રેલવેની જમીન પરનાં ૩૦૬ હોર્ડિંગ્સ ગેરકાયદે

29 May, 2024 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાંનાં ૪૫ તો BMCએ નક્કી કરેલી સાઇઝ કરતાં મોટાં છે

BMCની તપાસમાં જે હોર્ડિંગ ગેરકાયદે જણાઈ આવ્યાં છે એના પર દોરડાં બાંધવામાં આવ્યાં છે. (કીર્તિ સુર્વે પરાડે)

શહેરમાં ૩૦૬ ગેરકાયદે હોર્ડિંગ્સને રેલવે અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું બૃહન્મુંબઈ મહાનગર પા​લિકા (BMC)ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં ૧૨૨પ હોર્ડિંગ્સ છે. ઘાટકોપરમાં તાજેતરમાં એક મસમોટું હોર્ડિંગ તૂટી પડ્યું એને પગલે હાથ ધરાયેલી ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે BMC દ્વારા મંજૂરી આપવામાં આવેલાં તમામ હોર્ડિંગ્સ કાયદેસર હતાં અને ૪૦x૪૦ની નિર્ધારિત સાઇઝને અનુરૂપ હતા, જ્યારે GRP તથા વેસ્ટર્ન તથા સેન્ટ્રલ રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવેલાં ૩૦૬ હોર્ડિંગ્સ ગેરકાયદે હતાં અને એમાં આવશ્યક મંજૂરીનો અભાવ હતો. ​૩૦૬ ગેરકાયદે હોર્ડિંગ્સ પૈકી ૪૫ હોર્ડિંગ્સ ૪૦x૪૦ની નિર્ધારિત સાઇઝ કરતાં મોટાં હતાં.

BMCએ ૩૦૬ ગેરકાયદે હોર્ડિંગ્સ પૈકી ૧૬ હોર્ડિંગ્સ દાદર ટીટી અને ઘાટકોપરમાં જ્યાં હોર્ડિંગ્સ તૂટી પડ્યું એ પેટ્રોલ-પમ્પ પાસે તોડી પાડ્યાં હતાં. વેસ્ટર્ન રેલવે અને અન્યોએ ૨૦૧૭માં બૉમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે રેલવે હસ્તકની જમીન પર હોર્ડિંગ્સ ઊભાં કરવા માટે રેલવેને મંજૂરીની આવશ્યક્તા નહીં હોવી જોઈએ. હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હોર્ડિંગ્સ ઊભાં કરવા માટે રેલવેને BMCની મંજૂરીની આવશ્યક્તા નથી. જોકે ૨૦૨૪ના માર્ચમાં એક ઍફિડેવિટમાં BMCએ દલીલ કરી હતી કે રેલવેના પાટા નજીક અને મ્યુનિસિપલ રોડની બાજુમાં મોટાં હોર્ડિંગ્સને રેલવે મંજૂરી આપે છે જે લોકોની સુરક્ષા સામે ખતરો સર્જે છે. આ બાબત કોર્ટમાં પેન્ડિંગ છે.

BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘અમે ગેરકાયદે હોર્ડિંગ્સ ઓળખી કાઢ્યાં છે અને એના પર દોરડાં બાંધી દીધાં છે. અમે અમુક કૉન્ટ્રૅક્ટરોને કામે રાખ્યા છે તેઓ ગેરકાયદે હોર્ડિંગ્સને દૂર કરશે. કોઈ પણ અવરોધને ટાળવા હોર્ડિંગ્સને તોડી પાડવાની કામગીરી શરૂ કરવા પૂર્વે અમે ટ્રાફિક અને રેલવે અધિકારીઓને જાણ કરીશું.’

BMC દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા અનુસાર નિર્ધારિત સાઇઝ કરતાં મોટા કદનાં ૪૫ હોર્ડિંગ્સ પૈકી ૧૫ ઈગો મીડિયાનાં છે અને એ પૈકી એક હોર્ડિંગ ઘાટકોપરમાં પેટ્રોલ-પમ્પ પાસે તૂટી પડ્યું હતું. એના માલિક ભાવેશ ભિંડે છે અને તેઓ ઈગો મીડિયાના ડિરેક્ટર છે. ‍

mumbai news mumbai ghatkopar dadar brihanmumbai municipal corporation Crime News western railway central railway