30 April, 2023 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ૨૬ ટકા જ પાણી
મુંબઈ : જો વરસાદ સમયસર પડ્યો તો સારી વાત છે, પણ જો ન પડ્યો તો મુંબઈગરાઓના માથે પાણીકાપનો ભય તોળાઈ રહ્યો છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં હાલ માત્ર ૨૬ ટકા જ પાણી બચ્યું છે. એથી જો વરસાદ થોડોઘણો પણ લંબાઈ ગયો તો પાણીકાપ ભોગવવા માટે મુંબઈગરાએ તૈયારી રાખવી પડશે.
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં વિહાર, તુલસી, તાનસા, ભાત્સા, મોડકસાગર, અપર વૈતરણા અને મિડલ વૈતરણાનો સમાવેશ થાય છે. આ જળાશયોમાં હવે ૨૬ ટકા જેટલું પાણી જ બચ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન એ ૩૦ ટકા જેટલું હતું. એથી બીએમસીએ હવે રાજ્ય સરકારને પત્ર લખીને આ વિશે જાણ કરી છે અને કહ્યું છે કે એને વધારાનો પાણીનો જથ્થો આપવામાં આવે તથા વધારાના સ્રોતમાંથી પણ પાણી પૂરું પાડવામાં આવે. એ પત્ર રાજ્ય સરકારને આપી દેવાયો છે અને રાજ્ય સરકાર એના પર ટૂંક સમયમાં નિર્ણય લેશે.