14 March, 2023 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : સમીર માર્કન્ડે અને અનુરાગ અહિરે
મલાડ-ઈસ્ટના કુરાર વિલેજમાં આવેલા અપ્પાપાડાના આનંદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગઈ કાલે સાંજે ૪.૫૨ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેમાં ૨૦૦૦ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝૂંપડાં આવેલાં છે. આગ લાગ્યાની જાણ થતાં જ દેકારો મચી ગયો હતો. એવું કહેવાય છે કે ઘણાં સિલિન્ડર ફાટ્યાં હોવાથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં પોલીસ, ફાયર બ્રિગેડનાં ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગનો વ્યાપ જોતાં ફાયર બ્રિગેડ દ્વારા સાંજે ૫.૦૬ વાગ્યે જ લેવલ-ટૂ અને ૫.૨૭ વાગ્યે લેવલ-થ્રી આગની જાહેરાત કરી દેવાઈ હતી. મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીએમસીના અધિકારીઓ, પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. એકસાથે ઘણાં સિલિન્ડર બ્લાસ્ટ થયાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે.
ફાયર બ્રિગેડના ચીફ સંજય માંજરેકરે ગઈ કાલે રાતે આગ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૨૦૦૦ કરતાં પણ વધારે ઝૂંપડાંઓમાં આગ લાગી છે. અમે એને કન્ટ્રોલમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.