પ્રકાશ વેદ મતદાન કરવા ખાસ મસ્કતથી આવ્યા

21 May, 2024 08:33 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં થયેલી પ્રગતિ અને વિકાસને બહુ જ મહત્ત્વનાં ગણાવે છે તેઓ

પ્રકાશ વેદ

મૂળ ઘાટકોપરના પણ છેલ્લાં ૫૦ વર્ષથી મસ્કતમાં સ્થાયી થયેલા પ્રકાશ વેદ મતદાન કરવા ખાસ મુંબઈ આવ્યા હતા અને મતદાનનો હક બજાવ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં થયેલી પ્રગતિ અને વિકાસને બહુ જ મહત્ત્વનાં ગણાવતાં પ્રકાશ વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે પ્રગતિ કરી છે એ બહુ જ મહત્ત્વની છે. મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાને કારણે આજે દેશનું નામ વિશ્વમાં માનભેર લેવાય છે. અમે વર્ષોથી મસ્કતમાં રહીએ છીએ, પણ હવે ઘણો ફરક પડ્યો છે. હવે અમારા ઇન્ડિયન પાસપોર્ટનું વજન પડે છે. અમે ઇન્ડિયન છીએ એ જાણીને લોકો રિસ્પેક્ટ આપતા થઈ ગયા છે. જોકે પહેલાં એવું નહોતું. એ લોકોનો ઇન્ડિયનોને જોવાનો નજરિયો બદલાયો છે. જે દિવસે ચૂંટણીની તારીખ જાહેર થઈ એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે વોટ આપવા તો જવાનું જ છે. મેં અહીં આવીને અન્ય લોકોને પણ વોટિંગ કરવા મોટિવેટ કર્યા હતા. લાઇનમાં ઊભેલા લોકોમાંથી કેટલાક ફરિયાદ કરતા હતા કે વાર લાગે છે, મોડું થાય છે. તો મેં કહ્યું કે તે માણસ (વડા પ્રધાન મોદી) દિવસના ૧૮ કલાક કામ કરે છે અને તમે તમારા હક માટે ૧૮ મિનિટ નથી કાઢવા માગતા? આમ લોકોને હજી પણ સમજાવવા પડે છે. મેં અને મારી સાથે મસ્કતથી આવેલા ત્રણ સંબંધીઓએ મતદાન કર્યું હતું. હવે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ જોઈને જ મસ્કત પાછો ફરીશ.’ 

mumbai news mumbai ghatkopar Lok Sabha Election 2024 gujaratis of mumbai