બદલાપુરની સ્કૂલની બહાર વાલીઓએ ફરી ઘેરાવ કર્યો

25 August, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટુડન્ટ્સની સુરક્ષા વિશેની માહિતી જાહેર કર્યા વિના સ્કૂલ શરૂ કરવા સામે વાંધો લીધો

બદલાપુરની સ્કૂલમાં ગઈ કાલે પહોંચેલા પેરન્ટ્સ.

બદલાપુર-ઈસ્ટની સ્કૂલની બે માસૂમ બાળકીનો વિનયભંગ થવાની ઘટનાને પગલે ૨૦૦૦ જેટલા લોકોએ સ્કૂલ અને બદલાપુર રેલવે-સ્ટેશન પર વિરોધ-પ્રદર્શન કર્યા બાદ ગઈ કાલે આ સ્કૂલની બહાર વાલીઓએ ઘેરાવ કર્યો હતો. વાલીઓ સવારના સ્કૂલના ગેટની બહાર પહોંચ્યા હતા. સ્ટુડન્ટ્સની સુરક્ષાની કેવી અને કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે એની જાણ કર્યા વિના સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે તેમને સ્કૂલની અંદર જવા નહોતા દેવાયા એટલે તેમણે બહાર જ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વાલીઓએ માગણી કરી હતી કે બાળકીઓના વિનયભંગની ઘટના બાદ સ્કૂલ ફરી શરૂ કરતાં પહેલાં મૅનેજમેન્ટે બાળકોની સુરક્ષા વિશે બેઠક બોલાવીને જાણ કરવી જોઈતી હતી. આ સંબંધી કોઈ પણ પ્રકારની માહિતી આપવાની માગણી વાલીઓએ કરીને થોડા સમય સુધી સ્કૂલનો ઘેરાવ કર્યો હતો. જોકે બાદમાં પોલીસે વાલીઓને સ્કૂલના ગેટ પાસેથી હટાવી દીધા હતા એટલે કોઈ અપ્રિય ઘટના નહોતી બની.

બળાત્કાર પર રાજકારણ કરતા નેતાઓને બદલાપુરવાસીનો જાહેર ચાબખો

બદલાપુરમાં બે બાળકીઓ પર થયેલા જાતીય અત્યાચારના મામલે જબરદસ્ત રાજકીય ગરમાગરમી થઈ રહી છે ત્યારે આ નગરમાં એક નાગરિકે મોટું બૅનર લગાડીને નેતાઓને  જાહેર ચાબખો માર્યો છે. તેણે લખ્યું છે કે બાળકીઓ સાથે જે બન્યું એનો એક બદલાપુરવાસી તરીકે હું નિષેધ કરું છું, પણ આ મામલે બદલાપુરમાં વિકૃત રાજકારણ ન કરો. (તસવીર - સૈયદ સમીર અબેદી)

mumbai news mumbai sexual crime Protection of Children from Sexual Offences Act POCSO badlapur mumbai police