29 November, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામદાસ કદમ
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ વિજય મળતાં મહા વિકાસ આઘાડીનાં સૂપડાં સાફ થઈ ગયાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડીમાંથી છૂટા પડશે એવી રાજકીય ચર્ચા થઈ રહી છે. આવા સમયે શિંદેસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરીને ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં પત્રકારોને કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને જબરદસ્ત વિજય મળ્યો છે અને બે-ત્રણ દિવસમાં આગામી સરકારની સ્થાપના થઈ રહી છે. એકનાથ શિંદેએ અઢી વર્ષમાં લીધેલા જનહિતના નિર્ણયો જનતા સુધી પહોંચ્યા છે. આ મોટા વિજયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ફન્ડ આવશે એનો ફાયદો રાજ્યને થશે. હું તમને ભવિષ્યમાં શું થશે એ કહું છું. એક દિવસ એવો આવશે કે ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે તેમની ફૅમિલી સાથે દેશ છોડીને જતા રહેશે. મારી આ વાત લખીને રાખો. બાળાસાહેબ ઠાકરે સાથે બેઈમાની કરી, તેમની પીઠમાં ખંજર ખૂંપાવ્યું. તેમણે જે પાપ કર્યું છે એ પાપનું પરિણામ ઉદ્ધવ ઠાકરેએ ભોગવવું પડશે.’