થર્ટીફર્સ્ટની રાત્રે ટ્રાફિકના નિયમોના ભંગ કરતા ૧૭,૮૦૦ કેસ નોંધાયા

02 January, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોંધાયેલા કુલ ૧૭,૮૦૦ ગુનામાં આખા મુંબઈમાં માત્ર ૧૫૩ એટલે કે એક ટકો કરતાં પણ ઓછા ગુના ડ્રન્કન ડ્રાઇવિંગના નોંધાયા હતા

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈગરાઓએ ૨૦૨૪ના વર્ષને વિદાય આપતાં અને નવા વર્ષને આવકારતાં ધૂમ ઉજવણી કરી હતી. જોકે નોંધપાત્ર બાબત એ સામે આવી હતી કે આ વર્ષે ટ્રાફિક-પોલીસે થર્ટીફર્સ્ટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જે ગુના નોંધ્યા અને ફાઇન વસૂલ કર્યો એમાં અન્ય ગુનાઓની સરખામણીએ ડ્રન્કન ડ્રાઇવિંગના બહુ ઓછા ગુના નોંધાયા હતા. મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નોંધાયેલા કુલ ૧૭,૮૦૦ ગુનામાં આખા મુંબઈમાં માત્ર ૧૫૩ એટલે કે એક ટકો કરતાં પણ ઓછા ગુના ડ્રન્કન ડ્રાઇવિંગના નોંધાયા હતા, જ્યારે થાણેમાં ૩૧૧ કેસ નોંધાયા હતા.

આમ મુંબઈગરાઓને ટ્રાફિક-પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટ પહેલાં કરાયેલી અપીલ કામ કરી ગઈ હોય એવું લાગે છે. એના કારણે એક સારી વાત એ પણ બની કે થર્ટીફર્સ્ટે કોઈ જીવલેણ કે ગંભીર અકસ્માત નથી થયા. જોકે મુંબઈ પોલીસની થર્ટીફર્સ્ટની એ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત અન્ય ગુનાઓમાં ૨૮૯૩ ગુના રસ્તો રોકીને આડેધડ ગાડી પાર્ક કરવાના હતા. એ પછી પોલીસ સાથે જીભાજોડી કરવાના ૧૯૭૬ અને ત્યાર બાદ હેલ્મેટ વગર ડ્રાઇવ કરવાના ૧૯૨૩ ગુનાનો સમાવેશ થતો હતો.       

mumbai news mumbai mumbai traffic police mumbai traffic mumbai police