10 February, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદય સામંત
ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યા આ જ જૂથના મૉરિસ નોરોન્હાએ કર્યાની ઘટનામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિરોધ પક્ષો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બન્ને નિષ્ફળ ગયા હોવાનો આરોપ કરીને તેમનાં રાજીનામાંની માગણી કરવામાં આવી છે. આવા સમયે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું કે ‘અભિષેક અને મૉરિસને ઉદ્ધવ ઠાકરે જૂથે જ મોટા બનાવ્યા. આ ફાયરિંગ તેમની વચ્ચેની સત્તા મેળવવાની લાલસામાં થયું છે એટલે પોતાના પાપને બીજાઓના માથે થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’
રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અભિષેક ઘોસાળકરની હત્યા એ કમનસીબ ઘટના છે. જોકે આ હત્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને બદનામ કરવાનો પ્રયાસ વિરોધ પક્ષ કરી રહ્યા છે, એ એનાથી પણ કમનસીબ વાત છે. ઉદ્ધવ ઠાકરે જૂથની આંતરિક ગૅન્ગવૉરમાં મૉરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાળકરની હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે. બન્ને વચ્ચે ‘હું નગરસેવક બનીશ કે તું બનીશ’ એ માટેનો ઝઘડો હતો.’
અભિષેક ઘોસાળકર અને મૉરિસ નોરોન્હાને ઉદ્ધવ ઠાકરે જૂથે જ મોટા કર્યા હોવાનો દાવો કરતાં ઉદય સામંતે કહ્યું કે ‘મૉરિસ નોરોન્હાની સામાજિક કામ માટે ‘સામના’માં અનેક વખત પ્રશંસા કરવામાં આવી હતી. મૉરિસના કામને ‘સામના’માં અને અભિષેક ઘોસાળકરના કામને માતોશ્રીમાંથી પીઠબળ આપવામાં આવતું હતું. રાજ્યમાં કોઈ પણ ઘટના બને તો એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર કેવી રીતે ગણાવી શકાય? આરોપ-પ્રત્યારોપ થાય એ સમજી શકાય છે, એના પર ટીકા થાય એ પણ સમજી શકાય, પરંતુ પોતાનું પાપ બીજાને માથે મારવું અને સરકારને બદનામ કરવાની વિરોધ પક્ષોની પ્રવૃત્તિ બની ગઈ છે. એને રોકવાની જરૂર છે.’
ઉદય સામંતે વધુમાં કહ્યું કે ‘હું કોના માર્ગદર્શન નીચે કામ કરું છું, હું કોને આદર્શ માનું છું અને કોને આદર્શ માનીને ભવિષ્યમાં કામ કરીશ એવી પોસ્ટ એક્સ પર મૉરિસે સોશ્યલ મીડિયામાં કરી હતી એથી અભિષેક ઘોસાળકરની હત્યા બાદ સરકારને જવાબદાર ગણવાને બદલે મૉરિસ અને અભિષેક વચ્ચે સમજૂતી કોણે કરાવી હતી એની તપાસ થવી જોઈએ. બન્નેને ફેસબુક લાઇવ કરીને ઝઘડો ખતમ કરવાની સલાહ કોણે આપી હતી? પોલીસે આ બાબતની તપાસ કરાવવી જોઈએ.’
મહા વિકાસ આઘાડીના સમયમાં પાલઘરમાં હિન્દુ સાધુઓની હત્યા કરવામાં આવી, દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો ભરેલી કાર પાર્ક કરવામાં આવી, પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે આની પાછળ હોવાનું તપાસમાં જણાયું હતું ત્યારે કેમ કોઈએ રાજીનામું નહોતું આપ્યું? ઉલ્હાસનગર અને બોરીવલીમાં ફાયરિંગની ઘટના અંગત અદાવતને લીધે થઈ છે, એમાં આ લોકો કાગારોળ મચાવી રહ્યા છે, એમ અંતમાં ઉદય સામંતે કહ્યું હતું.
...તો પણ રાજીનામું માગશે
અભિષેક ઘોસાળકરની હત્યા થવા માટે વિરોધ પક્ષોએ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ એક અત્યંત કમનસીબ ઘટના છે. યુવા નેતાની હત્યાને અમે ગંભીરતાથી લીધી છે. અભિષેક અને મૉરિસ છેલ્લા ઘણા સમયથી એકસાથે કામ કરતા હતા. તેમની વચ્ચેના કોઈક ઝઘડાથી આ ફાયરિંગ થયું હોવાનું પોલીસ-તપાસમાં જણાયું છે, એથી આ કાયદો અને વ્યવસ્થાનો મામલો જ નથી. મારા પર રાજકીય આરોપ કરવામાં આવી રહ્યા છે. કોઈ કાર નીચે કૂતરું આવી જઈને મૃત્યુ પામશે તો પણ આ લોકો ગૃહપ્રધાનનું રાજીનામું માગશે. વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું છે, પણ આ ઘટના પર કોઈએ રાજકારણ ન કરવું જોઈએ.’
અભિષેકની હત્યા કમનસીબ ઘટના
અભિષેક ઘોસાળકરની હત્યાની ઘટના બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘અભિષેકની હત્યા કમનસીબ ઘટના છે. રાજ્યમાં આવી ઘટના ન બનવી જોઈએ. બન્ને લાઇવ સોશ્યલ મીડિયામાં વાત કરતા હતા અને અચાનક ફાયરિંગ થયું હતું. આ ઘટનાની પૂરતી તપાસ થવી જોઈએ. બન્ને વચ્ચે હકીકતમાં શું બન્યું હતું એ સામે આવવું જોઈએ. આ ઘટનાથી વિરોધીઓ મોટા પાયે સરકારની બદનામી કરી રહ્યા છે, રાજીનામાની માગણી કરી રહ્યા છે. મને લાગે છે કે તપાસમાં હકીકત સામે આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ વિશે ચર્ચા કરી છે.’