સ્કૂલનું બિલ્ડિંગ જ તૈયાર ન હોવાથી ઑનલાઇન ભણતર

03 June, 2022 10:55 AM IST  |  Mumbai | Mehul Jethva

બાળકોને ઑફલાઇન શિક્ષણ આપવામાં આવે એવા રાજ્યના આદેશ પછી પણ મુલુંડની સ્કૂલે નવું બની રહેલું મકાન તૈયાર ન હોવાથી ઑનલાઇન ભણતર આપવાની વાત કરતાં આશરે ૨૫૦ વાલીઓ પહેલાં સ્કૂલમાં અને પછી મુલુંડ પોલીસ સ્ટેશન પર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચી ગયા

મુલુંડમાં આવેલી ધ ગ્રીન એકર્સ ઍકૅડેમીની ઑફિસ

બાળકોને ઑફલાઇન શિક્ષણ આપવામાં આવે એવા રાજ્યના આદેશ પછી પણ મુલુંડની સ્કૂલે નવું બની રહેલું મકાન તૈયાર ન હોવાથી ઑનલાઇન ભણતર આપવાની વાત કરતાં આશરે ૨૫૦ વાલીઓ પહેલાં સ્કૂલમાં અને પછી મુલુંડ પોલીસ સ્ટેશન પર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચી ગયા : જોકે સ્કૂલે ચોથી જુલાઈએ ઑફલાઇન સ્કૂલ શરૂ કરવામાં આવશે એવો પત્ર પોલીસને આપ્યા પછી અત્યારે તો ઘીના ઠામમાં ઘી પડી ગયું

સરકારે ચાર મહિના પહેલાં રાજ્યની તમામ સ્કૂલોને બાળકોને ઑફલાઇન ભણતર આપવા આવે એવો આદેશ આપ્યો છે. આમ છતાં મુલુંડ-વેસ્ટના સાઇપ્રસ વિસ્તારમાં આવેલી ધ ગ્રીન એકર્સ ઍકૅડેમી સ્કૂલે વાલીઓ પાસેથી ઑફલાઇન ભણતર આપવાના બહાને ફી લીધા પછી પણ ઑનલાઇન ભણતર આપતી હોવાથી ગઈ કાલે સ્કૂલના આશરે ૨૫૦ વાલીઓ મુલુંડ પોલીસ સ્ટેશન પર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. જોકે સ્કૂલે ચોથી જુલાઈએ ઑફલાઇન સ્કૂલ શરૂ કરવામાં આવશે એવો પત્ર પોલીસને આપ્યા પછી પોલીસે વાલીઓને સમજાવીને કોઈ કેસ રજિસ્ટર કર્યો નહોતો.

મુલુંડ-વેસ્ટના સાઇપ્રસ વિસ્તારમાં આવેલી ધ ગ્રીન એકર્સ ઍકૅડેમી ત્રણ વર્ષ પહેલાં આશાનગર ઓટુ કમર્શિયલ પ્લાઝામાં હતી. એ પછી લૉકડાઉન થતાં એ જગ્યા સ્કૂલે ખાલી કરી હતી અને તમામ બાળકોને ઑનલાઇન ભણતર આપવાની શરૂઆત કરી હતી. મુંબઈમાં કોરોનાના કેસ ઓછા થતાં માર્ચ મહિનાની શરૂઆતમાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે રાજ્યની તમામ સ્કૂલોને ઑફલાઇન ભણતર લેવાની સૂચના આપી હતી. ત્યારે અહીં ભણતાં અનેક બાળકોના વાલીઓએ સ્કૂલ પાસે ઑફલાઇન ભણતરની માગણી કરતાં તેમણે કહ્યું હતું કે આપણી નવી સ્કૂલ બની રહી છે અને ૨૦થી ૨૫ દિવસમાં ઑફલાઇન સ્કૂલ બધા માટે શરૂ કરવામાં આવશે. આવા અનેક વાયદાઓ પછી અંતે ૬ જૂનથી સ્કૂલ શરૂ થશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે પહેલી જૂને સાંજે તમામ વાલીઓને ઈ-મેઇલ અને વૉટ્સઍપ પર સ્કૂલે કહ્યું હતું કે ઑફલાઇન સ્કૂલ ચાલુ થવા માટે વધુ ચાર વીક લાગશે એટલે જુલાઈ મહિનામાં સ્કૂલ ચાલુ કરવામાં આવશે. આવો મેસેજ વાલીઓને મળતાં ગઈ કાલે યોગી હિલ વિસ્તારમાં આવેલી ધ ગ્રીન એકર્સ ઍકૅડેમીની ઑફિસમાં અહીં ભણતાં બાળકોના આશરે ૨૫૦ વાલીઓ પહોંચી ગયા હતા.

મુલુંડ પોલીસ સ્ટેશનની બહાર વાલીઓ

અહીં ભણતા એક બાળકનાં વાલી શ્રદ્ધા તેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે તેમની પાસે શાંતિપૂર્વક જવાબ માગવા ગયા હતા. અમે તેમને કહ્યું હતું કે ધ ગ્રીન એકર્સ ઍકૅડેમીની સિનિયર ઑથોરિટીને બોલાવીને અમારી વાતનો જવાબ આપો. આશરે દોઢ કલાક તમામ વાલીઓ ઊભા રહ્યા હતા, પણ તેમના તરફથી કોઈ પ્રતિનિધિ અમારી વાતોના જવાબ માટે આવ્યો નહોતો. એટલે અમે બધા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.’

અન્ય બાળકના વાલી દીપેન ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બે દીકરીઓ અહીં સ્કૂલમાં ભણે છે. સ્કૂલ તરફથી મને છેલ્લા કેટલાક સમયથી ઑફલાઇન સ્કૂલ શરૂ કરીશું એવા વાયદા કરવામાં આવે છે, પણ જ્યારે એ દિવસ નજીક આવે ત્યારે તેઓ વધુ દિવસો માગી લેતા હોય છે. તેમની નવી સ્કૂલ બને છે એનાથી અમે રાજી છીએ, પણ એ સ્કૂલ બનવા માટે હજી સમય જશે. એ પહેલાં બાળકોને ઑફલાઇન ભણતર મળે એ માટે સ્કૂલના મૅનેજમેન્ટે જગ્યા ભાડા પર લઈને શરૂઆત કરવી જોઈએ જેથી બાળકોનું ભણતર ન બગડે. ગઈ કાલે પોલીસ સ્ટેશન પર સ્કૂલ તરફથી આવેલા પ્રતિનિધિઓએ ચોથી જુલાઈથી ઑફલાઇન ભણતરની શરૂઆત થશે એવો વાયદો કર્યો હતો. ત્યાં સુધી અમે ઑનલાઇન ભણતર નહીં લઈએ એવું અમે તેમને જણાવ્યું છે.’

મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથીબીરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સ્કૂલની મૅટરમાં અમારી પાસે આવેલા વાલીઓની ફરિયાદ પર અમે સ્કૂલની ઑથોરિટીને જાણ કરીને તેમને બોલાવ્યા હતા. તેમણે અમને લેખિતમાં આપ્યું છે કે એક મહિનામાં અમે સ્કૂલને ઑફલાઇન શરૂ કરીશું.’

ધ ગ્રીન એકર્સ ઍકૅડેમીના ઍડ્વોકેટ અશોક પૉલનો ‘મિડ-ડે’એ અનેક વાર સંપર્ક કર્યો હતો, પણ તેમના તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો.

mumbai mumbai news mulund mehul jethva