આવતી કાલે ૨૨૫મી જલારામ જયંતી : મુંબઈ આખું લીન થશે બાપાની ભક્તિમાં

07 November, 2024 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી જલારામબાપાની દિવ્યતમ આરતી-સ્તુતિ-ચાલીસાના પાઠ બાદ રાતના ૮ વાગ્યાથી મહાપ્રસાદ અને ભક્તિસંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જલારામ બાપા

આજે સાંજે માયાભાઈ આહિર, ઉમેશ બારોટની ભજનસંધ્યા- મુલુંડ અને થાણેમાં અનેક ઠેકાણે ઉજવણી

સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે એવા વિશ્વવંદનીય સંત જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની આવતી કાલે મુલુંડમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી જલારામ સત્સંગ મંડળ, મુલુંડ દ્વારા આ વર્ષે એલ.બી.એસ. રોડ પરના રિચર્ડ ઍન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે બાપાની જયંતીનું આયોજન કરવામાં આવ્યું છે. એક શામ જલારામબાપા કે નામ કાર્યક્રમ હેઠળ ૭ નવેમ્બરે સાંજે ગુજરાતના જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે લોકગાયક ઉમેશ બારોટનાં ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી બાપા જલારામ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાણેના વાગળે એસ્ટેટમાં પડવળનગરના જલારામબાપા મંદિરમાં પણ મહાપ્રસાદનું આયોજન રાતે ૮ વાગ્યાથી કરવામાં આવ્યું છે. એન.એસ. રોડ પરના પુરુષોત્તમ ખેરાજ બિલ્ડિંગમાં સવારે મહાઆરતી પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે એમ. જી. રોડ પર ચંદનબાગ સ્કૂલમાં પણ સવારથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે એન.એસ. રોડ પરના આઇરિશ બૅન્ક્વેટ હૉલમાં પણ જલારામ જયંતીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચંદનબાગ નજીક અંબિકા ભુવન બિલ્ડિંગ, વીણાનગર, ગોવર્ધનનગર, વૈશાલીનગર, એમ. જી. રોડ પર ગાયવાલા બિલ્ડિંગ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં બાપાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરીવલીમાં મહાપ્રસાદ, ડાયરો તથા ફ્રી હેલ્થ ચેકઅપ કૅમ્પનું આયોજન

ટેન્ડર ઍડ્વર્ટાઇઝર્સના પ્રણેતા નરેશભાઈ અને રેખાબહેન જોબનપુત્રાના બાપલી પરિવાર દ્વારા બોરીવલી-વેસ્ટમાં દેવનગરમાં ભાટિયા સ્કૂલની બાજુમાં આવેલા બાપલી બંગલામાં આવતી કાલે જલારામ જયંતી નિમિત્તે ભજન-ડાયરો, મહાપ્રસાદ અને ફ્રી હેલ્થ ચેકઅપ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭ વાગ્યે મંગળા આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી ઉપરાંત સાંજે ૪થી ૭ વાગ્યા દરમ્યાન રંગ કસુંબલ ડાયરો તેમ જ સાંજે ૭ વાગ્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં નામાંકિત ભજનિક મનસુખ સચદે અને સાથી કલાકારો દુહા, છંદની રમઝટ સાથે જલારામબાપાનાં જાણીતાં ભજનો અને સંતવાણી પ્રસ્તુત કરશે. આ ઉપરાંત જોબનપુત્રા પરિવારે જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી નિમિત્તે રવિવાર, ૧૦ નવેમ્બરે બોરીવલી-વેસ્ટમાં શિમ્પોલી, કસ્તુર પાર્કમાં સ્ટેટ બેન્કની સામે, ૧૦૧ યુનિક અબોડમાં આવેલા હેલ્થફિક્સ ઑર્થોપેડિક ઍન્ડ ચેસ્ટ ક્લિનિકમાં ફ્રી હેલ્થ ચેકઅપ શિબિરનું પણ આયોજન કર્યું છે. આ શિબિરમાં જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. કપિલ લાલવાણી અને ચેસ્ટનાં નિષ્ણાત ડૉ. વિધિ જોબનપુત્રા અનુક્રમે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઑર્ડર્સ, જૉઇન્ટ્સના દુખાવા, આર્થ્રાઇટિસ, શ્વાસોશ્વાસની તકલીફો, ચેસ્ટ-ઇન્ફેક્શન જેવી ફેફસાંની વિવિધ બીમારીઓ તેમ જ સમસ્યાઓનું નિદાન અને માર્ગદર્શન કરશે. આ ઉપરાંત ફિઝિયોથેરપી, ડાયટ અને ડેન્ટલ ચેક-અપ પણ કરવામાં આવશે.

