મુંબઈમાં ચાર ઇંચ વરસાદ પડ્યા બાદ આજે પણ ઑરેન્જ અલર્ટ

25 July, 2023 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહ્યાં. શહેર કરતાં સબર્બ્સમાં ફરી વરસાદનું જોર જોવા મળ્યું હતું.

તસવીર: PTI

 
મુંબઈ ઃ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહ્યાં. શહેર કરતાં સબર્બ્સમાં ફરી વરસાદનું જોર જોવા મળ્યું હતું. ગઈ કાલે સાંજે પૂરા થયેલા ૨૪   કલાક દરમ્યાન કોલાબામાં ૪૬.૬ અને સાંતાક્રુઝમાં ૧૦૧.૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે પણ મધ્યમથી ભારે ઝાપટાં ચાલુ રહેશે અને વરસાદનું જોર થોડું ઘણું વધી શકે એવી શક્યતા જણાતાં મોસમ વિભાગે મુંબઈ સહિત થાણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. એ જ પ્રમાણે રાજ્યના ઘાટ વિસ્તાર પુણે, કોલ્હાપુર અને સાતારામાં પણ વરસાદ રમઝટ બોલાવે એવી 
શક્યતા હોવાથી ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે જે હવે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારત તરફ મૂવ થવાનો છે એથી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. 
હાલ મુંબઈ અને આસપાસ મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે એવી આગાહીને જોતાં દિવસભરમાં ૩૦થી ૫૦ મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. જોકે એ પછી ધીમે-ધીમે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. 
બીએમસીએ જણાવ્યા અનુસાર ગઈ કાલે દિવસ દરમ્યાન મુંબઈમાં 
ઝાડ અથવા ડાળખીઓ પડવાની ૭, દીવાલ તૂટી પડવાની ૩ અને 
શૉર્ટ-સર્કિટની એક ઘટના બની હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ ઈજા પામ્યું હોવાના અહેવાલ નથી. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો ગઈ કાલે સમયસર દોડી હતી. 

mumbai news mumbai rains mumbai monsoon mumbai weather