09 January, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયનના પંચશીલ બિલ્ડિંગમાં લાગેલી આગ.
સાયન હૉસ્પિટલ પાસે સુલોચના શેટ્ટી માર્ગ પર આવેલા ત્રણ માળના પંચશીલ બિલ્ડિંગના પહેલા માળના એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે પોણાનવ વાગ્યાની આસપાસ શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. અચાનક ફાટી નીકળેલી આગને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો અને બે ફ્લૅટને નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ ઓલવાઈ નહીં ત્યાં સુધી ત્રીજા માળના રહેવાસીઓએ માનસિક તાણ સાથે ટેરેસ પર આશરો લેવા પડ્યો હતો.
ત્રીજા માળના રહેવાસી રાજેશ શાહે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગતાં જે લોકો સુરક્ષાપૂર્વક દાદરા ઊતરી શક્યા તેઓ નીચે પરિસરમાં આવી ગયા હતા. જોકે ધુમાડાના ગોટેગોટા ફેલાતાં અમે ત્રીજા માળના રહેવાસીઓએ ટેરેસ પર આશરો લેવો પડ્યો હતો. અમે બધા ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે પંદર મિનિટમાં ફાયર-બ્રિગેડની ચાર વૅનને આવતી જોઈને અમને થોડી રાહત થઈ હતી. ફાયર-બ્રિગેડે અડધોથી એક કલાકમાં જ આગને નિયંત્રણમાં લઈ લીધી હતી અને અમને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા.’
આગને કારણે નીચે ઊતરી ગયેલા રહેવાસીઓ.