બે નેતાને જ શરદ પવારના રાજીનામાની જાણ હતી

07 May, 2023 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીના નેતા છગન ભુજબળે વટાણા વેર્યા : અધ્યક્ષપદ પવાર પરિવારમાં જ રહે એવો તખતો ગોઠવાયો હોવાનો દાવો કર્યો

શરદ પવાર

એનસીપીના ચીફ શરદ પવારના રાજીનામા બાબતે એનસીપીના નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે પવારસાહેબ રાજીનામું આપવાના છે એની જાણ બે વ્યક્તિ સિવાય કોઈને નહોતી. રાજીનામું આપ્યા બાદ નવા અધ્યક્ષ બાબતે નિર્ણય લેવા માટે કોર કમિટી બનાવવામાં આવી હતી. જોકે પવાર પરિવારે પહેલેથી જ આ માટેનો નિર્ણય લઈ લીધો હતો.
એનસીપીના નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘શરદ પવાર રાજીનામું આપવાના છે એની જાણ અજિત પવાર અને પ્રફુલ પટેલને હતી. અધ્યક્ષપદની પસંદગી કરવા માટે કોર કમિટી બનાવવામાં આવી હતી. જો કે મને પહેલેથી જ ખબર હતી કે પવારના પરિવારના નેતાઓને આની જાણ હતી.’

...તો મહારાષ્ટ્ર ભડકે બળશે

રત્નાગિરિના બારસુમાં રિફાઇનરી પ્રોજેક્ટનો કોંકણવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ લોકોને ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બલ્ક ડ્રગ્સ પાર્ક, વેદાંત-ફૉક્સકૉન જેવા પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા અને વિનાશકારી પ્રોજેક્ટ કોંકણના માથે મારવામાં આવી રહ્યો છે. સરકારની હુકમશાહીથી રિફાઇનરી પ્રોજેક્ટ અહીંના લોકોના માથે મારવાનો પ્રયાસ કરાશે તો મહારાષ્ટ્ર ભડકે બળશે. બારસુમાં રિફાઇનરી પ્રોજેક્ટ થાય એ માટે કેન્દ્ર સરકારને મેં પત્ર લખેલો, પણ એ અહીં જ કરવાનું નહોતું કહ્યું. નાણાર પ્રોજેક્ટનો અમે વિરોધ કરેલો. બારસુમાં પણ લોકો રહે છે. અહીં આંબા અને કાજુના બગીચા છે. આથી સ્થાનિક રહેવાસીઓને જો અહીં પ્રોજેક્ટ ન જોઈતો હોય તો એ ન થવો જોઈએ.’

કેટલાક લોકોની ઇચ્છા શરદ પવાર રાજીનામું પાછું ખેંચે એવી હતી

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘શરદ પવારસાહેબ અધ્યક્ષપદનું રાજીનામું પાછું ન ખેંચે એવું અનેક લોકો ઇચ્છતા હતા. આ લોકોમાં એનસીપીની સાથે બીજા પક્ષોના લોકોનો પણ સમાવેશ છે.  પવારસાહેબ જો અત્યારે એનસીપીથી દૂર ગયા હોત તો અનેક સવાલ ઊભા થાત. દેવેન્દ્ર ફડણવીસે ફરી કહ્યું છે કે તેઓ ફરી આવશે. તેમનું આ નિવેદન એકનાથ શિંદે માટે ચિંતાજનક છે. એકનાથ શિંદે સાથે જનારા વિધાનસભ્યોએ આત્મહત્યા કરી છે એમ કહી શકાય. આગામી ચૂંટણીમાં તેઓ ચૂંટાવાની શક્યતા દેખાતી નથી એટલે બીજેપી દ્વારા બીજા પક્ષોના નેતાઓને ફોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.’

સરકારને કોઈ જોખમ નથી

સુપ્રીમ કોર્ટનો શિવસેનામાં સત્તાસંઘર્ષનો ચુકાદો આવતા અઠવાડિયે આવવાની શક્યતા છે. એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરે તો શું થશે? એવા સવાલના જવાબમાં એનસીપીના ચીફ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારની વિરુદ્ધ ચુકાદો આવશે તો પણ સરકારને કોઈ જોખમ નથી. એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાસે પૂરતી સંખ્યા છે.’

mumbai mumbai news nationalist congress party sharad pawar chhagan bhujbal