સોમવારના કર્જત પાસેના અરેરાટીભર્યા અકસ્માતમાં કર્જત વિહાર ગ્રુપનાં બીજાં જૈન શ્રાવિકાનું પણ મૃત્યુ

21 February, 2024 07:29 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈન સમાજ, ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી અને આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ આખા મામલાને ટ્રિપલ મર્ડર કેસની દૃષ્ટિથી જોઈ રહ્યા છે

કર્જત વિહાર ગ્રુપનાં દિવાળીબહેન ઓસવાલ અને આ ટેમ્પોએ સોમવારે સવારે લીધો ત્રણ જણનો જીવ.

સોમવારે સવારે કર્જતથી નેરળ તરફ ચાલીને વિહાર કરીને જઈ રહેલાં ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયનાં ૫૩ વર્ષનાં પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં ૪૫ વર્ષનાં મૂળ રાજસ્થાનના હિંગવાડ ગામનાં લતા સંદીપ ઓસવાલ દૂધના એક ટેમ્પોએ ટક્કર મારીને કચડી નાખ્યા બાદ કાળધર્મ પામ્યાં હતાં, જ્યારે તેમની સાથે જ વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં જ ૫૦ વર્ષનાં મૂળ રાજસ્થાનના ફતાપુરા ગામનાં દિવાળીબહેન સંજય ઓસવાલ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં. ગઈ કાલે દિવાળીબહેન ઓસવાલનું પણ મૃત્યુ થતાં કર્જત શોકાગ્રસ્ત થઈ ગયું હતું. આજે દિવાળીબહેન ઓસવાલની ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના ગગનભેદી નારા સાથે કર્જતમાં પાલખીયાત્રા કાઢવામાં આવશે.

સોમવારે સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબની સાથે લતા ઓસવાલની પણ ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના ગગનભેદી નારા સાથે હજારો લોકોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. આ પાલખીયાત્રામાં નાનાં બાળકો અને મહિલાઓ સહિત ૨૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. સાધ્વીજી અને શ્રાવિકા બન્નેના એક જ સ્થળે કર્જતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે અનેક લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આ પહેલાં સોમવારે સવારથી કર્જતમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો હતો. 
રોડ-અકસ્માતમાં બીજાં શ્રાવિકાનું પણ મૃત્યુ

સોમવારે સવારે પાંચ વાગ્યે સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ કર્જતથી નેરળ તરફ વિહાર કરીને જઈ રહ્યાં હતાં. તેમની સાથે કર્જત જૈન સંઘના વિહાર ગ્રુપનાં અનેક શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં. તેઓ કર્જતથી ચાર કિલોમીટર દૂર પોણાછ વાગ્યાની આસપાસ વાંજલે ગામ પાસે પહોંચ્યાં એ સમયે તેમની પાછળ એક દૂધનો ટેમ્પો યમદૂત બનીને આવ્યો હતો. આ ટેમ્પો વિહાર કરી રહેલાં સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જત વિહાર ગ્રુપનાં લતાબહેન તેમ જ દિવાળીબહેનને કચડીને ભાગી ગયો હતો. એમાં સાધ્વીજીના ચહેરા અને માથા પરથી ટેમ્પોનું ટાયર ફરી જતાં તેમના ચહેરા અને માથાનો ભાગ સાવ જ છૂંદાઈ ગયો હતો. સાધ્વીજી એ જ જગ્યા પર કાળધર્મ પામ્યાં હતાં. લતાબહેન તેમ જ દિવાળીબહેનને માથાના ભાગમાં જીવલેણ માર લાગતાં લતાબહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે દિવાળીબહેન ૧૨થી ૧૫ કલાક સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાધાં બાદ ગઈ કાલે સવારે મૃત્યુ પામ્યાં હતાં.

આ ઘટના પછી ડ્રાઇવર ટેમ્પો લઈને ભાગી ગયો હતો. ડ્રાઇવરની મૃતકોના અંતિમ સંસ્કાર પહેલાં ધરપકડની કર્જત જૈન સંઘ, ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી, આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અને નવી મુંબઈના ગુરુભક્ત વિકાસ રાયમને-ઔરંગાબાદ દ્વારા રાયગડ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગે પાસે માગણી કરવામાં આવી હતી. એને પરિણામે કર્જત પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી દસ કલાકમાં જ નવી મુંબઈના તુર્ભેથી ડ્રાઇવરની ધરપકડ કરીને ટેમ્પો જપ્ત કરી લીધો હતો.  

અકસ્માતની તપાસની માગણી
જૈન સમાજ, ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી અને આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ આખા મામલાને ટ્રિપલ મર્ડર કેસની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. આથી જ તેમણે સોમવારે રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગે પાસે આ મામલાની ઊંડી તપાસની માગણી કરી છે.

ડ્રાઇવરને ઝોકું આવતાં થયો અકસ્માત?
ગઈ કાલે કર્જત પોલીસે કોર્ટમાં ચાર દિવસની પોલીસ-કસ્ટડી માગીને ડ્રાઇવરની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ બાબતની માહિતી આપતાં કર્જત પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર ગરડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે અમને તેને ઝોકું આવી જવાથી અકસ્માત થયો હોવાની જાણકારી આપી છે. આ સિવાય આ દૂધની ગાડી આ એરિયામાં રોજ આવે છે. જે જગ્યા પર અકસ્માત થયો એ રોડ બે પહોળા રોડ પછી સાંકડો થઈ જાય છે, જેને કારણે પણ અકસ્માત થવાની શક્યતાને નકારી શકાતી નથી. આમ છતાં જૈન સમાજ અને જૈન સાધુ-ભગવંતોને આ અકસ્માતમાં કોઈ જૈનોની વિરોધી સંસ્થા હોવાની શંકા હોવાથી અમે ચાર દિવસના રિમાન્ડમાં એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરીશું.’

mumbai news mumbai karjat jain community gujarati community news gujaratis of mumbai road accident