26 August, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચિંચપોકલીમાં વરસાદની મજા લઈ રહેલા ટીનેજરો. (તસવીર - આશિષ રાજે)
ચાલુ મૉન્સૂનમાં ગઈ કાલે વરસાદે દહાણુ અને પાલઘરમાં સારીએવી બૅટિંગ કરી હતી. ગઈ કાલે સવારના ૮.૩૦થી લઈને સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં ૮૭.૪ મિલીમીટર એટલે કે આશરે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુંબઈગરાના માનીતા હિલ સ્ટેશન માથેરાનમાં ૭૪.૪ મિલીમીટર અને મહાબળેશ્વરમાં ૬૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે પણ મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વરસાદનું જોર રહેશે એમ જણાવતાં હવામાન ખાતાએ થાણે, રાયગડ અને રત્નાગિરિ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. મુંબઈમાં પણ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડવાની આશંકા જતાવાઈ છે. એમ છતાં હવામાન ખાતાએ મુંબઈને યલો અલર્ટમાં રાખ્યું છે. આજે અરબી સમુદ્રમાં ૩૫થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે જે ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પણ પકડી શકે એમ છે અને ખુલ્લા સમુદ્રમાં એ જોખમી બની શકે છે એટલે હવામાન ખાતાએ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. મુંબઈમાં ગઈ કાલે કોલાબામાં ૧૯.૪ મિલીમીટર જ્યારે સાંતાક્રુઝમાં ૯.૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
રાજ્યના પુણે અને સાતારા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉજની ડૅમના ઉપરવાસમાં સારોએવો વરસાદ થતાં ડૅમ ભરાઈ જવાથી એમાંથી ભીમા નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એ જ પ્રમાણે વીર ડૅમમાં પણ પાણીની સારીએવી આવક થવાથી ૫૦,૦૦૦ ક્યુસેક પાણી નીરા નદીમાં છોડવામાં આવ્યું છે. આ બાબતની જાણ પ્રશાસનને પહેલેથી કરવામાં આવતાં પ્રશાસને નીચાણવાળા વિસ્તારનાં ગામોના લોકોને અલર્ટ રહેવા જણાવાયું છે અને બની શકે તો ઉપરની તરફ સેફ જગ્યાએ જવા કહેવાયું છે.