હવે ગોવાના કલંગુટ બીચ પર બોટ ઊંધી વળી ગઈ

26 December, 2024 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ટૂરિસ્ટનું મૃત્યુ, લાઇફગાર્ડ્‍સે ૧૩ ટૂરિસ્ટોને બચાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

ગેટવે ઑફ ​ઇન્ડિયા પાસે દરિયામાં ફેરી બોટ ઊંધી વળી જતાં ૧૫ જણનાં મોત થયાં હોવાની ઘટના તાજી છે ત્યારે ગઈ કાલે નાતાલના દિવસે જ ગોવાના કલંગુટ બીચ પર બપોરે દોઢ વાગ્યે કિનારાથી ૬૦ મીટર દૂર એક બોટ ઊંધી વળી ગઈ હતી જેમાં ૫૪ વર્ષના એક ટૂરિસ્ટનું મૃત્યુ થયું હતું અને ૧૩ જણને લાઇફગાર્ડે બચાવી લીધા હતા. બોટમાં ફક્ત બે જ વ્યક્તિ એવી હતી જેમણે લાઇફ જૅકેટ નહોતાં પહેર્યાં. એ સિવાય તમામ લોકોએ લાઇફ જૅકેટ પહેર્યાં હોવાથી બચી ગયા હતા. એ બોટ પર કુલ ૨૦ જણ હતા જેમાંથી ૧૩ પૅસેન્જર ખેડના એક જ પરિવારના હતા જેમાં ૬ અને ૭ વર્ષનાં બે બાળકોનો સમાવેશ હતો.  

ગોવાના કલંગુટ બીચ પર લાઇફગાર્ડની સર્વિસ પૂરી પાડતી દૃષ્ટિ મરીનના આ રેસ્ક્યુ ઑપરેશનમાં ૧૮ ગાર્ડે ભાગ લીધો હતો. ભાગ લેનાર લાઇફગાર્ડ સંજય યાદવે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કલંગુટ બીચ પર ગઈ કાલે બોટ પલટી ખાઈ ગઈ હતી, પણ એના કારણની અમને જાણ નથી. બીચ પર સતત પૅટ્રોલિંગ ચાલતું હોય છે. દુર્ઘટના થયાની જાણ થતાં અમે અમારા પાંચ-છ રેસ્ક્યુ ગાર્ડ સાથે જેટ સ્કી લઈને ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે આવી દુર્ઘટના થાય ત્યારે કેટલાક લોકો ઊંધી વળી ગયેલી બોટની નીચે ફસાઈ જાય છે. ઘણાં બાળકો અને સિનિયર સિટિઝન ગભરાઈ જાય છે એથી અમે જરા પણ સમય ગુમાવ્યા વગર તેમને બચાવવા માટે પહોંચી ગયા હતા. અમારી પાસે વૉકીટૉકી હોય છે એના વડે અમે અમારી બીજી ટીમને પણ એ દુર્ઘટના વિશે જાણ કરીને મદદ માટે બોલાવી લીધી હતી. તેઓ પણ જેટ સ્કીથી તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા એટલે કુલ ૧૨-૧૩ લાઇફગાર્ડ ત્યાં પહોંચી ગયા હતા. અમે ૧૩ જણને રેસ્કયુ કર્યા હતા. બોટમાં કેટલા પૅસેન્જર્સ હતા એની અમને જાણ નથી. એક જ પરિવારના ૬ જણ બોટની નીચે ફસાઈ ગયા હતા. અમારા લાઇફગાર્ડે પાણીમાં ડૂબકી મારીને તેમને બહાર કાઢ્યા હતા. એમાં બે બાળકો હતાં અને બે લેડીઝ તથા બે જેન્ટ્સ હતાં એ બધાંને બહાર કાઢ્યાં હતાં. બહાર કાઢ્યા પછી તેમનાં બે બાળકોને તરત જ સિલિન્ડરથી ઑક્સિજન આપ્યો હતો એથી બન્ને બાળકો બચી ગયાં હતાં. એક વ્યક્તિ વધારે સિરિયસ હતી. તેનું હાર્ટ રિવાઇવ કરવા શૉક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, પણ તેને બચાવી શકાઈ નહોતી.’

goa maharashtra mumbai mumbai news