બૅલાર્ડ એસ્ટેટમાં BESTની બસ નીચે આવી જવાથી એકનું મૃત્યુ

12 December, 2024 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બસ-ડ્રાઇવર જ્ઞાનદેવ નામદેવ જગદાળેને તાબામાં લઈ આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.  

રાહદારી પર ફરી વળેલી બસને આઝાદ મેદાનમાં મૂકવામાં આવી હતી. (તસવીર-શાદાબ ખાન)

કુર્લામાં સોમવારે રાતે થયેલી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે ૭ જણનો ભોગ અને ૪૯ જણને અડફેટે લીધાની ઘટના તાજી જ છે ત્યારે ગઈ કાલે બપોરે એક રાહદારી પર બસ ફરી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દેવનારથી ઇલે​ક્ટ્રિક હાઉસ જતી બસ નંબર એ-૨૬ના ડ્રાઇવરથી બૅલાર્ડ એસ્ટેટમાં વાલચંદ હીરાચંદ માર્ગ પર સાંજે ૪.૨૫ વાગ્યે આ અકસ્માત થયો હતો. બસ-ડ્રાઇવર જ્ઞાનદેવ નામદેવ જગદાળેને તાબામાં લઈ આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.  

આ અકસ્માત વિશે માહિતી આપતાં BESTના પ્રવક્તા સુદાસ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના બની ત્યારે એ વ્યક્તિ રોડ ક્રૉસ કરી રહી હતી. એક બાઇકસવારે તેને અડફેટે લેતાં તે રસ્તા પર પટકાઈ હતી. એ સમયે બાજુમાંથી BESTની બસ પસાર થઈ રહી હતી, જેના પાછળના પૈડા નીચે તેનું માથું આવી જવાને લીધે મૃત્યુ થયું હતું. આ કેસમાં બાઇકસવાર તો નાસી ગયો છે. સ્પૉટના ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ હાથ લાગ્યાં હોવાથી આ બાબતનો ખુલાસો થયો છે. જોકે પોલીસે બસ-ડ્રાઇવરને તાબામાં લઈને તેની સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. એ બાબતે પ્રયાસ ચાલી રહ્યા છે.’

ગોરેગામમાં પણ બસે બાઇકને અડફેટે લીધી

ગોરેગામમાં ગઈ કાલે BESTની બસ રૂટ નંબર ૪૪૭ (ગોરેગામ સ્ટેશનથી સંતોષનગર) સ્ટેશન પાસેના ગાય-વાછરડું ચોક પાસેથી સાંજે ૫.૩૦ વાગ્યે ટર્ન લેતી વખતે પાર્ક કરેલી બાઇકને અડફેટે લેતાં બાઇકને નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.      

mumbai news mumbai road accident goregaon kurla azad maidan