ફોનપે દ્વારા ચૂકવેલા રિક્ષાના ભાડાને લીધે પકડાઈ ગઈ દોઢ વર્ષની બાળકીને તરછોડી ગયેલી મમ્મી

04 October, 2024 12:36 PM IST  |  Mumbai | Mehul Jethva

બીજાં લગ્નમાં પુત્રી નડતરરૂપ હોવાથી ૧૮ વર્ષની યુવતીએ દીકરીને બોરીવલી સ્ટેશન પર છોડી દીધી હતી : ૨૫૦ કરતાં વધારે CCTV કૅમેરાનાં કુટેજ તપાસીને પોલીસે તેને પકડી

દીકરીને બોરીવલી સ્ટેશન પર તરછોડીને જતી પૂજા પાસવાન CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી

બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પરથી ૪ સપ્ટેમ્બરે મળી આવેલી દોઢ વર્ષની બાળકીની ૧૮ વર્ષની મમ્મીની બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ધરપકડ કરી છે. આરોપી પૂજા પાસવાને ખાર સ્ટેશનની બહાર રિક્ષામાંથી ઊતરીને ડ્રાઇવરને ફોનપે દ્વારા ચૂકવેલા ૩૦૦ રૂપિયા તેની ધરપકડમાં નિમિત્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પોતાનું નામ પણ ન બોલી શકતી દોઢ વર્ષની પુત્રીની મમ્મી પૂજા પાસવાનને શોધવા માટે બોરીવલી GRPએ આકાશપાતાળ એક કરી દીધાં હતાં. તેમણે બાંદરાથી ભાઈંદર રેલવે-સ્ટેશન પર લાગેલા ૨૫૦ કરતાં વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. નવાઈની વાત એ છે કે આ યુવતી પહેલાં મીરા રોડથી રિક્ષામાં ખાર સ્ટેશન ગઈ હતી. ત્યાંથી ટ્રેનમાં બોરીવલી આવી હતી અને બાળકીને મૂકીને જતી રહી હતી.

રેલવે-સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી તપાસ કરતાં એક યુવાન પૂજા સાથે દેખાયો હતો. એની વધુ તપાસ કરતાં તે રિક્ષા-ડ્રાઇવર હોવાની માહિતી અમને મળી હતી એમ જણાવીને બોરીવલી GRPની પોલીસ-ઇન્સ્પેકટર અશ્વિની ઢપશેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪ સપ્ટેમ્બરે બપોરે અમને બાળકી મળી આવી હતી. ત્યાર પછી અમે આસપાસના વિસ્તારમાં બાળકીનાં માતા-પિતાની શોધ કરી હતી. આ ઉપરાંત CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં એક યુવતી બાળકીને છોડીને જતી જોવા મળી હતી. ત્યાર પછી અમને ખાતરી થઈ હતી કે આ બાળકીને જાણીજોઈને મૂકવામાં આવી છે એટલે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. યુવતી કયા સ્ટેશન પર ટ્રેનમાં ચડી હતી એ જોવા માટે અમે ચર્ચગેટથી ભાઈંદર સુધીનાં તમામ સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં તે ખાર સ્ટેશન પર જોવા મળી હતી. તેની સાથે એક યુવાન પણ જોવા મળ્યો હતો. અમે તે યુવાનનો ફોટો કાઢીને ખાર વિસ્તારમાં તેનો પત્તો શોધતાં તે યુવાન સુધી અમે પહોંચી ગયા હતા. વધુ તપાસ કરતાં તે રિક્ષા-ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું હતું. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મીરા રોડથી તે યુવતી રિક્ષામાં બેસી હતી અને ખાર સ્ટેશન સુધી તેની રિક્ષામાં આવી હતી. ત્યાર બાદ હાથમાં વજન હોવાથી તેણે રિક્ષા-ડ્રાઇવરને પ્લૅટફૉર્મ સુધી મૂકી જવા કહ્યું હતું. રિક્ષાના ૫૦૦ રૂપિયા થયા હતા જેમાંથી ૨૦૦ રૂપિયા તેણે રોકડા આપ્યા હતા અને ૩૦૦ રૂપિયા ફોનપે દ્વારા આપ્યા હતા. ત્યાર બાદ આ ટ્રાન્ઝૅક્શનની મદદથી અમે મીરા રોડમાં રહેતી એ યુવતી સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી.’

યુવતીને પહેલા પતિથી દોઢ વર્ષની બા‍ળકી હતી. તે બીજાં લગ્ન કરવા માગતી હોવાથી આ બા‍ળકી અવરોધરૂપ બની રહી હતી એમ જણાવતાં બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તા ખુપેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અવરોધને હંમેશ માટે પોતાનાથી દૂર કરવા તેણે પોતાની દીકરીને સ્ટેશન પર મૂકી દીધી હતી. હાલમાં આ યુવતી જેલમાં છે.’

borivali mumbai mumbai news mumbai police mehul jethva