21 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેલના વડા અમિત માલવીયએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કૉન્ગ્રેસના નેતા શશી થરૂર, દિગ્વિજય સિંહ, સમાજવાદી પાર્ટીનાં નેતા જયા બચ્ચન, નૅશનલ કૉન્ફરન્સના ઉમર અબદુલ્લા અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નાં પ્રિયંકા ચતુર્વેદી જેવાં નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જોવા મળ્યાં હતાં. આ તમામ નેતાઓ એક સમયે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી હતાં, પણ હવે તેઓ મોદીની પ્રશંસા કરતાં હોવાથી અમિત માલવીયએ લખ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે, કારણ કે જૂના વિરોધીઓ તેમના ચાહક થઈ રહ્યા છે.
વડા પ્રધાન મોદી એકમાત્ર રાજકારણી જેઓ ફિલ્મસ્ટાર જેટલા પૉપ્યુલર છે : જયા બચ્ચન
સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને તાજેતરમાં એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા રાજકારણી છે જેમને ફિલ્મસ્ટાર જેટલી લોકપ્રિયતા મળે છે. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ફિલ્મસ્ટાર કરતાં પણ વધારે પૉપ્યુલર છે. હું વિપક્ષમાં છું પણ એક વાત સત્ય છે કે સત્તા પક્ષમાં કોઈ પણ ચૂંટાઈ આવ્યા હોય, ચાહે તે ઍક્ટર હોય કે નૉન-ઍક્ટર, તેઓ માત્ર નરેન્દ્ર મોદીના નામથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ પોતાના આપબળે ચૂંટાઈ આવ્યા નથી.’