ભટ્ટવાડીમાં નીરવ બારોટ, રુચિ ભાનુશાલી,  શરદ લશ્કરી દ્વારા ભક્તિસંગીતની પ્રસ્તુતિ

શ્રી લોહાણા બંધુ મંડળ દ્વારા આવતી કાલે ઘાટકોપરમાં સંત શિરોમણિ પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી નિમિત્તે શ્રી જલારામ જયંતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૬.૩૦ વાગ્યે શ્રી જલારામબાપાની દિવ્યતમ આરતી-સ્તુતિ-ચાલીસાના પાઠ બાદ રાતના ૮ વાગ્યાથી મહાપ્રસાદ અને ભક્તિસંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નિખિલ દાવડા પ્રસ્તુત ભક્તિસંગીતમાં નીરવ બારોટ, રુચિ ભાનુશાલી, શરદ લશ્કરી અને સાથી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. સ્થળ : શ્રી જલારામ મંદિર, બર્વેનગર, ભટ્ટવાડી, સંત શ્રી જલારામબાપા ચોક, રામાપીર મંદિરની સામે, ઘાટકોપર-વેસ્ટ.

ડોમ્બિવલી-વેસ્ટ

શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ, ડોમ્બિવલી-વેસ્ટ દ્વારા ધર્મ અને ભક્તિના પરમ ઉપાસક ભક્ત પૂજ્ય શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન આવતી કાલે શ્રી જલારામ ધામ, ઓમ આશીર્વાદ બિલ્ડિંગ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની પાસે, ડોમ્બિવલી-વેસ્ટમાં કરવામાં આવ્યું છે. એમાં આજે સવારે ૭.૩૦ વાગ્યે નવગ્રહ શાંતિપૂજન, સવારે ૮.૩૦ વાગ્યે સંગીતમય પ્રાતઃ આરતી, ૯થી ૧૨ વાગ્યા દરમ્યાન મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ અને ધૂન તેમ જ સવારે ૯થી ૧.૩૦ વાગ્યા દરમ્યાન પૂ. બાપાને મનગમતી ખીચડી-કઢી-શાકના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિકોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. 

મલાડ-ઈસ્ટ

શ્રી જલારામ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા આવતી કાલે મલાડમાં જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી પ્રસંગે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪ વાગ્યે શ્રી જલારામ મંદિરેથી શોભાયાત્રા આરંભ થઈ ગૌશાળા લેન, સુભાષ લેન, પોદ્દાર રોડથી દફ્તરી રોડ થઈને સાંજે ૬.૩૦ વાગ્યે રામલીલા મેદાન પહોંચશે. મહાઆરતી સાંજે ૭ વાગ્યે તથા મહાપ્રસાદનું આયોજન સાંજે ૭.૩૦થી ૯.૩૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે. સ્થળઃ રામલીલા મેદાન, ગૌશાળા લેન, મલાડ (ઈસ્ટ).

કાંદિવલી-વેસ્ટ

શ્રી જય જલારામ રામરોટી ભંડાર ટ્રસ્ટ દ્વારા આવતી કાલે કાંદિવલી-વેસ્ટમાં વ્યાસ ક્લાસની સામે આવેલા સંતશિરોમણિ શ્રી જલારામબાપા મંદિરના ૫૧મા પાટોત્સવની અને શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ભવ્યતાથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે સવારે ૬ વાગ્યાથી મંદિરમાં મંગળા આરતી, અભિષેક પૂજા, મહાઆરતી અને થાળનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો સવારે ૬થી રાતે ૧૧ વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. જલારામબાપાના ભક્તો માટે બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમ્યાન કાંદિવલી-વેસ્ટમાં આવેલી હાલાઈ લોહાણા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ જ સ્થળે સાંજે ૭ વાગ્યાથી બિંદુ ભટ્ટ, પ્રતીક બારોટ અને સંજય થાનકીનાં ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘાટકોપર-ઈસ્ટ

ઘાટકોપર (ઈસ્ટ)માં રાજાવાડી નાકા, એમ. જી. રોડસ્થિત શ્રી જય જલારામ ધામમાં આવતી કાલે જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭થી બપોરના બે સુધી તેમ જ સાંજે ૪થી ૧૧ વાગ્યા દરમ્યાન બાપાનાં દર્શન કરી શકાશે. બપોરે ૧૨.૩૦થી બે વાગ્યા દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિરાર-વેસ્ટ

શ્રી જલારામ વિરાર ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે નવેમ્બરે વિરારમાં શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી, અન્નકૂટ દર્શન બપોરે ૧૨ વાગ્યે, ભક્તિમંડળ દ્વારા ભજન બપોરે ૧૨.૧૫થી ૨, આરોગ્ય શિબિર સવારે ૧૦થી બે તથા મહાપ્રસાદ (ભંડારો) બપોરે ૧૨.૩૦ વાગ્યાથી યોજાશે. સ્થળઃ શ્રી જલારામ મંદિર, પી. પી. માર્ગ, પુષ્પાનગર, એસ. ટી. ડેપો પાસે, વિરાર (વેસ્ટ). 

