09 January, 2025 07:22 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
મહંત રામગિરિ મહારાજ
નાશિક જિલ્લાના સિન્નરમાં આવેલા મઠના મહંત રામગિરિ મહારાજે જન ગણ મનને બદલે વંદે માતરમને રાષ્ટ્રગીત જાહેર કરવાની માગણી કરી છે. તેમણે છત્રપતિ સંભાજીનગરમાં મંગળવારે કહ્યું હતું કે ‘રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં આપણા અત્યારના રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી હતી. ૧૯૫૦ની ૨૪ જાન્યુઆરીએ એને રાષ્ટ્રગીતના રૂપમાં અપનાવવામાં આવ્યું હતું.
રવીન્દ્રનાથ ટાગોરે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે ૧૯૧૧માં કલકત્તામાં પહેલી વખત બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમ સમક્ષ જન ગણ મન ગીત ગાયું હતું. એ સમયે અંગ્રેજો ભારતમાં અન્યાય કરી રહ્યા હતા. આ ગીત એ સમયે દેશને સંબોધિત કરવા માટે ગાવામાં નહોતું આવ્યું. આ જ કારણસર મારું માનવું છે કે રાષ્ટ્રની ભાવનાને પ્રકટ કરતા વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવવું જોઈએ અને એના માટે અમે સંઘર્ષ કરીશું.’
છત્રપતિ સંભાજીનગરમાં ‘મિશન અયોધ્યા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે મહંત રામગિરિ મહારાજે જન ગણ મનને બદલે વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માટેની માગણી કરી હતી.