07 June, 2024 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંઈનગર શિર્ડી એક્સપ્રેસમાંથી મળેલી બાળકી
બે વર્ષની બાળકીને સાંઈનગર શિર્ડી એક્સપ્રેસ ટ્રેનમાં ઇરાદાપૂર્વક મૂકવા માટે તેનાં માતા-પિતા વિરુદ્ધ દાદર રેલવે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા એક મુસાફરને મંગળવારે બાળકી રડતી હાલતમાં મળી હતી. ત્યાર બાદ તેનાં માતા-પિતાને ટ્રેનમાં શોધતાં તેઓ મળ્યાં નહોતાં. અંતે રેલવે પોલીસને એની જાણ કરતાં તેમણે તપાસ કરી ત્યારે જાણ થઈ કે બાળકી સૂતી હતી ત્યારે તેનાં માતા-પિતા તેને ટ્રેનમાં મૂકીને ચાલ્યાં ગયાં હતાં. આ બાળકીનાં માતા-પિતાને શોધવાની રેલવે પોલીસે ચૅલેન્જ ઉપાડી છે અને હવે શિર્ડીથી મુંબઈનાં બધાં રેલવે-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દ્વારા તેનાં માતા-પિતાને શોધવામાં આવી રહ્યાં છે.
સાંઈનગર શિર્ડી એક્સપ્રેસ ટ્રેન શિર્ડીથી તલેગાંવ પહોંચી ત્યારે કલ્યાણમાં રહેતા એક પ્રવાસીએ બાળકીને જનરલ ડબ્બામાં સૂતેલી જોઈ હતી એમ જણાવતાં દાદર રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રવાસીએ પહેલાં તેને જોઈ ત્યારે એમ લાગ્યું કે આ કોઈ મુસાફરની દીકરી છે. ટ્રેન કલ્યાણ પહોંચી ત્યારે બાળકી ઊઠીને પોતાનાં માતા-પિતાને શોધવા લાગી હતી. તેઓ ન મળતાં તેણે રડવાનું શરૂ કર્યું હતું. તેને રડતી જોઈને બીજા પ્રવાસીઓ પણ બાળકીનાં માતા-પિતાને શોધવા લાગ્યા હતા. જોકે આખી ટ્રેનમાં તેનાં માતા-પિતા મળ્યાં નહોતાં. અંતે ટ્રેન દાદર પહોંચી ત્યારે પ્રવાસીઓ બાળકીને લઈને અમારી પાસે આવ્યા હતા. ત્યાર બાદ અમે પણ આગળનાં રેલવે-સ્ટેશનો પર તેનાં માતા-પિતા વિશે પુછાવ્યું હતું. એની સાથે બાળકી સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જોકે બાળકી માત્ર બે જ વર્ષની હોવાથી તે ક્યાંથી આવી છે, તેને કોણ અને કેટલા વાગ્યે મૂકી ગયું તથા તે ક્યાંથી ટ્રેનમાં ચડી એની કોઈ માહિતી તેની પાસે નહોતી. એમ છતાં અમારી અલગ-અલગ ટીમોએ ૨૪ કલાક તેનાં માતા-પિતાની શોધ કરી હતી. જોકે તેઓ ન મળી આવતાં પ્રાથમિક તપાસમાં તેનાં માતા-પિતાએ તેને ઇરાદાપૂર્વક ટ્રેનમાં મૂકી હોવાનું સમજાતાં અમે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આગળની તપાસ અમે કલ્યાણ રેલવે પોલીસને સોંપી છે.’