મુંબઈ-ચેન્નઈ મૅચની ટિકિટ મેળવવામાં ગુમાવ્યા દોઢ લાખ

13 April, 2024 05:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પરથી મળેલા ફોન-નંબર પર કૉન્ટૅક્ટ કરવાનું ભારે પડી ગયું બોરીવલીના ટીનેજરને

હાર્દિક પાંડ્યા અને ધોનીની તસવીરોનો કૉલાજ

દેશભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો માહોલ જામ્યો છે ત્યારે મિત્રો સાથે સ્ટેડિયમમાં મૅચ જોવા માગતા બોરીવલીના ટીનેજરે આવતી કાલની વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની  મૅચની ટિકિટ મેળવવા ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું, પણ એ સાઇબર-ફ્રૉડ હતો એ ન સમજી શકતાં તેના ૧.૫૨ લાખ રૂપિયા ગયા હતા અને ટિકિટ પણ મળી નહોતી.

બોરીવલીની ચીકુવાડીમાં રહેતા બિઝનેસમૅનના ૧૯ વર્ષના દીકરા ક્રિત ગુપ્તાએ ટિકટ મેળવવા માટે ઑનલાઇન સર્ચ કરતાં એક ઇન્સ્ટાગ્રામની લિન્ક મળી આવી હતી. એના પર મેસેજ કરતાં સામેથી ચાર મોબાઇલ નંબર મોકલવામાં આવ્યા હતા. જ્યારે એ નંબર પર કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું કે ટિકિટ મળી શકશે, પણ એ માટે ઑનલાઇન પેમેન્ટ કરવું પડશે અને એ માટે તેમણે ક્યુઆર કોડ મોકલાવ્યો હતો. ક્રિતે પોતાની અને મિત્રો માટેની ટિકિટોનું પેમેન્ટ એસબીઆઇના અકાઉન્ટથી ગૂગલ-પે દ્વારા કુલ બાવીસ ટ્રાન્ઝૅક્શન્સ કરીને કર્યું  હતું. જોકે એ પછી ક્રિત અને તેના મિત્રોને ટિકિટો મળી નહોતી. એટલે તેમણે એ કૉન્ટૅક્ટ નંબર પર ફોન કર્યા હતા, પણ એ નંબર બંધ આવતા હતા. એટલું જ નહીં, ટીનેજરોએ તે લોકોને પોતાની રીતે શોધવાના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ એમાં નિષ્ફળ રહ્યા બાદ આખરે તેમણે આ બાબતે બોરીવલી પોલીસમાં સાઇબર-ફ્રૉડની ફરિયાદ નોંધાવી હતી. 

સાઇબર-ફ્રૉડનો શિકાર
બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ યંગ છોકરાઓ ઑનલાઇન ટિકટ લેવાના ચક્કરમાં સાઇબર-ફ્રૉડનો શિકાર બની ગયા છે. જો તેમણે ગોલ્ડન અવર્સ એટલે કે પૈસા ટ્રાન્સ્ફર થયાના અમુક કલાકોમાં જ ફરિયાદ કરી હોત તો અમે એ રકમ બૅન્કના નોડલ ઑફિસરને કહીને રોકાવી શક્યા હોત, પણ તેમણે તે ગઠિયાઓને પોતાની રીતે શોધવાનો પ્રયાસ કર્યો એમાં એ સમય નીકળી ગયો. રકમ હવે બીજે ટ્રાન્સફર થઈ ગઈ છે. અમારા સાઇબર-ઑફિસરે હવે એ પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા એની માહિતી મેળવવાની પ્રોસેસ ચાલુ કરી છે અને સાથે જ જે ચાર મોબાઇલ નંબર આપવામાં આવ્યા હતા એ પણ સર્વેલન્સ પર મૂકવામાં આવ્યા છે. જો એ નંબર ચાલુ  થશે તો એને ટ્રૅક કરીને આરોપીઓને ઝડપી શકાશે.’

borivali cyber crime mumbai crime news Crime News IPL 2024 chennai super kings mumbai indians instagram