પાલઘર જિલ્લાની નવેસરથી રચના થશે : રિંગ રૂટ, ફ્લાયઓવર, નવા રસ્તાઓનું કામ શરૂ થયું છે

19 May, 2024 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગરિકોને પરિવહનનાં સાધનો ઉપલબ્ધ કરાવવા બહુજન વિકાસ આઘાડીએ ​વિવિધ યોજના અને પ્રોજેક્ટની રજૂઆત કેન્દ્ર સમક્ષ કરી છે

વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરે નાલાસોપારામાં આયોજિત જાહેર સભામાં દિલ્હી પહોંચીને જિલ્લાનાં વિકાસકાર્યો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

લોકોની વધતી જતી સંખ્યા અને ઝડપથી થઈ રહેલા શહેરીકરણને ધ્યાનમાં લઈને બહુજન વિકાસ આઘાડીએ શહેરની મૂળભૂત સુવિધા પર ભાર મૂક્યો છે. વસઈ–વિરાર શહેરમાં રો રો સર્વિસ શરૂ કર્યા બાદ ૧૨ ફ્લાયઓવર બ્રિજ, ચાર શહેરોને જોડતા ‌રિંગરૂટ અને મ્હારંબળ પાડાથી વૈતરણા સુધી જળ પરિવહન શરૂ કરવામાં આવશે. શહેરની પુનર્રચના થવાની હોવાથી જિલ્લાના નાગરિકોનું જીવનધોરણ આનંદદાયક બનશે એમાં લગીરેય શંકા નથી.

નાગરિકોને પરિવહનનાં સાધનો ઉપલબ્ધ કરાવવા બહુજન વિકાસ આઘાડીએ ​વિવિધ યોજના અને પ્રોજેક્ટની રજૂઆત કેન્દ્ર સમક્ષ કરી છે. તદનુસાર હાઇવે પર નૂતન વર્સોવા પુલના બે માર્ગ તૈયાર થઈ ગયા હોવાથી મુંબઈ–અમદાવાદ એક્સપ્રેસવેના સિમેન્ટ કૉન્ક્રીટીકરણનું કામ ચાલી રહ્યું છે. ભાઈંદર–વસઈ રો રો સર્વિસ મંજૂર કરાવી લીધી એને પગલે ઝડપથી મુંબઈ પહોંચવાનું આસાન બન્યું છે. ભાઈંદરથી વસઈ સુધી કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવશે જેથી વસઈ–મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે. આ કોસ્ટલ રોડને આગળ પાલઘર સુધી જોડવા માટે બહુજન વિકાસ આઘાડીના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે એથી પાલઘરનો સમગ્રતયા વિકાસ થશે.

એ ઉપરાંત ૨૦૧૩માં ભાઈંદરની ખાડી પર વાહનો માટે પુલ બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી. બન્ને મંજૂરીની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ તરત કામની શરૂઆત કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિક જૅમની સમસ્યા ઉકેલવા ૧૨ અંતર્ગત ફ્લાયઓવર બાંધવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. શહેરના એક છેડેથી બીજા છેડા સુધી જવા માટે રિંગરૂટની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. રિંગરૂટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

પાલઘર–વસઈનું અંતર ઘટાડવા મ્હારંબળ પાડાથી વૈતરણા સુધી જળ પરિવહન સેવા શરૂ કરવામાં આવશે. વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુર, વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુર અને વિધાનસભ્ય રાજેશ પાટીલના સાથ-સહકારને કારણે વિરાર–અલીબાગ મલ્ટિ કૉરિડોર, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે, મુંબઈ–વડોદરા એક્સપ્રેસવે વગેરે પ્રોજેક્ટ્સના કામની પ્રત્યક્ષ શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ્સ ‌જિલ્લાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. બહુજન વિકાસ આઘાડી પાસે દૂરંદેશીપણું અને વહેવારુ યોજના છે તથા વિવિધ યોજનાની દરખાસ્તને આગળ વધારવાથી આ કામ દેખીતી રીતે જ થઈ રહ્યાં છે.

સમગ્ર જિલ્લામાં જળ પરિવહન, નવા રસ્તા, ફ્લાયઓવર બ્રિજ વગેરેનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું હોવાથી પાલઘર જિલ્લા તથા વસઈ–વિરારમાં નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થતાં જીવનધોરણ ઊંચું જશે અને દેખીતી રીતે જ ઉદ્યોગ-ધંધાને વેગ મળશે.

mumbai news mumbai vasai virar palghar Lok Sabha Election 2024