તમારી સાથે નથી પીવાં ચાપાણી

27 June, 2024 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાના મૉન્સૂન સેશન પહેલાં ચીફ મિનિસ્ટરની ટી-પાર્ટીનો વિરોધ પક્ષો દ્વારા બહિષ્કાર, ખેડૂતો સહિત આમ જનતાની સમસ્યાઓ ઉકેલવામાં સરકાર નિષ્ફળ ગઈ છે એવો આરોપ

રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસ સહ્યાદ્રિમાં ચાપાણી પીતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, મંગલ પ્રભાત લોઢા (તસવીર : આશિષ રાજે)

વિધાનસભાના આજથી શરૂ થઈ રહેલા મૉન્સૂન સેશનની પૂર્વસંધ્યાએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા ટી-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોએ સરકાર ખેતી સહિતની મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે એમ કહીને ટી-પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો.

વિધાનસભામાં વિપક્ષના વડા અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિધાનસભ્ય અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે સરકાર ખેડૂતો સહિત આમ જનતાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે.

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરાઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ મૉન્સૂન સેશનમાં રાજ્ય સરકાર દ્વારા ૨૮ જૂને ફુલફ્લેજ્ડ બજેટ રજૂ કરવામાં આવશે.

વિજય વડેટ્ટીવારે ટી-પાર્ટીનો બહિષ્કાર કરતાં કહ્યું હતું કે ‘ભ્રષ્ટ સરકારે ખેડૂતોની મુશ્કેલીઓ અને ટૅક્સપેયરની માગણીઓને નજરઅંદાજ કરીને અનેક પ્રોજેક્ટની કૉસ્ટ વધારી દીધી છે. આ ગેરકાયદે સરકારે મંત્રાલયના દરેક માળ પરની ઑ​ફિસો વચેટિયાઓને સોંપી દીધી છે અને તેઓ ટૅક્સપેયરના પૈસા ઓળવી રહ્યા છે. પ્રોજેક્ટકૉસ્ટ વધારી આપવા ૪૦ ટકાનું કમિશન લેવાઈ રહ્યું છે જે દર્શાવે છે કે કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.’

ટી-પાર્ટીનો બહિષ્કાર કરીને ગઈ કાલે મીડિયા સાથે વાત કરતા કૉન્ગ્રેસના વિજય વડેટ્ટીવાર અને મહા વિકાસ આઘાડીના અન્ય નેતાઓ

ખાતર, બિયારણ અને પેસ્ટિસાઇડ્સને હવે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના અપર બ્રેકેટમાં શિફટ કરતાં એના ભાવ વધી ગયા છે એમ જણાવતાં વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘બીજી તરફ હેલિકૉપ્ટર પર માત્ર પાંચ ટકા, હીરા પર ત્રણ ટકા અને સોના પર તો માત્ર બે ટકા જ GST છે. આમ સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. બીજું, ખેડૂતોએ ટેકાના ભાવમાં વધારો કરી આપવાની વારંવાર માગણી કરી હોવા છતાં જોઈએ એટલા એ વધારાયા નથી. ૨૦૧૩માં એક ક્વિન્ટલ સોયાબીનનો ભાવ ૪૬૦૦ રૂપિયા હતો અને આજે પણ સોયાબીન એ જ ભાવે વેચાઈ રહ્યું છે. આમ રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે.’

shiv sena eknath shinde ajit pawar nationalist congress party bharatiya janata party devendra fadnavis maharashtra news mumbai mumbai news congress