મલાડ-ઈસ્ટ

મલાડ-ઈસ્ટમાં જલારામ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા આવતી કાલે ગૌશાળા લેનમાં આવેલા રામલીલા મેદાનમાં જલારામબાપાની જન્મ જયંતી ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ચાર વાગ્યે શોભાયાત્રા નીકળશે જે જલારામબાપાના મંદિરથી શરૂ થઈને ગૌશાળા લેન, સુભાષ લેન, પોદાર રોડથી દફ્તરી રોડ થઈને સાંજે સાડાછ વાગ્યે રામલીલા મેદાન પહોંચશે. સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને ૭.૩૦થી ૯.૩૦ વાગ્યા દરમ્યાન ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ભુલેશ્વર

ભુલેશ્વરના જલારામ મંદિરમાં શ્રી જય જલારામબાપા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯થી બપોરના ૧૨ વાગ્યા દરમ્યાન પાદુકાપૂજન, બપોરે ૧૨ વાગ્યે મધ્યાહ્‍‍ન મહાઆરતી તેમ જ બપોરે ૧૨થી બે વાગ્યા દરમ્યાન મંદિરના શ્રી જલારામ સદાવ્રત હૉલમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સવારે ૧૦થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન જલારામ મહિલા ભજન મંડળની બહેનો ભજન રજૂ કરશે. 

બાંદરા-વેસ્ટ

બાંદરા-વેસ્ટમાં આવતી કાલે શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. બાંદરા-વેસ્ટમાં એસ. વી. રોડ પર તળાવની સામે આવેલા શ્રી રામ મંદિરમાં સવારે ૯.૩૦ વાગ્યે આરતી, ભજન બપોરે ૩થી ૬ વાગ્યા દરમ્યાન અને મહાઆરતી સાંજે ૬ વાગ્યે યોજાશે. સાંજે ૬થી રાતના ૧૦ વાગ્યા દરમ્યાન મહાપ્રસાદ (ભંડારો) 
બાંદરા-વેસ્ટમાં એસ. વી. રોડ પર જ તળાવની સામે આવેલી નૅશનલ લાઇબ્રેરીમાં યોજાશે. આયોજકો દ્વારા સહપરિવાર ઉત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 

APMC માર્કેટ, વાશી
 
જલારામબાપા ઉત્સવ મંડળ દ્વારા દર વર્ષ પ્રમાણે આવતી કાલે વાશીમાં APMC માર્કેટમાં શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી નિમિત્તે શ્રી જલારામ જયંતી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧.૩૦ વાગ્યે બાપાનો આરતીથાળ પૂર્ણ થયા બાદ બાપાની મનગમતી ખીચડી-કઢીનો મહાપ્રસાદ લેવા ભાવિક ભક્તોને આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. ત્યાર બાદ ૩.૩૦ વાગ્યાથી આયોજિત સંતવાણીમાં શિવશંકર મહારાજ, શંકર ભાનુશાલી, ગિરધર ભાનુશાલી વગેરે કલાકારો રમઝટ બોલાવશે. સ્થળ ઃ K ગલી ગ્રાઉન્ડ, દાણાબંદર, APMC માર્કેટ-ટૂ, સેક્ટર-૧૯, વાશી, નવી મુંબઈ.
 
કાંદિવલી-વેસ્ટ
આવતી કાલે કાંદિવલીમાં સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના ૨૨૫મા જન્મજયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાપા સીતારામ સેવા મંડળ (કાંદિવલી) તેમ જ જલારામ કાઠિયાવાડી દ્વારા સાંજે ૭ વાગ્યાથી આયોજિત ડાયરો અને મહાપ્રસાદનું સર્વેને ભાવભર્યું આમંત્રણ છે. ડાયરામાં અશોક ભાયાણી (રાજકોટ), વિજય આહિર, અનિરુદ્ધ ભટ્ટ, સુરેશ સોલંકી અને દક્ષીબહેન ભટ્ટ તથા અન્ય મોજીલા કલાકારો બાપાનાં ભજનોની રમઝટ બોલાવશે. ડાયરાનું સંચાલન સંજય સુરુ કરશે. આરતી સાંજે ૫.૪૫થી ૬.૩૦ વાગ્યે યોજાશે. સ્થળઃ જલારામ કાઠિયાવાડી થાળી, શૉપ નંબર ૪, ૫, ૬ અને ૭, અભિલાષા ૮૬, કાંદિવલી ફ્લાયઓવર પાસે, ડેલિકેસી હોટેલની બાજુમાં, કાંદિવલી-વેસ્ટ.
 
બોરીવલી-ઈસ્ટ
 
જય શ્રી જલારામ મિત્ર મંડળ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બોરીવલીમાં શ્રી જલારામ મંદિરમાં આવતી કાલે શ્રી જલારામ જન્મજયંતી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજારોહણ સવારે ૯ વાગ્યે અને બપોરે ૪થી ૬ વાગ્યા દરમ્યાન રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ તેમ જ સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી બાદ રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ ઃ ઓમ શ્રી સિદ્ધેશ્વર સોસાયટી, કાર્ટર રોડ નંબર પાંચ, બોરીવલી-ઈસ્ટ.
mumbai news mumbai religious places culture news indian music