થાણેની હૉસ્પિટલના પરિસરમાં સિલિન્ડરમાંથી ઑક્સિજન લીક થયો

16 October, 2023 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૬૦ કિલોના એક સિલિંડરમાંથી શનિવારે રાતે ૧૨.૨૫ વાગ્યે ઑક્સિજન ગૅસ લીક થવા માંડ્યો

સિલિન્ડરમાંથી ઑક્સિજન લીક થયો

થાણેના વાગળે એસ્ટેટના શ્રીનગર સેક્ટર ત્રણમાં આવેલી માતુશ્રી ગંગુબાઈ સંભાજી શિંદે હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં ઑક્સિજનનાં સિલિંડર રાખવામાં આવ્યાં હતાં. એમાંના ૩૬૦ કિલોના એક સિલિંડરમાંથી શનિવારે રાતે ૧૨.૨૫ વાગ્યે ઑક્સિજન ગૅસ લીક થવા માંડ્યો હતો. એ જ જગ્યાએ ઑક્સિજનનાં બીજાં સિલિંડરો પણ સ્ટૉક કરાયાં હતાં. સિલિંડરમાં પ્રેશર વધી જતાં એનો વાલ્વ બૅન્ડ થઈ ગયો અને એમાંથી ગૅસ લીક થયો હતો.

જેવી ગૅસ લીક થયો હોવાની જાણ થઈ કે તરત જ ગૅસ સિલિંડર ઑપરેટર, સિક્યૉરિટી ગાર્ડ અને થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં  આવતાં એક ફાયર એન્જિન અને એક રેસ્ક્યુ વેહિકલ ત્યાં ધસી ગયાં હતાં. હૉસ્પિટલના ઑક્સિજન સિલિંડર ઑપરેટરે ત્યાર બાદ એ સિલિંડરમાંના ગૅસનું પ્રેશર કન્ટ્રોલમાં લાવીને લીકેજ બંધ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ પણ થયું નથી. હૉસ્પિટલ દ્વારા ત્યાર બાદ ઑક્સિજન ગૅસનાં સિલિંડર પૂરાં પાડતી એસએસડી ગૅસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જાણ કરીને એ સિલિંડર સહિત અન્ય સિલિંડરો ચેક કરીને કોઈ સમસ્યા ન થાય એ માટે કાળજી લેવા જણાવાયું હતું.   

thane mumbai mumbai news