BMWની ટેસ્ટ-ડ્રાઇવ કરવા નીકળેલા યુવાને ગણેશ મંડળના કાર્યકરનો લીધો જીવ

09 September, 2024 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડચા રાજા મંડળ સાથે જોડાયેલા બે સભ્યોમાંથી એકનું મૃત્યુ અને બીજાની હાલત ગંભીર : પોલીસે ઍક્સિડન્ટ કર્યા પછી પલાયન થઈ ગયેલા આરોપીની ખારથી ધરપકડ કરી

પ્રીતમ થોરાત

મુલુંડ-ઈસ્ટમાં ‘મુલુંડચા રાજા’ મંડળ સાથે જોડાયેલા બે કાર્યકરોને શનિવારે સવારે પૂરપાટ આવી રહેલી BMW કારે અડફેટે લેતાં મંડળ સાથે જોડાયેલા ૩૩ વર્ષના પ્રીતમ થોરાતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત પ્રસાદ પાટીલ નામના યુવાનની હાલત ગંભીર છે અને તેની સારવાર થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં ચાલી રહી છે. નવઘર પોલીસે આ ઘટનાની હિટ ઍન્ડ રનની ફરિયાદ નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ટેક્નિકલ પુરાવાની મદદથી ખારમાંથી મુલુંડમાં રહેતા શક્તિ હરવિંદરની ધરપકડ કરી હતી.

નવઘર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ-ઈસ્ટમાં ૯૦ ફીટ રોડ પર મુલુંડચા રાજા નામે ઓળખાતા ગણેશ મંડળ સાથે જોડાયેલા પ્રીતમ અને પ્રસાદ સીડીની મદદથી રોડ પર ગેટ-બૅનર લગાડી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવેલી BMWએ તેમની સીડીને ટક્કર મારી હતી. એ દરમ્યાન સીડી પર બૅનર લગાવવા ચડેલો પ્રીતમ પડ્યો હતો અને તેનું માથું જોરમાં જમીન પર ટકરાયું હતું. પ્રસાદને પણ ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. મંડળના પદાધિકારીઓ મંડપમાં હોવાથી તાત્કાલિક બન્નેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે પ્રીતમના માથામાં ગંભીર ઈજા થવાથી હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ પ્રસાદને પણ ખૂબ જ માર વાગ્યો હોવાથી તેને થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ કેસમાં અમે અકસ્માત કરીને નાસી જનાર શક્તિ હરવિંદરની ધરપકડ કરી છે. તેણે પ્રાથમિક માહિતીમાં જણાવ્યું હતું કે તે કારની ટેસ્ટ-ડ્રાઇવ લેવા નીકળ્યો હતો ત્યારે રોડની વચ્ચે બૅનર લગાડી રહેલા બે યુવાનોને જોઈને તે પોતાની કાર પર કન્ટ્રોલ કરી શક્યો નહોતો.’

 આ અકસ્માત પછી અમે આ વર્ષે ગણેશોત્સવના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. પ્રીતમ અમારા મંડળનો ઍક્ટિવ સભ્ય હતો. તેના ઘરમાં તે એકલો જ કમાનાર હતો. તેના મૃત્યુ પછી મંડળમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. પ્રસાદની હાલત પણ ખૂબ જ નાજુક છે. તેની હાલમાં હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત પછી પહેલાં અમે પ્રીતમના અંતિમ સંસ્કાર કર્યા હતા. એ પછી નાની પૂજાની મૂર્તિ લીધી હતી અને એની પૂજા કરી હતી. - ચેતન ભાલેરાવ, મુલુંડચા રાજા મંડળનો સભ્ય

mumbai news mumbai mulund road accident mumbai police