23 December, 2022 09:00 AM IST | Mumbai | Rohit Parikh
સમેતશિખર તીર્થને બચાવવા માટે બુધવારે ભોપાલમાં જૈનોએ કાઢેલી વિરોધ રૅલી
ઝારખંડમાં આવેલા જૈનોના આ તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં મુંબઈ અને ગુજરાત સિવાય બધાં જ રાજ્યોમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બુધવારે ત્યાંના ચીફ મિનિસ્ટરના લેખિત નિવેદન કે નોટિફિકેશન વગર એવા સમાચાર વાઇરલ થયા કે સરકારે આ તીર્થને પવિત્ર તીર્થસ્થાનનો દરજ્જો આપી દીધો છે : જોકે જૈન અગ્રણીએ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર આ બાબતની ગૅઝેટના માધ્યમથી જાહેરાત નહીં કરે ત્યાં સુધી અમે ચૂપ બેસીશું નહીં
બુધવારે દેશભરમાં જૈનોના સમેતશિખર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં મુંબઈ અને ગુજરાત સિવાય બધાં જ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત દિગમ્બર જૈન સમાજના લોકોએ એક દિવસ માટે તેમના વ્યવસાય બંધ રાખ્યા હતા અને હજારોની સંખ્યામાં જૈનો મહિલાઓ સાથે રોડ પર ઊતરી આવ્યા હતા. આ દરમિયાન એક એવી વાત પ્રસરી હતી કે ઝારખંડ સરકારે સમેતશિખર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો અને તેઓ આ તીર્થને પવિત્ર તીર્થનો દરજ્જો આપવા સહમત થઈ ગઈ છે. જોકે જૈન સમાજ તરફથી ગઈ કાલે એવો નિર્દેશ મળ્યો હતો કે સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જે ટીવી-ચૅનલે આ ન્યુઝ ચલાવ્યા હતા એની પાસે પણ સરકારનું કોઈ સત્તાવાર નોટિફિકેશન છે નહીં. આથી સરકાર તરફથી જ્યાં સુધી ગૅઝેટમાં અથવા નોટિફિકેશન દ્વારા જૈનોના સમેતશિખર તીર્થને પવિત્ર તીર્થ તરીકેના દરજ્જાની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી જૈનોનું તીર્થની રક્ષા માટે આંદોલન ચાલુ રહેશે. સરકાર જેમ-જેમ આ મુદ્દે વિલંબ કરશે તેમ-તેમ આંદાલનને ઉગ્ર બનાવવામાં આવશે.
સમેતશિખર તીર્થ માટે છેલ્લા ઘણા સમયથી જૈનો દ્વારા દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. જોકે બુધવારે એક ચૅનલે ઝારખંડના મુખ્ય પ્રધાનના કોઈ બાઇટ કે કોઈ લેખિત નિવેદન વગર ઝારખંડ સરકારે સમેતશિખર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની તૈયારી બતાવી છે એવા સમાચાર પ્રસારિત કરતાં જૈન સમાજ અસમંજસ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. આ બાબતની માહિતી આપતાં સકળ જૈન સંઘ, નાશિકના સમન્વયક સુનીલ ચોપડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વ જૈન સંગઠને કેન્દ્ર સરકાર દ્વારા સમેતશિખરને ઇકો-સેન્સિટિવ ઝોન બનાવવા અને ત્યાં ઇકો-ટૂરિઝમને મંજૂરી આપવા અંગેના ગૅઝેટનો વિરોધ શરૂ કર્યો છે. બુધવારે મહારાષ્ટ્રનાં અનેક શહેરો સહિત મધ્ય પ્રદેશ, કર્ણાટક, દિલ્હીમાં કેન્દ્ર સરકારના આ ગૅઝેટનો વિરોધ કરવા જૈનોએ તેમના વ્યવસાય બંધ રાખીને મૂક રૅલીઓ યોજી હતી. આ રૅલીની સાથે દેશભરના જૈન સમાજોએ એક જ દિવસમાં કેન્દ્ર સરકાર, ઝારખંડ સરકાર, દરેક જિલ્લાના અધિકારીઓ અને કલેક્ટરોને આવેદનપત્રો આપ્યાં હતાં.’
