29 April, 2023 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલીની પ્લે-સ્કૂલના ટીચરોને વધુ એક દિવસના પોલીસ રિમાન્ડ
કાંદિવલીની પ્લે-સ્કૂલના ટીચરોને વધુ એક દિવસના પોલીસ રિમાન્ડ
મુંબઈ : કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી પ્લેસ્કૂલમાં બાળકો સાથે ગેરવર્તન કરવાના કેસમાં કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઇઆરના મહિલા ટીચર આરોપી જિનલ છેડા અને ભક્તિ શાહના ગઈ કાલે એક દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થતાં પોલીસે ગઈ કાલે તેમને બોરીવલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બન્ને ટીચરોને ફરી એક દિવસ પોલીસ રિમાન્ડમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જિનલ છેડાએ હાઈ કોર્ટની ફટકાર બાદ અરજી પાછી ખેંચી લીધી હતી, જ્યારે ભક્તિ શાહની અરજી હાઈ કોર્ટમાં ડિસમિસ થયા પછી ગુરુવારે તેમની કાંદિવલી પોલીસે ધરપકડ કરી હતી
બારસુમાં રિફાઇનરી સ્થાપવાના મુદ્દે ઘમસાણ
મુંબઈ : રત્નાગિરિના બારસુમાં રિફાઇનરી સ્થાપવાના સરકારના ઇરાદાનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે બારસુમાં જમીનનું સર્વેક્ષણ કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળીને વિરોધ કરવામાં આવ્યો હતો. એમાં મહિલાઓની હાજરી પણ ઊડીને આંખે વળગે એવી હતી. પોલીસે તેમને પહેલાં ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. જોકે એ લોકો ગયા નહોતા. ત્યાર બાદ ભીડને ખાળવા તેમના પર ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જોકે તેમને સમજાવવા ત્યાં પહોંચેલા જિલ્લા અધિકારીને કોઈએ સાંભળ્યા નહોતા અને મીડિયાની હાજરીમાં જ ત્યાંથી ઊઠી ગયા હતા. આંદોલન કરી રહેલા કેટલાક લોકોને પોલીસે તાબામાં લઈને વૅનમાં બેસાડી દીધા ત્યારે એ લોકોએ વૅનમાંથી પણ નારાબાજી ચાલુ રાખી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે અમને ગોળીએ જ દઈ દો એટલે અમારે જોવું પણ નહીં અને દાઝવું પણ નહીં.
ચોરીની શંકાથી યુવકને માર મારનાર આઠ જણની ધરપકડ
મુંબઈ (પી.ટી.આઇ.) : થાણેમાં ચોરીની શંકામાં ૨૦ વર્ષના યુવકને માર મારવા અને અન્યને ઈજા પહોંચાડવા બદલ ઓછામાં ઓછા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘બુધવારે રાત્રે શહેરના કાસરવડવલી વિસ્તારમાં આરોપીઓએ કથિત રીતે પીડિતોના હાથ-પગ બાંધી દીધા હતા અને લોખંડના સળિયા તથા અન્ય વસ્તુઓ વડે તેમને માર માર્યો હતો. બીજા દિવસની સવાર સુધી માર મારવામાં આવ્યો હતો અને પછી ૧,૧૦૦ રૂપિયા છીનવીને તેમને છોડી દીધા હતા. એક જણનું ઈજાને કારણે મૃત્યુ થયું છે અને અન્ય એકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.’ સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ બાબશેટ્ટીએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કલમ ૩૦૨ (હત્યા), ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ભારતીય દંડસંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.