જૈનોના પર્યુષણમાં ભિવંડીમાં માંસ-મટનની દુકાનો બંધ રહી

13 September, 2023 01:10 PM IST  |  Mumbai | Rohit Parikh

શ્રી સમસ્ત જૈન મહાસંઘ ભિવંડી દ્વારા આ મુદ્દે ચળવળ શરૂ કરવામાં આવી હતી

જૈનોના પર્યુષણ પર્વના પહેલા દિવસે રાજ્ય સરકારના આદેશનો અમલ કરીને ભિવંડીમાં માંસ-મટનની દુકાનો બંધ કરવા રોડ પર ઊતરેલા ભિવંડી મહાનગરપાલિકાના અધિકારીઓ

જૈનોના પર્યુષણ પર્વને લક્ષમાં રાખીને શ્રી સમસ્ત જૈન મહાસંઘ ભિવંડી દ્વારા ભિવંડીમાં પર્યુષણના પહેલા દિવસે એટલે કે ગઈ કાલે અને છેલ્લા દિવસે (સંવત્સરીના દિવસે/૧૯ સપ્ટેમ્બરે) ભિવંડીમાં કતલખાનાં બંધ રાખવાની જોરદાર માગણી કરવામાં આવી હતી, જેને પરિણામે ગઈ કાલે ભિવંડીમાં માંસ, મટનની દુકાનો અને કતલખાનાં બંધ રાખવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના આદેશનો અમલ કરવા માટે ભિવંડીના જૈન સમાજે ભિવંડી મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરનો આભાર માનીને ખુશાલી વ્યક્ત કરી હતી.

આ બાબતની માહિતી આપતાં શ્રી સમસ્ત જૈન મહાસંઘ ભિવંડીના કન્વીનર અશોક જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે ૭ સપ્ટેમ્બર ૨૦૦૪માં એક પરિપત્ર બહાર પાડીને રાજ્યમાં જૈનોના પર્યુષણના પહેલા દિવસે અને અંતિમ દિવસે રાજ્યનાં કતલખાનાં બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકારના આ આદેશ પર અમલીકરણ કરવામાં આવતું નથી. માંસ, મટનની દુકાનો અને કતલખાનાં સરકારનો આદેશ હોવા છતાં પડદા પાછળ તેમના બિઝનેસને ચાલુ રાખતા હોય છે. આથી આ વર્ષે મહાસંઘ તરફથી ઑગસ્ટ મહિનાથી જ આની સામે ચળવળ શરૂ કરવામાં આવી હતી. રાજ્ય, જિલ્લા અને તાલુકાના અધિકારીઓને પત્ર અને ઈ-મેઇલ મોકલીને રાજ્ય સરકારના આદેશનો અમલ કરવા માટે સાથસહકાર આપવાની તેમને વિનંતી કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને ભિવંડી-થાણેના ઝોન-બેના પોલીસ કમિશનર નવનાથ ઢવળેએ એક પરિપત્ર બહાર પાડીને ૧૨ સપ્ટેમ્બર અને ૧૯ સપ્ટેમ્બરનાં કતલખાનાં અને માંસ-મટનની દુકાનો બંધ રાખવાનો અને રાજ્ય સરકારના આદેશનું પાલન કરવાનો આદેશ આપીને કહ્યું હતું કે આનો અમલ ન કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેને પગલે ગઈ કાલે સંબંધિત વિભાગોના અધિકારીઓ, મહાનગરપાલિકાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રોડ પર ઊતરીને ભિવંડીમાં માંસ-મટનની દુકાનોને બંધ કરાવી હતી.’

બંધ રાખવામાં આવેલી દુકાનો

અમે આશા રાખીએ છીએ કે પહેલા દિવસની જેમ જ છેલ્લા દિવસે જૈન સમાજની ધાર્મિક લાગણીઓને લક્ષમાં રાખીને ૧૯ સપ્ટેમ્બરે પણ આ અધિકારીઓ માંસ-મટનની દુકાનોને બંધ રાખવાના આદેશ પર અમલ કરશે. આ જાણકારી આપતાં અશોક જૈને કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રાજ્ય સરકારના આદેશ પર પર્યુષણ પર્વના પહેલા અને છેલ્લા દિવસે કતલખાનાં અને માંસ-મટનની દુકાનો બંધ રાખવા માટે જૈન સમાજને સહયોગ આપવામાં આવ્યો હતો.’

jain community bhiwandi mumbai mumbai news rohit parikh