તમારી આસપાસ કયાં પક્ષીઓ દેખાઈ રહ્યાં છે એની નોંધ રાખશો આજે?

11 May, 2024 01:35 PM IST  |  Mumbai | Laxmi Vanita

વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે નિમિત્તે બર્ડ-સાઇટિંગની એક અનોખી ઍક્ટિવિટી તમારે કરવાની છે. આજે જે-તે સમયે તમને કયું પક્ષી ક્યાં દેખાયું એની વિગતો નોંધવાની અને ‘eBird’ નામની ઍપ્લિકેશનમાં એ શૅર કરવાની.

પીળક, ફ્લૅમિંગો

આજનો દિવસ દુનિયાભરમાં ‘વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે’ તરીકે ઊજવાય છે. એ નિમિત્તે અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ઑનલાઇન બર્ડ ડેટાબેઝ ‘eBird’ દ્વારા ‘ગ્લોબલ બિગ ડે’ નામની અનોખી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૦૦થી વધુ દેશોના બર્ડ-એક્સપર્ટ‍્સથી લઈને સામાન્યજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો એમ જુદા-જુદા સ્તરના લોકો ભાગ લેશે. આજના દિવસે તમારે પક્ષીઓનું નિરીક્ષણ કરવાનું, એની નોંધ લેવાની અને પછી એ લિસ્ટ ઍપ કે વેબસાઇટ પર સબમિટ કરવાનું. આ ડેટા સાયન્ટિસ્ટો, રિસર્ચરો અને નેચરલિસ્ટોને બહુ જ કામમાં લાગે છે. 

ડૉ. સલિલ ચોકસી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે eBird દ્વારા યોજાયેલી આ ઇવેન્ટમાં એક જ દિવસમાં ૫૮,૦૦૦ લોકોએ ભાગ લઈને પક્ષીઓના ૩.૨ મિલ્યન ઑબ્ઝર્વેશન કરીને ૧,૪૮,૦૦૦ ચેકલિસ્ટ સબમિટ કર્યાં હતાં. આની સૌથી મોટી અસર એ થાય કે પક્ષીનો સ્થળાંતરનો સમય હોય એની ચોક્કસતાનો ખ્યાલ આવે. ધારો કે દર વર્ષે ચકલી જૂન મહિનામાં તમારા ઘરની બહારના ઝાડ પર દેખાય છે અને જો એ આ વર્ષે ન દેખાઈ અને એના બદલે કોઈ બીજું પક્ષી દેખાય તો એનો અર્થ એ કે ઇકો-સિસ્ટમમાં કોઈ તો ફેરફાર થયો છે. શું એ સારો ફેરફાર છે કે પછી એનાથી ચેતવાની જરૂર છે જેવા સવાલોના જવાબ પણ શોધાય અને વિશ્વસ્તરે પર્યાવરણ-પૉલિસી માટે નિર્ણય લેવાનો હોય ત્યારે પણ આ ડેટા ઉપયોગી બને.

