બીડમાં જે પણ થયું છે એમાં એક માણસની નહીં, માણસાઈની હત્યા કરવામાં આવી છે

07 January, 2025 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળીને ધનંજય મુંડેને કૅબિનેટમાંથી હટાવવાની માગણી કરી

ગઈ કાલે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળીને ધનંજય મુંડેને મહાયુતિ સરકારના કૅબિનેટ પ્રધાનના પદ પરથી દૂર કરવાની માગણી કરી હતી.

બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થવાના મામલામાં રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓના એક પ્રતિનિધિમંડળે ગઈ કાલે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળીને ધનંજય મુંડેને મહાયુતિ સરકારના કૅબિનેટ પ્રધાનના પદ પરથી દૂર કરવાની માગણી કરી હતી.

કૉન્ગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવાર, રાજ્યસભાના સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિ અને BJPના વિધાનસભ્ય સુરેશ ધસ સહિતના નેતાઓએ રાજ્યપાલને સોંપેલા મેમોરેન્ડમમાં તેમને આ મામલે નિર્ણય લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ફરી સ્થાપિત કરવા માટેની વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક એનર્જી કંપની પાસેથી ખંડણી માગવાનો પ્રયાસ બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખે અટકાવ્યો હતો એટલે તેનું અપહરણ અને ટૉર્ચર કર્યા બાદ ૯ ડિસેમ્બરે તેમની નિર્દય હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ મામલામાં અત્યાર સુધી પોલીસે કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેના નજીકના ગણાતા વા​લ્મિક કરાડ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે.

ગઈ કાલે રાજ્યપાલને મળીને આવ્યા બાદ સંભાજીરાજે છત્રપતિએ પત્રકારોને કહ્યું હતું કે ‘જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી કરીને પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી લેતી ત્યાં સુધી ધનંજય મુંડેએ પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. બીડમાં જે થયું છે એમાં એક માણસની નહીં, માણસાઈની હત્યા કરવામાં આવી છે.’

બીડના સરપંચની હત્યાના મામલામાં ધનંજય મુંડેને અભય

નક્કર પુરાવા હાથ નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવાનો નિર્ણય અજિત પવારે લીધો

બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં રાજ્યના કૅબિનેટ પ્રધાન અને અજિત પવારના નજીકના નેતા ધનંજય મુંડે સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. ગઈ કાલે કૉન્ગ્રેસના વિજય વડેટ્ટીવાર, રાજ્યસભાના સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિ, શરદ પવારની પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડ અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય સુરેશ ધસે રાજ્યપાલને મળીને ધનંજય મુંડેને કૅબિનેટ પ્રધાનપદેથી હટાવવાની માગણી કરી હતી.

જોકે આ બધા વચ્ચે ગઈ કાલે બપોર બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડે વચ્ચે એક કલાક બેઠક થઈ હતી. આ બેઠક બાદ પત્રકારોએ ધનંજય મુંડેને અજિત પવાર સાથેની બેઠક વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો.

જોકે સૂત્રો મુજબ અજિત પવારે તમામ પ્રકારની તપાસ પૂરી થવાની સાથે જ્યાં સુધી ધનંજય મુંડે સામેના નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે એવું આશ્વાસન ધનંજય મુંડેને આપ્યું હતું. આથી કોઈ ગમે એટલી માગણી કરશે તો પણ ધનંજય મુંડે સામે હમણાં તો કોઈ કાર્યવાહી નહીં થાય એવું લાગી રહ્યું છે.

beed maha yuti murder case Rajya Sabha Chhatrapati Sambhaji Nagar congress political news crime news mumbai news mumbai news