મીરા-ભાઈંદર સુધરાઈની એકમાત્ર બ્લડ-બૅન્કમાં લોહીનો પુરવઠો ઘટ્યો

21 April, 2023 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત રત્ન રાજીવ ગાંધી બ્લડ-બૅન્કમાં ચાર-પાંચ દિવસ પહેલાં માત્ર ૩૫ યુનિટ બ્લડનો સ્ટૉક બચ્યો હતો

ફાઇલ તસવીર

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમબીએમસી)ની એકમાત્ર ભારત રત્ન રાજીવ ગાંધી બ્લડ-બૅન્કમાં લોહીનો પુરવઠો ઓછો થઈ જતાં એ વધારવા તાત્કાલિક પગલાં લેવાં પડ્યાં હતાં અને હવે ફરી એક વખત રેગ્યુલર સ્ટૉક મેઇન્ટેઇન કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.

એવું જાણવા મળ્યું હતું કે એ બ્લડ-બૅન્કમાં ચાર-પાંચ દિવસ પહેલાં માત્ર ૩૫ યુનિટ બ્લડનો સ્ટૉક બચ્યો હતો. જો કોઈ હોનારત થાય અને ઘાયલોની સંખ્યા વધુ હોય તો આ સ્ટૉક એક જ ઝટકામાં ખતમ થઈ જાય અને પછી અન્ય બ્લડ-બૅન્કો પર આધાર રાખવો પડે એટલે આવી પરિસ્થિતિ કટોકટીભરી ગણાવાય છે. એથી બ્લડનો સ્ટૉક ફરી વધે એ માટે તરત જ પગલાં હાથ ધરાયાં હતાં.

એમબીએમસીના મેડિકલ ઑફિસર ડૉ. નંદકિશોર લહાણેએ આ વિશે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘એ બ્લડ-બૅન્ક અમે કૉન્ટ્રૅક્ટ પર ચલાવવા આપી છે. બ્લડનો સ્ટૉક ઓછો થયો હોવાની જાણ કરાતાં અમે મીરા રોડમાં એસી મોબાઇલ વૅન સ્ટેશન પાસે પાર્ક કરીને લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરી છે અને ધીમે-ધીમે લોકો આગળ આવી રહ્યા છે.’
બ્લડનો સ્ટૉક ઓછો થવાનાં કારણો જણાવતાં એ બ્લડ-બૅન્ક ઑપરેટ કરતા વિનાયક ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ઉનાળો હોવાથી ટેમ્પરેચર વધુ હોય છે એટલે લોકો જલદી બ્લડ ડોનેટ કરવા નીકળતા નથી. બીજું, કૉલેજોમાં રજા હોય છે. વળી અનેક પરિવારો રજાઓમાં બહારગામ જતા હોય છે એટલે કૅમ્પ પણ ઓછા થાય છે અને એમાં કલેકશન પણ ઓછું થાય છે. અમે હવે મીરા રોડ સ્ટેશનની બહાર મોબાઇલ વૅન લગાડીને લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ કરી રહ્યા છીએ. આ પાંચ દિવસમાં અમને કેટલુંક બ્લડ મળતાં હવે સ્ટૉક ૬૮ યુનિટ પર પહોચ્યો છે. વળી આ રવિવારે અમે વધુ એક બ્લડ કૅમ્પનું આયોજન કર્યું છે.’

mumbai mumbai news mira bhayandar municipal corporation