પારિવારિક ઉજવણી
કાંદિવલીમાં રહેતા બિઝનેસમૅન, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને બર્ડર ભાવિક ઠાકર કહે છે, ‘મુંબઈમાં પહેલાં ‘રેસ બર્ડ’ નામની ઇવેન્ટ થતી હતી, જેમાં કાંદિવલીથી ડોમ્બિવલીના વિસ્તારમાં બર્ડરનાં નાનાં-નાનાં ગ્રુપ બનાવીને લોકો ફીલ્ડમાં બર્ડિંગ કરીને દિવસના અંતે માહિતી એકઠી કરતા હતા. આજે ગ્લોબલ લેવલે ઇવેન્ટ થાય ત્યારે દુનિયાના નાના ખૂણામાં કયું પક્ષી ક્યારે આવે છે એ પણ જાણવા મળે છે અને એનો ડેટા હોય છે. મુંબઈગરાઓને ખબર જ નથી કે મુંબઈ શહેરનું ઑફિશ્યલ બર્ડ ‘કૉપરસ્મિથ બાર્બેટ’ છે, જેને આપણે ગુજરાતીમાં ટુકટુકિયો કહીએ છીએ. પક્ષીઓ માટે મુંબઈનું હૅબિટાટ બહુ જ સારું છે. એમાં વેસ્ટર્ન ઘાટનાં પક્ષીઓ, શોર બર્ડ એટલે કે દરિયાકિનારાનાં પક્ષીઓ, મેન્ગ્રૉવ્ઝ જંગલનાં પક્ષીઓ પણ આવી જાય છે. મુંબઈ જેવા ગીચ શહેરમાં ઇન્ડિયન ગોલ્ડન ઓરીઓલ, ગ્રે હૉર્નબિલ અને ફ્લૅમિંગો જેવાં સુંદર પક્ષીઓ દેખાય છે. માઇગ્રેટરી પક્ષીઓનું હલનચલન જાણવા માટે આવાં ચેકલિસ્ટ કામ લાગતાં હોય છે. ૧૫ વર્ષથી હું બર્ડિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. એના લીધે મારા પરિવારના સભ્યો પક્ષીઓ વિશે સભાન થયા છે. મારાં ભત્રીજો-ભત્રીજી તો ઠીક પણ મારી મમ્મી કે જેમને પક્ષીઓ વિશે કંઈ જ ખ્યાલ નહોતો તે હવે મને બોલાવીને એમ કહે કે જો ઘરની બહાર કોઈ બીજા પ્રકારનું પક્ષી બેઠું છે. કોવિડમાં આ ઇવેન્ટમાં મારા વિસ્તારમાંથી ગ્રે હૉર્નબિલ, જે મોટા ભાગે શાંત વિસ્તારોમાં હોય એ કાંદિવલીમાં જોવા મળ્યું હતું.’

પર્પલ-રમ્પ્ડ સનબર્ડ

શું કામ જોડાવું?
પીડિયાટ્રિશ્યન, બર્ડ-ફોટોગ્રાફર અને છેલ્લાં ૨૦ વર્ષથી બર્ડિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ડૉ. સલિલ ચોકસી કહે છે, ‘આ પ્રકારની ગ્લોબલ ઇવેન્ટ દ્વારા પક્ષીઓની ગીચતા, એમની વસ્તી કેટલી છે એની જાણકારી મેળવી શકાય છે. મારા ઘરની પાસે જ ગાર્ડન છે. ત્યાં પક્ષીઓની ઍક્ટિવિટી ઓછી થતી દેખાઈ રહી છે. મારા માટે એ ચિંતાજનક છે એટલે અમે સોસાયટીના લોકો મળીને વિચાર કરતા હતા કે આ સમસ્યાને કેવી રીતે નિવારી શકાય. જો ડેટા ઉપલબ્ધ હોય તો આવા નિર્ણયો લેવામાં મદદ મળે. આ એક પ્રકારનું સિટિઝન સાયન્સ કહેવાય. મારા મતે લોકોને પક્ષીઓ કે જે કુદરતની સૌથી સુંદર રચના છે એમના વિશે જાણકારી મળે એ માટે પણ આવી ઇવેન્ટ થતી રહેવી જોઈએ. એટલે હું દરેક મુંબઈકરને અપીલ કરીશ કે ખાસ આ કાર્યમાં તેઓ પોતાનું યોગદાન આપે.’

કરવાનું શું છે તમારે?
eBird નામની ઍપ ડાઉનલોડ કરીને અથવા તો એમની વેબસાઇટ પર જઈને તમારી આસપાસ કયાં પક્ષીઓ છે એનું ચેકલિસ્ટ બનાવીને સબમિટ કરવાનું. ઍપ શરૂ કરતાં જ ઑટોમૅટિકલી તમારું લોકેશન આવી જશે અને ત્યાં કયાં પક્ષીઓ હોવાની શક્યતા છે એ પણ જણાવી દેશે. એટલે ધારો કે તમને પક્ષીઓ વિશે કંઈ જ ખબર ન હોય તો પણ તમે પર્યાવરણ અને પક્ષીઓમાં રસ લઈને પોતાનું યોગદાન આપી શકશો. આ ૨૪ કલાકની ઇવેન્ટ હોય છે, પણ તમે તમારી સમયની અનુકૂળતા મુજબ એમાં ભાગ લઈ શકો છો. આખા દિવસમાં માત્ર પાંચ કે દસ મિનિટ કાઢીને પણ પક્ષીઓનું નિરીક્ષણ કરીને એ ડેટા આપી શકો.

mumbai news mumbai bird watching