19 January, 2025 01:33 PM IST | Mumbai | Jigisha Jain
આૅન્કોથૉનમાં ભાગ લેનારા પૅનલિસ્ટો, ડૉક્ટરો અને દરદીઓ.
આજની તારીખે ચારમાંથી એક કૅન્સર પાચનતંત્રનું કૅન્સર હોય છે અને કૅન્સરને કારણે થતાં ત્રણમાંથી એક મૃત્યુ એને કારણે થાય છે ત્યારે આ પ્રકારના કૅન્સર પર દેશ અને દુનિયાના ૧૦૦થી વધુ ડૉક્ટર્સે આ કૉન્ફરન્સમાં ચર્ચા કરી
તાતા મેમોરિયલ હૉસ્પિટલ સાથે મળીને એન. કે ધાભર કૅન્સર ફાઉન્ડેશન દ્વારા હાલમાં દરદીઓના વધુ સારા ઇલાજ માટે કૅન્સર કૅરની દિશામાં પ્રગતિ થાય એ આશયથી બે દિવસની ઑન્કોથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કૅન્સર સંબંધિત જુદા-જુદા કાર્યક્રમો યોજાયા હતા. એમાં કૅન્સરના ૧૦૦થી વધુ નિષ્ણાત ડૉક્ટર્સે ભાગ લીધો હતો. ફક્ત ભારત જ નહીં, હૉન્ગકૉન્ગ અને ઇટલીથી પણ ત્યાંના નિષ્ણાત ડૉક્ટર્સ આ કૉન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા.
પૌરુચિસ્તી ધાભર અને અરુણા ઈરાની.
ઑન્કોલૉજીમાં સતત પ્રગતિ
બે દિવસની આ કૉન્ફરન્સમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ અને હેપેટોબાઇલરી કૅન્સર પર ચર્ચા થઈ હતી. કૅન્સરના આ પ્રકારોમાં અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, નાનું-મોટું આંતરડું, લિવર, પિત્તાશય જેવા પાચનતંત્રના બધા જ અવયવોમાં થતા કૅન્સરનો સમાવેશ થાય છે જેના વિશે આજના સમયમાં કયા પ્રકારનો ઇલાજ ઉપલબ્ધ છે એ બાબતે નિષ્ણાતોએ ચર્ચા કરી હતી. એ વિશે વાત કરતાં આ કાર્યક્રમના સંચાલક ડૉ. જેહાન ધાભર કહે છે, ‘ઑન્કોલૉજી એક એવો વિષય છે જેમાં સતત પ્રગતિ થતી જાય છે. બધા એ જ કોશિશમાં છે કે કઈ રીતે કૅન્સરને હરાવીને દરદીને એક સારું જીવન આપી શકાય. ઇલાજ માટે ઉપયોગી નવી ટેક્નિક, નવી દવાઓ વિશે એકબીજાનું જ્ઞાન, પોતે કરેલા અનુભવો અને એનાં તારણો વિશે ડૉક્ટર્સ જ્યારે એકબીજા સાથે ચર્ચા કરે ત્યારે નવી દિશાઓ ખૂલતી હોય છે. કૅન્સર જેવા રોગને માત આપવા માટે ડૉક્ટર્સ તરીકે અમે પ્રતિબદ્ધ છીએ. અમે જે પાચનતંત્રના કૅન્સર વિશે વાત કરી એના કેસ જોઈએ તો કૅન્સરના દર ચાર દરદીમાંથી એક દરદી આ પ્રકારનું કૅન્સર ધરાવે છે અને કૅન્સરથી થતાં મૃત્યુમાં દર ત્રણમાંથી એક મૃત્યુ આ કૅન્સરને કારણે થાય છે. આ આંકડાઓ જણાવે છે કે આ બાબતે ગંભીર થવાની કેટલી જરૂર છે.’
ડૉ. જેહાન ધાભર
દરદીઓને તક
ઑન્કોથૉન અંતર્ગત તાતા હૉસ્પિટલમાં એક પેશન્ટ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં ૧૦૦થી વધુ દરદીઓએ ભાગ લીધો હતો. એમાં યોગ અને પોષણયુક્ત ખોરાક દ્વારા દરદીને કૅન્સરના ઇલાજમાં કઈ રીતે મદદ મળી શકે છે એની જાણકારી આપવામાં આવી હતી. એ સિવાય દરદીઓને જુદા-જુદા ઑન્કોલૉજિસ્ટને મળવાની અને તેમને પ્રશ્નો પૂછવાની તક પૂરી પાડવામાં આવી હતી.
