29 March, 2023 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવનીત રાણાનાં પોસ્ટર્સ
મહાવિકાસ આઘાડીની સરકાર વખતે મસ્જિદો પરનાં લાઉડસ્પીકરોનો જે રીતે વિરોધ કરાયો હતો અને એ મુદ્દો ગરમાયો હતો એ જ રીતે હનુમાન ચાલીસાના પઠનનો મુદ્દો પણ ગરમાયો હતો અને એમાં અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા પર કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી અને તેમને ૧૪ દિવસ સુધી પોલીસ-કસ્ટડીમાં પણ રહેવું પડ્યું હતું. જોકે હવે જ્યારે હનુમાન જયંતી નજીક છે ત્યારે ફરી એ મુદ્દો ચર્ચામાં આવે એવી શક્યતા છે. મુંબઈમાં અનેક જગ્યાએ નવનીત રાણાનાં ભગવી શાલ સાથેનાં અને તેમને હિન્દુ શેરની તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે અને એમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે તેમના દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. એ પોસ્ટર્સમાં એક અન્ય બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે હનુમાન ચાલીસા વાંચવા બદલ તેમના પર રાજદ્રોહનો ગુનો નોંધી તેમને ૧૪ દિવસનો વનવાસ કરવા મોકલી અપાયાં હતાં. આયોજકો દ્વારા ૧૧૧ ફુટ ઊંચી હનુમાનની મૂર્તિ પણ બનાવવામાં આવશે એવી જાહેરાત એ પોસ્ટરમાં કરાઈ છે.