21 July, 2023 08:50 AM IST | Mumbai | Priti Khuman Thakur
ભાઈંદર (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશનની સામે આવેલા જોખમી બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો
બે દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ભાઈંદર (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશનની સામે નવ કીર્તિ પ્રિમાઇસિસ નામના ૪૫ વર્ષ જૂના બિલ્ડિંગનો એક હિસ્સો ગઈ કાલે ધરાશાયી થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર જણ ઘાયલ થયા હતા. ઘાયલોને ભાઈંદરની પંડિત ભીમસેન જોશી (ટેમ્બા) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગનો કાટમાળ પડતાં એક રિક્ષા કચડાઈ ગઈ હતી. સદનસીબે ભારે વરસાદને કારણે સ્ટેશન પરના આ રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી. અન્યથા વધુ જાનહાનિ થવાની શક્યતા હતી.
આ અકસ્માતમાં ૪૭ વર્ષના દુર્ગારામ અવધેશ રામનું મૃત્યુ થયું છે. દુર્ગારામ ભાઈંદર સ્ટેશને બૂટપૉલિશ કરતા હતા. એવું કહેવાય છે કે તેઓ નાસ્તો લેવા માટે એ બિલ્ડિંગની દુકાનમાં ગયા હતા.
બચાવકાર્ય શરૂ થયું
સવારે ૧૦.૩૦ વાગ્યે ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો હતો. બિલ્ડિંગના એક ખૂણાના પહેલા માળે આવેલા રૂપેશ બિયરબારનો એક હિસ્સો અચાનક તૂટીને પડ્યો હતો એટલે બિલ્ડિંગ નીચેની ફુટપાથ પર ચાલતા લોકો એની ઝપટમાં આવી ગયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં મીરા-ભાઈંદર વિસ્તારમાં ૨૫૦ મીમી વરસાદ પડ્યો હતો.
...તો મોટો અકસ્માત થયો હોત
આ બિલ્ડિંગ રેલવે-સ્ટેશનની ટિકિટબારીની બરાબર સામે આવેલું છે. બિલ્ડિંગની નીચે જમ્બો વડાપાંઉની દુકાન છે. ચા-નાસ્તા માટે આ જગ્યાએ હંમેશાં ભીડ હોય છે. અહીંના મુખ્ય માર્ગ સાંકડા હોવાને કારણે આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જૅમ થાય છે. વહેલી સવારે પડી રહેલા ભારે વરસાદને કારણે અકસ્માત વખતે લોકોની હાજરી નહીંવત્ હતી. જો સામાન્ય દિવસ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
મહાનગરપાલિકા શું કહે છે?
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે જર્જરિત હતું. મ્યુનિસિપલ કૉર્પોરેશને એને જોખમી જાહેર કરીને ખાલી કરવાની નોટિસ આપી હતી. આ બનાવ બાદ બિલ્ડિંગને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.’