આધારે અમે તે આરોપીને ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધ્યો હતો. હવે પ્રિન્સિપાલ અને બે શિક્ષકો સામે પૉક્સોની કલમ ૨૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ કલમ મુજબ જો બાળકો સાથે સેક્સ્યુઅલ ઑફેન્સ થયો હોય અને એની જાણ હોવા છતાં પોલીસ કે બાળકના વાલીને એની જાણ ન કરાઈ હોય તો તેમની સામે આ કલમ હેઠળ
ગુનો નોંધવામાં આવે છે. અમે હાલ પ્રિન્સિપાલ અને બે શિક્ષકો સામે ગુનો નોંધ્યો છે. જોકે તેમની ધરપકડ કરવા અમારા પોલીસ-કર્મચારીઓ ગયા ત્યારે તેઓ મળ્યાં નહોતાં. ધરપકડ ટાળવા તેઓ નાસી રહ્યાં છે. અમારી ટીમ તેમને શોધી રહી છે.’

સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ રાણેએ વધુમાં કહ્યું હતું કે ‘સ્કૂલમાંથી કલેક્ટ કરેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અમે ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટને આપ્યાં છે. એનું રિઝલ્ટ આવવાનું બાકી છે. અમે કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.’

દરમ્યાન પીડિત બાળકીના પરિવારના કહેવા મુજબ બાળકીની તબિયત સુધારા પર છે અને તેને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે.

mumbai news mumbai kandivli Crime News mumbai crime news