સમેતશિખરજી પાર્શ્વનાથ તીર્થ ઝારખંડ રાજ્યનો ઊંચો પર્વત છે. એ દિગમ્બર અને શ્વેતામ્બર બંને સંપ્રદાયો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પર્વત પર જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકરો ભગવંતો તેમના સાધુઓ સાથે મોક્ષે સિધાવ્યા હતા. આથી આ તીર્થ જૈન સમુદાય માટે એક પવિત્ર સ્થળ છે. જોકે જૈન સમુદાય માટે અત્યંત દુખની વાત છે કે ઝારખંડ સરકારે આ સ્થળને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. આનાથી પ્રવાસીઓ આનંદ અને મનોરંજન માટે પવિત્ર સ્થળની મુલાકાત લઈ શકશે અને સ્થળની પવિત્રતાને ખલેલ પહોંચાડશે. આથી જૈન સમુદાયે સરકારને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક તેનો નિર્ણય પાછો ખેંચે અને આ તીર્થની પવિત્ર ભૂમિને પર્યાવરણ અને પ્રવાસીઓની ખલેલ ન પહોંચે એ સુનિશ્ચિત કરે. જૈન સમાજ અહિંસામાં માને છે અને દેશ અને રાષ્ટ્ર માટે હંમેશાં આ સમાજ યોગદાન આપતો રહે છે. તેઓ જીવો અને જીવવા દોના સિદ્ધાંતમાં માને છે. વિશ્વમાં તે એકમાત્ર ધર્મ છે જે અહિંસાને અનુસરે છે.
સુનીલ ચોપડાએ કહ્યું હતું કે ‘આ વર્ષે જુલાઈમાં શરૂ કરવામાં આવેલી ટૂરિઝમ નીતિના ભાગરૂપે ઝારખંડ સરકારે પારસનાથ હિલ્સમાં ધાર્મિક ટૂરિઝમને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલાં બીજી ઑગસ્ટ, ૨૦૧૯ના દિવસે ઝારખંડ સરકારની ભલામણને અનુસરીને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે પારસનાથ હિલ્સને ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડીને ઇકો-ટૂરિઝમ અને નૉન-રિલિજિયસ પ્રવૃત્તિઓને મંજૂરી આપી હતી જેનો જૈન સમુદાય સતત વિરોધ કરી રહ્યો છે. આ તીર્થને પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાથી આ સ્થળની ધાર્મિક પવિત્રતા કલંકિત થશે. આથી કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ નિર્ણય પર પુનઃવિચારણા કરવાની જરૂર છે.’
આ મામલો વિવિધ સભ્યો દ્વારા સંસદભાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. એને પરિણામે મંગળવારે કેન્દ્રીય પર્યટનપ્રધાન જી. કિશન રેડ્ડીએ સંસદભાં નિવેદન આપ્યું હતું કે તેમના મંત્રાલયનો આ નિર્ણય નથી અને તેઓ આ મુદ્દે ઝારખંડ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. આ માહિતી આપતાં ભોપાલના દિગમ્બર જૈન સમાજના અગ્રણી રવીન્દ્ર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કદાચ કેન્દ્રીય પ્રધાન વન મંત્રાલયના ઑગસ્ટ ૨૦૧૯ના નોટિફિકેશનથી અજાણ હતા. વિશ્વભરના જૈન સમુદાયની ધાર્મિક લાગણીઓ સમેત શિખરજી સાથે જોડાયેલી છે અને એને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના સરકારના નિર્ણયથી આ તીર્થસ્થળની સ્વતંત્ર અને યાત્રાધામની ધાર્મિક ઓળખ જોખમમાં મુકાઈ ગઈ છે.’
