30 April, 2023 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીમાં તૂટી પડેલું ગોડાઉન અને કાટમાળની નીચેથી બચાવી લેવામાં આવેલું બાળક. પી.ટી.આઈ.
મુંબઈ : ભિવંડી ગ્રામીણના દાપોડા રોડ પર આવેલા વાલ ગામના વર્ધમાન કમ્પાઉન્ડમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બિલ્ડિંગ ગઈ કાલે બપોરે એક વાગ્યે તૂટી પડ્યું હતું. આમાં ત્રણ લોકોનાં જીવ ગયા હતા. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા અનુસાર એમાં ૨૨ લોકો ફસાયા હોવાની શક્યતા છે. એમાંથી પ્રારંભના તબક્કે નવ ઘાયલોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. તેમને ત્યાર બાદ તરત જ સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં લઈ
જવાયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે રાજ્ય સરકારે પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી.
આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો અને થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી પ્રારંભિક બચાવકાર્ય હાથ ધર્યું હતું. જોકે ઘટનાની ગંભીરતા જોઈને નૅશનલ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એનડીઆર
એફ)ની ટુકડીને પણ બોલાવવામાં આવી હતી. એ પછી તેઓ તેમના સરંજામ સાથે બચાવકાર્યમાં જોડાયા હતા. સરકારી હૉસ્પિટલની ૧૦ ઍમ્બ્યુલન્સ ડૉક્ટરો સાથે ઘટનાસ્થળે તહેનાત કરાઈ હતી અને જેમ-જેમ ઘાયલો આવતા જતા હતા તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને સારવાર ચાલુ કરી દેવાઈ હતી. એવું જાણવા મળ્યું હતું કે આ ઇમારતમાં નીચે ગોડાઉન હતું અને ઉપરના માળ પર ચાર પરિવાર રહેતા હતા. નીચે ગોડાઉનમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ઇમારત તૂટી પડી હતી.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ચીફ અવિનાશ સાવંતે આ વિશે માહિતી આપતાં
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં ૪૦ વર્ષના નવનાથ સાવંત, ૨૬ વર્ષની લક્ષ્મીદેવી રવિ માહતો અને પાંચ વર્ષની સોના મુકેશ કોરીનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૧ જણને ઉગારી લેવાયા છે. હજી પણ બચાવકાર્ય ચાલુ જ છે. અંદર હજી કેટલાક લોકો ફસાયા છે અને તેમને બચાવવાની કોશિશ ચાલી રહી છે.’