વધુ એક જૈનાચાર્યએ કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવવાની દિશામાં આગેકૂચ

01 March, 2024 11:15 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજા આજે તેમના ૧૦૦મા માસક્ષમણના પચ્ચક‍્ખાણ લેશે

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ભુવનભાનુસૂરી સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને તેમની સેવામાં સતત હાજર રહેતા મુનિ પદમકળશવિજયજી મહારાજસાહેબ.

૧૮૦ ઉપવાસના ભીષ્મ તપસ્વી અને ૯૯ માસક્ષમણના મહાતપસ્વી પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ તેમની સાધના અને તપે ભગવાન મહાવીરના ૨૫૫૦ વર્ષ પછી પ્રભુની સાડાબાર વર્ષની ઘોર સાધનાને વર્તમાનકાળમાં જૈન સમાજને યાદ અપાવી છે. સતયુગના ધન્ના અણગારની અપ્રમત સાધનાને વર્તમાનકાળમાં, કલયુગમાં પોતાના ૫૭ વર્ષના જીવનકાળમાં ૧૦૦મા માસક્ષમણનો આજે ઘાટકોપરમાં પ્રારંભ કરીને તેઓ વિશ્વની એક જીવંત અજાયબીનું સર્જન કરશે. જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આજે સવારે ઘાટકોપર-વેસ્ટમાં આવેલા શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના નેજા હેઠળ પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિ સેંકડો આચાર્યો, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓની પાવન નિશ્રામાં શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના મુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરીને ૧૦૦મા માસક્ષમણનો પ્રારંભ કરશે. 

૧૦૦મા માસક્ષમણ પૂર્વેની આરાધના
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની સતત સેવામાં હાજર રહેલા મુનિ પદમકળશ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપસ્વી મહારાજસાહેબે આ પૂર્વે મહાભદ્ર તપની આકરી તપશ્ચર્યા કરી હતી. એમાં એક ઉપવાસ એક બિયાસણું (દિવસમાં એક જગ્યાએ બેસીને બે જ વખત જમવાનું), બે ઉપવાસ એક બિયાસણું એમ ચડતા ક્રમે સાત ઉપવાસ એક બિયાસણું સુધી કરે ત્યારે એક રાઉન્ડ પૂરો થાય. એવા ટોટલ ૭ રાઉન્ડ કરવાના હોય છે. આ મહાન તપસ્વી મહારાજે આ તપમાં ચાર, પાંચ, છ અને સાતમા રાઉન્ડમાં એક પણ બિયાસણું વચ્ચે કર્યા વગર સળંગ ૧૧૨ ઉપવાસ કર્યા હતા. મહાભદ્ર તપ પૂરું થાય પછી તેમનું પારણું કર્યા વગર જ બીજું આકરું સમોવસરણ તપ શરૂ કર્યું હતું. એમાં ચાર ઉપવાસ બિયાસણું એટલે ૧૬ ઉપવાસ અને ચાર બિયાસણાં કરે ત્યારે એક રાઉન્ડ પૂરો થાય. આ તપમાં એવા ટોટલ ચાર રાઉન્ડ હોય. તપસ્વી મહારાજસાહેબના પહેલા બે રાઉન્ડ પૂરા થઈ ગયા હતા. ત્યાર પછી તેમણે આ તપના ત્રીજા અને ચોથા રાઉન્ડમાં વચ્ચે એક પણ બિયાસણું કર્યા વગર સળંગ ૧૬-૧૬ ઉપવાસ કરીને સમોવસરણ તપ પૂરું કર્યું હતું. આ તપના છેલ્લા બે રાઉન્ડના ૩૨ ઉપવાસ કર્યા પછી તેમણે એના પર બીજા છ ઉપવાસ કરીને આવતી કાલે ઘાટકોપરમાં તેમના ૧૦૦મા માસક્ષમણ તરફ પ્રયાણ કરશે. મહાભદ્ર તપના સળંગ ૧૧૨ ઉપવાસ અને સમોવસરણ તપના ૭૨ ઉપવાસ ટોટલ ૧૪૪ ઉપવાસ અને ઉપરના છ ઉપવાસના તપમાં તેમણે ટોટલ ૬૫૦થી અધિક કિલોમીટરનો ચાલીને વિહાર કયો હતો. એટલું જ નહીં, તેમણે ૧૬૦થી વધુ સંઘોમાં પગલાં કરીને માંગલિક પ્રવચન આપ્યાં હતાં. સાથોસાથ હજારો લોકોને વાસક્ષેપ પ્રદાન કર્યું હતું, જે કલિકાળમાં મહાન ચમત્કાર સમાન છે.’

જૈન ઉપવાસ એટલે શું?
ઉપવાસનો દુનિયાની દૃષ્ટિથી સામાન્ય અર્થ અને લોકોને ખ્યાલ એવો છે કે આખો દિવસ ફ્રૂટ, જૂસ, ખીચડી આરોગવી. જોકે જૈન ધર્મના ઉપવાસમાં ફક્ત ઉકાળેલું પાણી અને એ પણ લગભગ સવારે ૯.૩૦ વાગ્યાથી સાંજે સૂર્યાસ્ત સુધી જ વાપરી શકાય છે. પાણી સિવાય અન્નનો દાણો પણ આરોગી શકાતો નથી. ઉપવાસનો આધ્યાત્મિક રહસ્યાર્થ તો એ છે કે ઉપ-નજીકમાં અને વાસ-વસવું એટલે કે આત્માની નજીક વસવું, આત્મા પર વિજય મેળવવો. 

માસક્ષમણ એટલે શું?
જૈનોના ઉપવાસમાં બધા જ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. ફક્ત ઉકાળેલું એટલે કે ગરમ પાણી જ લેવાની છૂટ મળે છે. આવો એક ઉપવાસ કરવો પણ કઠિન છે. આવા ૩૦ દિવસ ઉપવાસ એટલે એક માસક્ષમણ. આ સમજણ આપતાં મુનિ પદમકળશ મહારાજસાહેબે કહ્યું હતું કે ‘જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અત્યાર સુધીમાં તેમના જીવનના ૯૯ માસક્ષમણ પૂરા કરી ચૂક્યા છે. આજથી તેઓ ૧૦૦મા માસક્ષમણની અતિ દીર્ઘ-ઉગ્ર સાધના શરૂ કરવાની અભૂતપૂર્વ ઘટના બનવા જઈ રહી છે.’

jain community gujarati community news gujaratis of mumbai rohit parikh mumbai news mumbai