આ તીર્થસ્થળની સ્વતંત્ર અને યાત્રાધામની ધાર્મિક ઓળખને બચાવવા માટે દેશભરમાં જૈનો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગઈ કાલે ભોપાલમાં વિધાનસભ્યો અને પ્રધાનો પણ જૈનોના આંદોલનમાં જોડાયા હતા. આ જાણકારી આપતાં રવીન્દ્ર જૈને કહ્યું હતું કે ‘આંદોલન દરમિયાન અમુક જૈન અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ ઝારખંડના ચીફ મિનિસ્ટર હેમંત સોરેનને મળવા ગયું હતું. આ પ્રતિનિધિમંડળને હેમંત સોરેન તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ જૈનોના સમેતશિખર તીર્થને પર્યટન સ્થળને બદલે પવિત્ર સ્થળ તરીકે જાહેર કરવા માટે ચોક્કસ વિચારણા કરશે. જોકે અમારો નિર્ણય અડગ છે કે જ્યાં સુધી આ મુદ્દે સરકાર તરફથી કોઈ નોટિફિકેશન કે ગૅઝેટ દ્વારા જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં. અમારું આંદોલન ચાલુ જ રહેશે. સમય જતાં આ આંદોનલ ઉગ્ર બનશે. જોકે અમને આશા છે કે ઝારખંડની સરકાર ટૂંક સમયમાં તેનું નવું નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને સમેતશિખરજી તીર્થને ધાર્મિક પવિત્ર સ્થળના માન્યતા આપશે.’
ઝારખંડ સરકારે હજી સુધી સમેતશિખર તીર્થને પવિત્ર સ્થળ તરીકે માન્યતા આપી નથી એમ જણાવીને સુનીલ ચોપડાએ કહ્યું હતું કે ‘મંગળવારે જ કેન્દ્રના નૅશનલ માઇનૉરિટી કમિશને ચીફ સેક્રેટરી, ઝારખંડ ગર્વનમેન્ટને પત્ર લખીને પર્યટન સ્થળમાંથી ડીનોટિફિકેશન કરવા કહ્યું છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે સમેતશિખરને પવિત્ર સ્થળ તરીકે જાહેર કરવા માટે ૨૮ નવેમ્બર ૨૦૨૨ના દિવસે પત્ર લખ્યો હતો એનો આજ સુધી જવાબ મળ્યો નથી. આથી નૅશનલ માઇનૉરિટી કમિશને આ બાબતની ૧૭ જાન્યુઆરી ૨૦૨૩એ બપોરે ત્રણ વાગ્યે સુનાવણી કરશે. આ સુનાવણીમાં ઝારખંડ સરકારના ચીફ સેક્રેટરીને હાજર થવા કહેવામાં આવ્યું છે.’
શ્વેતામ્બર જૈન સમાજ આંદોલનમાં સાથે
સમેતશિખર તીર્થની રક્ષાની અને આ તીર્થને પવિત્ર ધાર્મિક ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે એ માગણીમાં અમે પણ સાથે છીએ એવો એક પરિપત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ અંતર્ગત તપાગચ્છીય પ્રવરસમિતિ તરફથી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એમાં જૈનાચાર્યોએ કહ્યું હતું કે ‘સમેતશિખરજી તીર્થ માટે દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે જેમાં અમે સાથે જ છીએ. જૈનોના ૨૦ તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિ સમેતશિખરજી તીર્થ પર્યટન સ્થળ તરીકે જાહેર ન જ થવું જોઈએ. અમારી અંતરની લાગણી સાથે માગણી છે કે આ સમગ્ર પહાડ સ્વરૂપ તીર્થપ્લેસ ઑફ જૈન વર્શિપ તરીકે તાત્કાલિક જાહેર થવું જોઈએ.’