પાલઘરમાં ફરી બે સાધુઓને મારી નાખવાની ઘટના બનતાં રહી ગઈ

05 April, 2023 11:12 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગામવાસીએ પોલીસ ભરતીના બંદોબસ્તમાં રહેલા કૉન્સ્ટેબલને અને તેણે વાનગાંવ પોલીસને જાણ કરતાં બન્નેને બચાવી લેવાયા : નહીં તો આ બે સાધુને ગામલોકોએ પતાવી દીધા હોત

બંને સાધુઓ સાથે વાનગાંવ પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ વસંત મ્હાલે અને કૉન્સ્ટેબલ સતીશ ખોટરે સાથે ફોન કરીને પોલીસને જાણ કરનાર ચંદ્રનગરનો રહેવાસી હરીશ ભુટે (બ્લુ ટી-શર્ટમાં).

બાળક‌ોને ઉપાડી જવા સાધુ આવ્યા છે એવી ખોટી અફવા ઊડતાં પાલઘરમાં ગામલોકોના ટોળાએ બે સાધુઓને મારી નાખવાની ઘટના ભૂતકાળમાં બની હતી. એવી જ ઘટનાનું પુનરાવર્તન પાલઘરમાં રવિવારે થવાનું હતું, પણ ભલું થજો એ પહેલી ઘટના બાદ પોલીસે નીમેલા પોલીસ કૉન્સ્ટેબલનું જેણે તરત જ આ બાબતે વાનગાંવ પોલીસને પણ જાણ કરતાં પોલીસની ટીમ તરત પહોંચી ગઈ હતી. પોલીસ પૂછપરછમાં એ બંને સાધુઓ ​ભિક્ષા માગવા જ આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું અને એ બંનેને મૉબ-લિં​ચિંગથી બચાવી લેવાયા હતા. એની સાથે જ ગામવાસીઓને પણ આવું ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

આ ઘટના વિશે માહિતી આપતાં પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ બાળાસાહેબ પાટીલે કહ્યું હતું કે ‘રવિવારે પાલઘરના વાનગાંવ નજીકના ચંદ્રનગર ગામમાં બે સાધુ ​​ભિક્ષા માગવા આવ્યા હતા. જોકે લોકોમાં તેમને જોઈને ચણભણ શરૂ થઈ ગઈ હતી અને એ લોકો બાળકોનું અપહરણ કરવા આવ્યા છે એવી અફવા ફેલાવા માંડી હતી. જોતજોતામાં આખું ગામ ભેગું થઈ ગયું હતું અને તેમને ઘેરી લેવાયા હતા. બે વર્ષ પહેલાં પલઘરના ગઢચિંચલેમાં પણ આવી જ અફવા ઊડતાં ટોળાએ બે સાધુઓને એટલો માર માર્યો હતો કે તે બંનેનાં મોત થયાં હતાં. જોકે એ પછી ચેતી જઈને અમે છ મહિના પહેલાં જનસંવાદ અભિયાન હેઠળ દરેક ગામમાં અમારો એક કૉન્સ્ટેબલ નીમ્યો છે અને તેનો નંબર ગામવાળા સાથે શૅર કરીને તેમનું વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું હતું. એથી તે રોજ ગામવાળા સાથે સંપર્કમાં રહે છે અને ગામમાં કોઈ પણ વિવાદ, ટંટો, મારામારી થાય તો એની જાણ સૌથી પહેલાં તેને કરવામાં આવે છે. તે તરત જ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ને ત્યાં જ બંને પાર્ટી સાથે સમજાવટથી કામ લઈને ઝઘડો ઉકેલી નાખે છે.’ 

રવિવારે બે સાધુઓને જોઈને ગામવાળાઓના મનમાં શંકા જાગી હતી અને તેઓ બાળકોને ઉપાડી જવા આવ્યા છે એવી અફવા ફેલાઈ હતી એટલે ફરી એક વખતે તેમને મારવા લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા એમ જણાવીને બાળાસાહેબ પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘ત્યારે એક ગામવાસીએ તરત જ અમારા કર્મચારીનો સંપર્ક સાધ્યો અને તેને વિગત જણાવી કે બે અજાણ્યા સાધુ આવ્યા છે અને લોકોએ તેમને ઘેરી લીધા છે. તે પોલીસ કર્મચારીએ તરત જ વાનગાંવ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે ધસી જઈને લોકોને સમજાવ્યા હતા કે આપણે તપાસ કરીશું, પણ તમે તેમના પર હુમલો ન કરતા. એથી લોકો રોકાઈ ગયા હતા. ત્યાર બાદ બંને સાધુઓની પૂછપરછ કરાઈ હતી. બંને સાધુઓ મૂળ મહારાષ્ટ્રના યવતમાળના જ છે અને હાલ તેઓ ગુજરાતના ​વાપી પાસે આવેલા ભિલાડમાં રહે છે. બંનેની પૂરતી તપાસ કરાઈ હતી અને તે બંને ભિક્ષા માગવા જ આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના કહેવા મુજબ તેઓ રોજ અલગ-અલગ જગ્યાએ જઈને ભિક્ષા માગે છે. પોલીસે તેમની વાત ચકાસી જોઈ હતી અને આખરે તેઓ સાચું બોલી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમનો ઇરાદો બાળકોને ચોરવાનો નહોતો એવું સ્પષ્ટ થયું હતું. આમ ગામલોકો દ્વારા મૉબ-લિંચિંગ કરીને તેમની મારઝૂડ કરાય એ પહેલાં જ ઍક્શન લઈને એવી ઘટના ટાળવામાં પોલીસને સફળતા મળી હતી.’ 

અમારો કૉન્સ્ટેબલ પોલીસ ભરતીના બંદોબસ્તમાં હતો

વાનગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંદીપ કહાળેએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં આખા રાજ્યમાં પોલીસ ભરતી ચાલી રહી છે અને અમે એ ભરતીના બંદોબસ્તમાં પાલઘર હતા. ચંદ્રનગર માટે નિમાયેલો કૉન્સ્ટેબલ સુનીલ ભોયે પણ અમારી સાથે જ હતો. જોકે રવિવારે સવારે ૧૧.૩૦થી ૧૨ વાગ્યાની વચ્ચે તેને ચંદ્રનગરના હરીશ ભુટેએ ફોન કરીને કહ્યું કે ગામમાં સાધુ આવ્યા છે અને લોકો ભેગા થઈ ગયા છે. તેણે તરત જ અમને જાણ કરી હતી. અમે અમારી પાસે જે અવેલેબલ ટીમ હતી એના હેડ કૉન્સ્ટેબલ વસંત મ્હાલે, સિદ્ધાર્થ ગાયકવાડ અને સતીશ ખોટરેને ચંદ્રનગર મોકલ્યા હતા. તેમણે તરત જ ચંદ્રનગર જઈને લોકોને રોક્યા હતા અને સાધુઓની પૂછપરછ કરતાં સત્ય હકીકત જાણવા મળી હતી અને એ સાધુઓ મૉબ-લિંચિંગનો શિકાર થતાં બચી ગયા હતા.’ 

mumbai mumbai news palghar mumbai police bakulesh trivedi