ડૉક્ટરો સાથે સંગોષ્ઠિ
આ ઑન્કોથૉન અંતર્ગત એક સંગોષ્ઠિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ‘શું ડૉક્ટરો ભગવાન છે?’ વિષય પર ડૉક્ટર્સ અને દરદીઓએ પોતાના અનુભવ જણાવીને ચર્ચા કરી હતી. આ સંવાદમાં ઍક્ટર જિમ સર્ભે સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં પૌરુચિસ્તી ધાભર અને તેમની ટીમે દરદી અને ડૉક્ટર વચ્ચેની આજના સમયની તકલીફોનું નાટ્યરૂપાંતર કરી લોકો સમક્ષ રજૂઆત કરી હતી. એ વિશે વાત કરતાં એન. કે. ધાભર કૅન્સર ફાઉન્ડેશનનાં મૅનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ધાભર કહે છે, ‘આજકાલ લોકો ડૉક્ટર કરતાં ડૉ. ગૂગલ પર વધુ વિશ્વાસ મૂકતા થયા છે. એક તરફ દરદીને લાગે છે કે ડૉક્ટર મારી તકલીફને અવગણે છે તો બીજી તરફ તેની એ ભ્રમણાને દૂર કરવા માટે ડૉક્ટર્સ પાસે સમય હોતો નથી. કૅન્સર જેવા રોગમાં કમ્યુનિકેશનના અભાવે દરદી ટ્રીટમેન્ટ અધૂરી મૂકી દે છે અને એવા ગંભીર મુદ્દા સાથે કૅન્સરમાં દરદી જ્યારે પૂછે કે હવે મારી પાસે કેટલો સમય છે ત્યારે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો એ બાબતે પણ ચર્ચા જરૂરી છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે ઇચ્છતા હતા કે પરિસંવાદ થાય. ડૉક્ટર્સ પોતાની વાત કરે અને દરદી પોતાનો અનુભવ જણાવે.’
ડૉ. બમન ધાભર
ડૉક્ટર-દરદીનો સંબંધ
એન. કે. ધાભર કૅન્સર ફાઉન્ડેશનના બીજા મૅનેજિંગ ટ્રસ્ટી ખુરશીદ મિસ્ત્રી આ સંગોષ્ઠિના તારણ વિશે વાત કરતાં કહે છે, ‘ચર્ચા પછી અંતે તારણ એ જ હતું કે ડૉક્ટર કાંઈ ભગવાન નથી, તેને એક માણસ જ સમજીએ; પરંતુ ડૉક્ટર અને દરદી બન્નેને એકબીજા પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આ સંબંધ એકતરફી ન હોઈ શકે. બન્ને એકબીજાને સમજે, એકબીજા પર વિશ્વાસ કરે, માન જાળવે અને સાથે મળીને કામ કરે તો રોગને માત આપી શકે છે. ડૉક્ટર કોઈ દેવ નથી, દરદી કોઈ દેવદૂત નથી; પરંતુ એ બન્ને વચ્ચેનો સંબંધ દૈવી હોઈ શકે છે.’
૨૦૧૧માં એન. કે. ધાભર ફાઉન્ડેશનની શરૂઆત થઈ હતી. એ વિશે વાત કરતાં આ કાર્યક્રમના કન્વીનર અને જાણીતા ઑન્કોલૉજિસ્ટ ડૉ. બમન ધાભર કહે છે, ‘મારી મમ્મીનું મૃત્યુ બ્રેસ્ટ કૅન્સરને કારણે થયું હતું. તેમની યાદમાં અમે આ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી જેનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે કૅન્સરના દરેક દરદીને યોગ્ય ઇલાજ મળી રહે અને તેને જે પણ મદદની જરૂર હોય એ અમે યથાશક્તિ પૂરી કરી શકીએ. કૅન્સરની જે આ સફર છે એ સરળ તો નથી. એક વખત નિદાન થયા પછી દરદી અને તેના ઘરના લોકો માટે આ જંગ બની જાય છે. તેમની આ લડતમાં અમે તેમની સાથે છીએ. કૅન્સર જેવા રોગમાં ખૂબ જરૂર પડે છે સાચા માર્ગદર્શનની, સારી સંભાળની અને આર્થિક મદદની. આ બધી દિશામાં અમે જે પણ દરદી અમારી પાસે આવે તેને મદદ કરીએ છીએ.’
અરુણા ઈરાની છે એક કૅન્સર-સર્વાઇવર
ઑન્કોથૉન અંતર્ગત યોજાયેલી ડૉક્ટર અને દરદીઓ વચ્ચેની સંગોષ્ઠિમાં અભિનેત્રી અરુણા ઈરાની દરદી તરીકે ત્યાં હાજર રહ્યાં હતાં. લગભગ ૪-૫ વર્ષ પહેલાં અરુણા ઈરાનીને બ્રેસ્ટ કૅન્સરનું નિદાન થયું હતું, જેના વિશે તેમણે એ સમયે ક્યાંય ખબર પડવા દીધી નહોતી. તેમનો ઇલાજ પૂરો થયો અને તેઓ કૅન્સરમુક્ત થયાં એ પછી પહેલી વાર એ લોકો સમક્ષ એક કૅન્સર-સર્વાઇવર તરીકે સામે આવ્યાં હતાં. ‘શું ડૉક્ટરો ભગવાન છે?’ વિષય પરની ચર્ચામાં તેમણે અત્યંત ભાવુક થઈને કહ્યું હતું કે ‘મારા માટે તો ડૉક્ટર ભગવાન જ છે. રોગ આવે ત્યારે દરદીના મનમાં એ જ હોય છે કે તેને જીવવું છે. તેને જીવનદાન આપનાર બીજું કોઈ નહીં પણ ડૉક્ટર જ હોય છે. મને મારા ડૉક્ટર પર પૂરી શ્રદ્ધા હતી. તેમણે જે કહ્યું એ અક્ષરશઃ મેં માન્યું જેને કારણે આજે હું રોગમુક્ત બની છું અને અહીં તમારા બધા સામે બેઠી છું.’